રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એ ભારતનું એક હિન્દુ રાષ્ટ્રવાદી સ્વયંસેવક સંગઠન છે. તે વ્યાપકપણે ભારતીય જનતા પાર્ટીનું પિતૃ સંગઠન માનવામાં આવે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સંઘ ઉપરાંત આરએસએસ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિશ્વની સૌથી મોટી સ્વૈચ્છિક સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કેશવ બલરામ હેડગેવાર દ્વારા કરવામાં આવી હતી. ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાના ધ્યેય સાથે 27 સપ્ટેમ્બર 1925ના રોજ વિજયાદશમીના દિવસે આરએસએસની સ્થાપના કરવામાં આવી હતી.
આ સંસ્થા 2025માં 100 વર્ષની થઈ જશે. નાગપુરના અખાડાઓમાંથી બનેલા સંઘે, હાલમાં આધુનિક સ્વરૂપ ધારણ કર્યું છે. સંઘના પ્રથમ સરસંઘચાલક હેડગેવારે પોતાના ઘરે 17 લોકો સાથે એક પરિસંવાદમાં સંઘની રચનાની યોજના બનાવી હતી. સંઘનું નામ શું હશે, પ્રવૃતિઓ શું હશે, બધું જ સમયની સાથે ધીરે ધીરે નક્કી થયું. તે સમયે વિચાર માત્ર હિંદુઓને સંગઠિત કરવાનો હતો. 17 એપ્રિલ 1926ના રોજ સંગઠનનું નામ પણ ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ રાખવામાં આવ્યું હતું.
તે જ દિવસે હેડગેવાર સર્વસંમતિથી આરએસએસના વડા તરીકે ચૂંટાયા હતા, પરંતુ નવેમ્બર 1929માં તેમને સરસંઘચાલક બનાવવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક દાયકાઓમાં દેશના ખૂણે ખૂણે સંઘની શાખાઓ સ્થાપિત થઈ છે. હાલમાં મોહન ભાગવત સંઘ પ્રમુખની ભૂમિકા નિભાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સંઘના પ્રચારક રહી ચૂક્યા છે.