ગૌતમ ગંભીર
ગૌતમ ગંભીર ભારતના પૂર્વ ક્રિકેટર છે. ગૌતમ ગંભીર બે ક્રિકેટ વિશ્વ કપ (2007 T20 વર્લ્ડ કપ અને 2011 ODI વર્લ્ડ કપ) જીતનાર ખેલાડી છે. જુલાઈ 2024થી ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચની જવાબદારી નિભાવી રહ્યા છે. ગૌતમ ગંભીર ક્રિકેટના ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, ODI અને T20)માં ભારતના સૌથી સફળ ઓપનિંગ બેટ્સમેનમાં એક છે. ગૌતમ ગંભીરે વર્ષ 2009 માટે ‘ICC ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર’ એવોર્ડ જીત્યો હતો અને ‘વર્લ્ડ ટેસ્ટ XI’ ટીમમાં સ્થાન પણ મેળવ્યું હતું.
2007 T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પાકિસ્તાન સામે સૌથી વધુ 75 રન અને 2011 ODI વર્લ્ડ કપની ફાઈનલમાં શ્રીલંકા સામે સૌથી વધુ 97 રન બનાવી ગૌતમ ગંભીરે ભારતની જીતમાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. વર્ષ 2019માં ગૌતમ ગંભીરને ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘પદ્મશ્રી’ મળ્યો હતો. ગૌતમ ગંભીર, દિલ્હીથી ભાજપના સાંસદ પણ રહી ચૂક્યા છે.