ગીર સોમનાથ જિલ્લામાં 6 થી 15 ઈંચ વરસ્યો કમોસમી વરસાદ, મગફળી, કપાસ, સોયાબીન, તુવેરના વાવેતર ભારે નુકસાનનો અંદાજ
ગુજરાતમાં આ વખતે કમોસમી વરસાદની વચ્ચે જ ભૂપેન્દ્ર પટેલે તેમની સરકારના પ્રધાનોને, ખેડૂતોને માવઠાથી થયેલા નુકસાનનો અંદાજ મેળવવા વિવિધ જિલ્લામાં મોકલ્યા હતા. જેના ભાગરૂપે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાએ સવારે ગીર સોમનાથના વિવિધ ગ્રામ્ય વિસ્તારના ખેતરોની મુલાકાત લઈ ખેતી ક્ષેત્રે માવઠાથી થયેલ નુકશાની અંગેનો ચિતાર મેળવ્યો હતો.

અર્જૂનભાઈ મોઢવાડિયા અને પ્રદ્યુમન વાજાએ, ગીર સોમનાથ જિલ્લાના વિવિધ તાલુકાના ખેતરમાં જઈને ખેડૂતોને માવઠાથી થયેલા નુકસાનનો પ્રાથમિક અંદાજ મેળવ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં આ વર્ષે, 90,830 હેક્ટર વિસ્તારમાં મગફળી, 27,764 હેક્ટરમાં સોયાબીન, 11,365 હેક્ટરમાં કપાસ અને 5807 હેક્ટરમાં તુવેરનું વાવેતર કરવામાં આવ્યું છે.

કૃષિ, બાગાયતી, એક વાર્ષિક પાક, 2 હેક્ટરથી વધુ જમીન ધરાવતા ખેડૂતો, વરસાદ આધારિત વિસ્તાર, સિંચાઈ વાળા વિસ્તાર, સર્વે કરવાની જોગવાઈ, જમીન તથા અન્ય નુકસાન માટે સહાય, કાદવ રેતી દૂર કરવા ડીસલ્ટીંગ, ભૂસ્ખલન નદી માર્ગ ફેરફાર વગેરેના કારણે જમીન નુકસાન, સેટેલાઈટ ઇમેજ આધારે અસરગ્રસ્ત વિસ્તાર અંગે માહિતી રજૂ કરવામાં આવી હતી.

ગીર સોમનાથ જિલ્લામાં ચાલું ખરીફ ઋતુના કુલ વાવેતર 1,53,243 હેક્ટરમાં કરાયું છે. ડિઝાસ્ટર વિભાગના આંકડાઓ અનુસાર છેલ્લા 04 દિવસમાં સૌથી વધારે સૂત્રાપાડામાં 15 ઈંચ, ઉનામાં 10.5 ઈંચ, વેરાવળમાં 10 ઈંચ, કોડીનારમાં 8.5 ઈંચ તેમજ તાલાલા અને ગીરગઢડામાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે.

વિવિધ વિભાગો પાસેથી બાગાયત અને કૃષિલક્ષી માહિતી મેળવી મંત્રીઓએ કુદરતી આપત્તિઓના કારણે કરવા પડતાં આકસ્મિક પાક નુકસાનીના ડિજિટલ સર્વે અંગેની નવીન બાબતની યોજનાઓના ઠરાવ, ડિજિટલ સર્વેની કામગીરી માટે જરૂર પડે તો અન્ય જિલ્લામાંથી ટીમ બોલાવવા તેમજ અમલીકરણ અંગે ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું.
આ પણ વાંચોઃ ભારે વરસાદની આગાહીને પગલે અધિકારી-કર્મચારીઓને હેડ ક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રાખવા સુચના