અંબાજી મંદિર ગાદી વિવાદ: બ્રહ્મલીન વસંતગીરી બાપુના વસિયતનામામાં વારસદાર તરીકે ખૂલ્યુ આ વ્યક્તિનું નામ – Video
જુનાગઢના અંબાજી મંદિરમાં ગાદી વિવાદે નવો વળાંક લીધો છે. ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી પર ગાદી ગેરકાયદેસર રીતે પચાવવાનો આક્ષેપને હવે શિવગીરી બાપુના આક્ષેપ બાદ વધુ બળ મળ્યુ છે. શિવગીરી બાપુનો દાવો છે કે મહેશગીરીએ ધાક-ધમકીથી મંદિર અને મિલકત પર કબજો જમાવ્યો છે.
જુનાગઢના અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુના બ્રહ્મલીન થયા બાદ અંબાજી મંદિરની ગાદીનો વિવાદ વકર્યો છે. ગાદી પરના હક મામલે ભવનાથ મંદિરના મહંત હરિગીરી બાપુ અને ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપો યથાવત છે. પરંતુ, હવે તેની વચ્ચે નવા વિવાદે જન્મ લીધો છે. તે એ કે ભૂતનાથ મંદિરના મહંતનું પદ મહેશગીરીએ બળજબરી અને ધાક-ધમકીથી પચાવ્યું છે.
શિવગીરી બાપુએ મહેશગીરીથી તેમન જીવને જોખમ હોવાનો કર્યો આક્ષેપ
વસિયતનામમાં વારસદાર તરીકે જેમનો ઉલ્લેખ છે તેવાં શિવગીરી બાપુનો આક્ષેપ છે કે જુલાઈ 2023માં વસંતગીરીબાપુ બ્રહ્મલીન થયા અને તે સાથે જ મહેશગીરીએ મંદિર પર કબજો જમાવી દીધો. જૂના ટ્રસ્ટીઓને બળજબરીપૂર્વક રાજીનામું અપાવવામાં આવ્યું. અને શિવગીરી બાપુને પણ એમ કહીને હાંકી કઢાયા કે “અહીં ક્યારેય પાછા ન ફરે, નહીં તો મજા નહીં આવે.” શિવગીરી બાપુનો આક્ષેપ છે કે મહેશગીરીથી તેમના જીવને જોખમ છે. છેલ્લાં ઘણાં સમયથી તે ભાગતા ફરી રહ્યા છે. અને હાલ એક ખાનગી કંપનીમાં ડ્રાઈવિંગની નોકરી કરીને જીવન ગુજારી રહ્યા છે.
ખોટા સહી સિક્કા કરી મહેશગીરીએ અંબાજી મંદિર પર કબજો જમાવ્યો
સમગ્ર મામલે કાયદાકીય લડત લડી રહેલાં વકીલ હેમા શુક્લએ દાવો કર્યો છે કે વસંતગીરી બાપુના ખોટા સહી સિક્કા કરીને મહેશગીરીએ ભૂતનાથ મંદિર પર કબજો જમાવ્યો. તે ઘટનામાં તેઓ પકડાયા નહીં એટલે ખોટું કરવાની હિંમત આવી. જ્યારે અંબાજીના મહંત તનસુખગીરી બાપુ રાજકોટની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ત્યારે તેમના પણ ખોટા સહી-સિક્કા મેળવી લેવાયા છે. માત્ર ધાર્મિક જગ્યાઓ જ નહીં પરંતુ, અબજો રૂપિયાની મિલકત પચાવી પાડવા મહેશગીરીએ કારસો રચ્યો.
ઉલ્લેખનીય છે કે અંબાજી વિવાદના વકરતા વિવાદ વચ્ચે મહેશગીરી અને જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરિશ કોટેચા વચ્ચે પણ ચકમક ઝરી હતી. ગિરીશ કોટેચાનું કહેવું છે કે શિવગીરી બાપુની ચાદરવિધિ તો 5 સંતોની હાજરીમાં થઈ હતી. જો મહેશગીરી પાસે સાચું વીલ હોય તે બતાવતા કેમ નથી ? મહેશગીરીના પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે.
સમગ્ર મામલે ગિરીશ કોટેચાએ આગામી દિવસોમાં સોરઠના સંતોનું સંમેલન બોલાવવાની પણ તજવીજ હાથ ધરી છે. તેમનું કહેવું છે કે બહારથી આવેલા સાધુઓ ગિરનાર મંડળને હડપ કરવા માંગે છે. અને સંમેલનનો મુખ્ય હેતુ આવા સંતોને ખુલ્લા પાડવાનો છે.
Input Credit- Vijaysinh Parmar- Junagadh