ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)નો છેલ્લો ભાગ આવતાની સાથે જ કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) એ તેની સંપૂર્ણ ક્ષમતા મુજબ પ્રદર્શન કરવાનું શરૂ કરી રહી છે. પ્લે ઓફની રેસમાં દરેક મેચ સાથે ‘કરો યા મરો’ની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલી કોલકાતાની ટીમ છેલ્લી મેચ સુધી પોતાની આશા જીવંત રાખવામાં સફળ રહી છે. કોલકાતા ટીમે શનિવારે પૂણેમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) સામેની મેચમાં 54 રને જીત મેળવી હતી. સ્ટાર ઓલરાઉન્ડર આન્દ્રે રસેલે (Andre Russell) ખરા અર્થમાં ઓલરાઉન્ડરનું પ્રદર્શન કર્યું અને એકલા હાથે હૈદરાબાદને મેચમાંથી બહાર કરી દીધું હતું. આ સાથે તેણે ટીમને સતત બીજી જીત અપાવી અને પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચાડીને પ્લે ઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી હતી.
એમસીએ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં બંને ટીમો માટે જીત જરૂરી હતી. પરંતુ કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ માટે આ છેલ્લી તક બની શકી હોત. આ પહેલા કોલકાતાએ છેલ્લી મેચમાં મુંબઈ સામે આવી જ સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો અને ત્યાં પણ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે જ સમયે કોલકાતાએ આ વખતે પણ પુનરાવર્તન કર્યું અને ખરાબ રીતે સંઘર્ષ કરી રહેલા હૈદરાબાદ સામે પહેલા 177 રનનો મજબૂત સ્કોર બનાવ્યો અને ત્યારબાદ હૈદરાબાદ ટીમને માત્ર 123 રનમાં રોકી દીધું હતું.
હૈદરાબાદની ઈનિંગ્સે શરૂઆતમાં ઝડપ પકડી હતી અને તેમાં અભિષેક શર્માનું યોગદાન હતું. જેઓ એકલા હાથે કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમની મજબૂત બોલિંગનો સામનો કરી રહ્યો હતો. તેના પાર્ટનર સુકાની કેન વિલિયમ્સ અને રાહુલ ત્રિપાઠી કોઈ ખાસ બેટિંગ કરી શક્યા ન હતા અને 9મી ઓવરમાં બંનેની વિકેટ 54 રનમાં પડી ગઈ હતી. ત્યાર પછી 12મી ઓવરમાં 72 રનના સ્કોર પર વરુણ ચક્રવર્તીએ અભિષેક (43 રન, 28 બોલ)ની સારી ઈનિંગનો અંત લાવ્યો હતો. ત્યાર પછી હૈદરાબાદની એક પછી એક વિકેટ પડવાની શરૂઆત થઇ ગઇ હતી.
એડન માર્કરામ (32 રન, 25 બોલ)એ કેટલાક આકર્ષક શોટ્સ ફટકાર્યા હતા. પરંતુ 15મી ઓવરમાં તેની વિકેટ પડતા તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. નિકોલસ પૂરન, વોશિંગ્ટન સુંદર અને શશાંક સિંહ પણ કંઈ કરી શક્યા ન હતા. શાનદાર બેટિંગ કરીને કોલકાતાને મોટા સ્કોર સુધી લઇ જનાર આન્દ્રે રસેલ (3/22), બોલ વડે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તે ટીમનો સૌથી સફળ બોલર હતો. તેના સિવાય ટિમ સાઉથી (2/23) એ પણ શાનદાર બોલિંગ કરી હતી.