Gujarat Mavthu: ભાવનગર જિલ્લાને માવઠાથી થયેલા નુકસાન મુદ્દે પરશોત્તમ સોલંકીએ જિલ્લા વહીવટીતંત્ર સાથે કરી સમીક્ષા- Video
ભાવનગર જિલ્લાને માવઠાથી મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરીને કપાસ, જુવાર, મગફળી અને બાગાયતી પાકોને ભારે નુકસાન થયુ છે ત્યારે ખેડૂતોને સત્વરે સહાય મળે તે હેતુથી કેબિનેટ મંત્રી પરસોત્તમ સોલંકીએ જિલ્લા વહીવટીતંત્ર સાથે સમીક્ષા બેઠક કરી હતી.
સમગ્ર ગુજરાતમાં માવઠાને કારણે ખેતપેદાશોને ભારે નુકસાન થયુ છે. ખેડૂતો બેહાલ બન્યા છે. સૌથી વધુ સૌરાષ્ટ્રના ખેડૂતોને માવઠાને કારણે મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને તેઓ પાયમાલ થવા જેવી સ્થિતિમાં મુકાઈ ગયા છે ત્યારે ભાવનગર જિલ્લામાં પણ જુવાર, કપાસ, મગફળી સહિત અન્ય બાગાયતી પાકોને ભારે નુકસાન થયુ છે. ખેડૂતોને હાથમાં કંઈ બચ્યુ નથી. આવી કફોડી સ્થિતિમાં ખેડૂતો હવે એકમાત્ર સરકાર સમક્ષ મીટ માંડીને બેઠા છે કે સરકાર સત્વરે કોઈ રાહત પેકેજ જાહેર કરે તો તેમને થોડોઘણો ટેકો થઈ શકે. બાકી હાલ જે પરિસ્થિતિ છે તેમા તો ખેડૂતો પાસે ના તો મજૂરી ના આપવાના પૈસા બચ્યા છે કે ના તો શિયાળુ પાક લેવા માટેના પૈસા બચ્યા છે. ત્યારે કેબિનેટ મંત્રી પરશોત્તમ સોલંકીએ પણ ભાવનગર જિલ્લાના ખેડૂતોને થયેલા નુકસાન મુદ્દે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી છે.
મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરશોત્તમ સોલંકીએ માવઠાથી થયેલી નુકસાનીનો તાગ મેળવી તંત્રના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. તાબડતોબ નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને તાત્કાલિક સહાય મળે તે માટેના પરશોત્તમ સોલંકીએ પ્રયાસો હાથ ધર્યા છે. tv9 ગુજરાતી સાથેની વાતચીતમાં મંત્રીએ જણાવ્યુ કે માછીમારોને થયેલા નુકસાન મુદ્દે પણ CMને રજૂઆત કરવામાં આવી છે. રાજુલા, જાફરાબાદ અને ઉના તાલુકાના માછીમારોના અનેક પ્રશ્નો છે તેમણે ઉમેર્યુ કે ખેડૂતોને નુકસાનમાં મદદરૂપ થવા CM સતત ચિંતિત છે. તેમણે જણાવ્યુ કે ગરીબ ખેડૂતોને બને તેટલી ઝડપી સહાય મળે તે મુદ્દે પણ મંત્રી દ્વારા CM અને જેતે વિભાગના મંત્રીઓને રજૂઆત કરવામાં આવી છે.
ખેડૂતોની માગ છે કે તેમની મંડળીઓ માફ કરવામાં આવે અને તેમને સહાય આપવામાં આવે આ અંગે પરશોત્તમ સોલંકીએ જણાવ્યુ કે સર્વે કર્યા બાદ જરૂર જણાય તો સરકાર મંડળીઓ માફ કરવા અંગે વિચારશે.