ફારુક અબ્દુલ્લા
ફારુક અબ્દુલ્લા જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં(2024) શ્રીનગરના સાંસદ છે. તેઓ જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સના પ્રમુખ પણ છે. ફારુક અબ્દુલ્લાનો જન્મ 21 ઓક્ટોબર 1937ના રોજ શ્રીનગરમાં થયો હતો. આ પછી તે ઈંગ્લેન્ડ ગયા અને ત્યાં પોતાનો અભ્યાસ પૂરો કર્યો. ફારુક અબ્દુલ્લાના પિતા શેખ અબ્દુલ્લાની બિમારીના કારણે તેમને પોતાના દેશ પરત ફરવું પડ્યું હતું. ફારુક અબ્દુલ્લા 1975માં ભારત પરત ફર્યા. ત્યારબાદ તેમને તેમના પિતાનો રાજકીય વારસો સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી.
ફારુક અબ્દુલ્લા વર્ષ 1980માં પહેલીવાર સાંસદ તરીકે ચૂંટાયા હતા. કોઈપણ ચૂંટણીમાં આ તેમની પ્રથમ જીત હતી અને આ પછી અબ્દુલ્લાએ પાછળ વળીને જોયું નથી. ફારુક વર્ષ 1982માં પહેલીવાર ધારાસભ્ય બન્યા અને ત્યાર બાદ તેઓ પાંચ વખત ધારાસભ્ય રહ્યા. 1982થી 1983 સુધી તેઓ જમ્મુ અને કાશ્મીરના આરોગ્ય મંત્રી તરીકે પણ હતા.
1983માં તેઓ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા. આ પછી તેઓ ત્રણ વખત મુખ્યમંત્રી પદ સંભાળ્યું. ફારુક અબ્દુલ્લા ફેબ્રુઆરી 2009માં બીજી વખત રાજ્યસભામાં ચૂંટાયા હતા. એ જ વર્ષે તેઓ લોકસભાની ચૂંટણી પણ જીત્યા. 31 મે 2009થી મે 2014 સુધી, ફારુકે કેન્દ્ર સરકારમાં રિન્યુએબલ એનર્જી મંત્રીનું પદ સંભાળ્યું હતું.