નવસારીના તમામે તમામ 355 ગામમાં માવઠાથી ભારે નુકસાની, 15295 ખેડૂતો અને 18309 હેક્ટર વિસ્તાર પ્રભાવિત
હવામાન વિભાગે આગાહી કરી હતી કે, 25 ઓક્ટોબરથી આગામી 1 નવેમ્બર સુધી રાજ્યમાં કમોસમી વરસાદ વરસવાની સંભાવના છે. આ આગાહીને પગલે વરસેલા કમોસમી વરસાદથી, નવસારી જિલ્લા સહિત રાજ્યના અન્ય ઘણા જિલ્લાઓમાં ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે, ગુજરાતમાં કમોસમી વરસાદ અંગે જિલ્લાઓની સ્થિતિનો ચિતાર મેળવવા માટે સ્થાનિક મંત્રીઓને અલગ અલગ જિલ્લાઓમા થયેલા નુક્સાન અને તંત્ર દ્વારા લેવામાં આવતા પગલાઓ ઉપર જરૂરી માર્ગદર્શન આપવા મોકલ્યા હતા.

આદિજાતી વિકાસ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી નરેશ પટેલ તેમજ રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવત્તિઓના રાજ્યકક્ષાના પ્રધાન ડો. જયરામભાઈ ગામીતે ખેતરોની મુલાકાત લીધી હતી. તેમજ નવસારી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે થયેલ નુકસાન અંગેની સમીક્ષા બેઠક યોજી હતી.

માવઠાથી થયેલા નુકશાન, કાપણી કર્યા બાદ ખેતરમા સુકાવેલ પાક, તંત્ર દ્વારા સેટેલાઇટના આધારે અને ત્યાર બાદ સ્થળ ઉપર જઇ કરવામાં આવેલ સર્વે અંગે થા નુકસાની અંગે સંકલીત રીપોર્ટ કરવા સુચના આપવામાં આવી હતી.

તાપી અને નવસારી જિલ્લાનું નિરિક્ષણ કરતા આ બન્ને જિલ્લામાં વધારે નુકશાન થયુ છે અને કમોસમી વરસાદના કારણે ખાસ કરીને ડાંગરને ભારે નુકશાન થયુ છે.

જિલ્લા ખેતીવાડી અધિકારીએ જિલ્લાના ખેતી પાકો અને બાગાયતી પાકોમાં થયેલ નુકસાનની પ્રાથમીક આંકડાકિય માહિતી આપી હતી. જે અનુસાર સમગ્ર નવસારી જિલ્લામાં તમામ તાલુકાઓ મળી કુલ-355 ગામોમાં નોંધપાત્ર નૂક્શાની જોવા મળી છે. જેમાં 15295 ખેડુતોને જિલ્લાના કુલ વાવેતર પૈકિ 18,309 હેક્ટર વિસ્તારમા નુકશાની નોંધાઇ છે

નવસારી જિલ્લામાં ખાસ કરીને મુખ્ય ડાંગર પાકને વધુ નુકસાન થયુ છે અને શાકભાજી પાકને પણ વધતા ઓછા પ્રમાણમાં નુકશાન થયુ છે. જિલ્લાનો વાવેતર વિસ્તાર કુલ- 45,829 હેક્ટર છે, જેમાંથી 16842 હેકટર વાવેતર વિસ્તાર કાપણી પૂર્ણ થયેલો વિસ્તાર અને 28779 વાવેતર વિસ્તાર કાપણી બાકી હોય તેવો વિસ્તાર છે એમ જાણકારી આપી હતી.
આ પણ વાંચોઃ ગીર સોમનાથ જિલ્લામાં 6 થી 15 ઈંચ વરસ્યો કમોસમી વરસાદ, મગફળી, કપાસ, સોયાબીન, તુવેરના વાવેતર ભારે નુકસાનનો અંદાજ