ઐશ્વર્યા રાય બચ્ચન
ઐશ્વર્યા રાય બચ્ચનનો જન્મ 1 નવેમ્બર 1973ના રોજ થયો હતો. ઐશ્વર્યા રાય બચ્ચન એ ભારતીય અભિનેત્રી છે. જે મુખ્યત્વે હિન્દી અને તમિલ ફિલ્મોમાં તેના કામ માટે જાણીતી છે. મિસ વર્લ્ડ 1994 સ્પર્ધામાં વિજેતા બની હતી. તેણીએ પાછળથી પોતાની જાતને ભારતની સૌથી લોકપ્રિય અને પ્રભાવશાળી મહિલામાંની એક તરીકે સ્થાપિત કરી. ઐશ્વર્યા રાય બચ્ચનને તેના અભિનય માટે ખુબ પ્રસંશા મળી હતી. 2009માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી અને 2012માં ફ્રાન્સ સરકાર દ્વારા ઑર્ડે ડેસ આર્ટસ એટ ડેસ લેટ્રેસથી સન્માનિત કરવામાં આવી હતી.
કૉલેજના સમયે ઐશ્વર્યા રાયે કેટલીક મૉડલિંગમાં ભાગ લીધો હતો. ઘણી ટેલિવિઝન જાહેરાતોમાં દેખાયા બાદ, તેણીએ મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં તે બીજા સ્થાને રહી. ત્યારબાદ તેણીને મિસ વર્લ્ડ 1994નો તાજ પહેરાવવામાં આવ્યો હતો. ઐશ્વર્યા રાયે 1997માં મણિરત્નમની તમિલ ફિલ્મ ઇરુવરમાં અભિનયની શરૂઆત કરી હતી. અને એ જ વર્ષે ઔર પ્યાર હો ગયામાં તેની પ્રથમ હિન્દી ફિલ્મ રિલીઝ થઈ હતી.
ઐશ્વર્યા રાયે 2007માં અમિતાભ બચ્ચનના પુત્ર અભિનેતા અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનને સંતાનમાં એક પુત્રી છે.