ઓમર અબ્દુલ્લા
ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સ પાર્ટીના ઉપાધ્યક્ષ છે. 10 માર્ચ, 1970ના રોજ બ્રિટનમા જન્મેલા ઓમર અબ્દુલ્લા, 2009માં જમ્મુ અને કાશ્મીરના સૌથી નાની વયના મુખ્ય પ્રધાન બન્યા હતા. ઓમર અબ્દુલ્લા નેશનલ કોન્ફરન્સ પાર્ટીના પ્રમુખ ફારુક અબ્દુલ્લાના પુત્ર છે. આ કારણે તેમનો રાજકારણ સાથેનો સંબંધ જૂનો રહ્યો છે અને અમુક અંશે તેમને રાજકારણ વારસામાં મળ્યું છે. ઓમર અબ્દુલ્લાના પિતા ફારુક અબ્દુલ્લા અને તેમના દાદા શેખ અબ્દુલ્લા પણ જમ્મુ કાશ્મીરના મુખ્ય પ્રધાન રહી ચૂક્યા છે. ઓમર અબ્દુલ્લાએ ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. પ્રથમ, તેઓ 1998માં 28 વર્ષની વયે 12મી લોકસભામાં ચૂંટાયા હતા. તેમણે સૌથી યુવા લોકસભા સભ્ય બનીને રેકોર્ડ બનાવ્યો. આ પછી, તેઓ ફરીથી વર્ષ 1999માં બીજી વખત લોકસભામાં ચૂંટાયા. તેઓ ન માત્ર સૌથી યુવા લોકસભા સભ્ય બન્યા, પણ સૌથી યુવા કેન્દ્રીય મંત્રી પણ બન્યા હતા..
વર્ષ 2001માં તેમણે કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. પરંતુ તેમણે વર્ષ 2002માં જ રાજીનામું આપી દીધું હતું, તેનું કારણ તેમની પાર્ટી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હતું. વર્ષ 2003માં તેઓ પાર્ટીના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. 2006માં ફારુક અબ્દુલ્લા ફરીથી પાર્ટીના અધ્યક્ષ બન્યા. 2009માં તેમણે કોંગ્રેસ પાર્ટી સાથે ગઠબંધન સરકાર બનાવી અને સૌથી યુવા મુખ્યમંત્રી બન્યા. તેઓ 2015 સુધી મુખ્યમંત્રી રહ્યા.
ઓમર અબ્દુલ્લાએ તેમનું સ્કૂલિંગ શ્રીનગરથી કર્યું હતું. તેમણે સિડનહામ કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સમાંથી B.COM અને સ્ટ્રેથક્લાઈડ યુનિવર્સિટીમાંથી MBA પણ કર્યું છે. ઓમર અબ્દુલ્લાએ 1994માં પાયલનાથ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તેઓ વર્ષ 2012માં અલગ થઈ ગયા હતા.