આમ આદમી પાર્ટી
આમ આદમી પાર્ટી અથવા AAP એ ભારતનો એક રાજકીય પક્ષ છે. જેને હવે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળ્યો છે. ભ્રષ્ટાચાર સામે શરુ થયેલા અન્ના હજારેના આંદોલન પછી AAPની રચના 2012માં થઈ હતી. સમાજ સેવક અન્ના હઝારે અને આંદોલન સાથે સંકળાયેલા કેટલાક લોકોનું માનવુ હતુ કે રાજકારણમાં પ્રવેશ કરવો જોઇએ નહીં. જો કે IRS અધિકારી રહી ચુકેલા અરવિંદ કેજરીવાલ અને તેમની સાથેના કેટલાક લોકોનો અભિપ્રાય અલગ હતો અને તેઓ રાજકારણમાં આવીને રાજકારણ બદલવાની વાત કહીને આગળ વધી ગયા.
આમ આદમી પાર્ટીની રચનાની સત્તાવાર જાહેરાત 26 નવેમ્બર 2012ના રોજ દિલ્હીના જંતર મંતર ખાતે કરવામાં આવી હતી. એક વર્ષ પછી 2013માં આમ આદમી પાર્ટી પ્રથમ ચૂંટણી લડી હતી. જે પછી આમ આદમી પાર્ટી 70 બેઠક ધરાવતી દિલ્હી વિધાનસભામાં જીત મેળવી બીજી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી. આમ આદમી પાર્ટીએ 28 બેઠક મેળવી હતી. કોંગ્રેસે તેમને બહારથી ટેકો આપ્યો અને દિલ્હીમાં કેજરીવાલ સરકારની રચના થઇ. જો કે આ સરકાર લાંબા સમય સુધી ટકી શકી નહીં. 49 દિવસ બાદ અરવિંદ કેજરીવાલે રાજીનામું આપ્યું. AAPએ ફક્ત દિલ્હી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. 2015ની વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો હતો.
AAPએ 70માંથી 67 બેઠક મેળવી, પરંતુ તે દરમિયાન પાર્ટીમાં ભંગાણ શરૂ થઇ ગયુ. એપ્રિલ 2015માં પાર્ટીના સંસ્થાપક સભ્ય યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ અને પ્રોફેસર આનંદ કુમારને આમ આદમી પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. હાલમાં પંજાબ અને દિલ્હીમાં આપ સરકાર છે અને આમ આદમી પાર્ટી, દેશના વિરોધ પક્ષોએ ભેગા થઈને રચેલા જોડાણ I.N.D.I.A નો એક ભાગ છે.