Google Pay, PhonePe છોડો ! હવે માત્ર હાથ બતાવશોને થઈ જશે પેમેન્ટ, જાણો શું છે આ ટેકનોલોજી?
શું તમે ક્યારેય સાંભળ્યું કે જોયું છે કે માત્ર હથેળી બતાવીને પેમેન્ટ કરી શકાય છે? તમે ચોંકી જશો કે માત્ર હથેળી બતાવીને પેમેન્ટ કેવી રીતે કરી શકાય, તે શક્ય નથી. પરંતુ હવે આ શક્ય છે, એવા બે દેશો છે જ્યાં આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે

એક સમય હતો જ્યારે આપણે બધા મોટાભાગે પેમેન્ટ માટે રોકડનો ઉપયોગ કરતા હતા. આ પછી, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ બજારમાં પ્રવેશ્યા અને પછી ભારતમાં ડિમોનેટાઇઝેશનનો સમય આવ્યો. ડિમોનેટાઇઝેશન પછી ડિજિટલાઇઝેશનનો યુગ આવ્યો અને પછી કેટલાક લોકોએ રોકડનો ઉપયોગ કરવાનું બંધ કરીને ચુકવણી માટે Google Pay, PhonePe અને Paytm જેવી એપ્સનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. પરંતુ શું તમે જાણો છો કે અમેરિકા અને ચીન હવે પેમેન્ટની નવી ટેકનોલોજી સામે આવી છે જેમાં તમે માત્ર હાથની હથેળી બતાવી પેમેન્ટ કરી શકશો.

જી હા, આ વાત સાંભળીને નવાઈ લાગીને કે હાથની હથેળી બતાવીને પેમેન્ટ ! ત્યારે કોઈ પણ જગ્યાએ પેમેન્ટ માટે હવે ક્રેડિટ કે ડેબિટ કાર્ડ કે પછી ફોન પે, ગુગલ પેની જગ્યાએ માત્ર હાથની હથેળી બતાવી પેમેન્ટ કરવામાં આવી રહ્યું છે. ત્યારે શું છે આ ટેકનોલોજી અને તે કેવી રીતે કામ કરે છે ચાલો જાણીએ

તમને જણાવી દઈએ કે અમેરિકા અને ચીનમાં કેટલીક કંપનીઓ હથેળી બતાવીને પેમેન્ટની આ સેવા પૂરી પાડી રહી છે. આ સેવા અમેરિકામાં Amazon અને ચીનમાં Tencent કંપની દ્વારા આપવામાં આવી રહી છે. ચાલો જાણીએ કે આ ટેક્નોલોજી કેવી રીતે કામ કરે છે?

જો કોઈ વ્યક્તિ અમેરિકા અથવા ચીનમાં પોતાનો હાથ બતાવીને પેમેન્ટ કરવા માંગે છે, તો તેણે એમેઝોન અને ટેન્સેન્ટ જેવી કંપનીઓના ક્લાઉડ સર્વર પર તેના બેંક ખાતા અને કાર્ડની વિગતો સાથે તેની હથેળીનો બાયોમેટ્રિક ડેટા અપલોડ કરવનો હોય છે. જેમ બેન્કમાં આઈડી પ્રૂફ માટે આધાર કાર્ડ જમા કરવામાં આવે છે તેવી જ રીતે તમારો હાથ અહીં તમારું આઈડી છે.

આ પછી, જો તમે તમારી હથેળી બતાવીને ચુકવણી કરવા માંગો છો, તો મશીનમાં સ્થાપિત સ્કેનર તમારી હથેળીની પ્રિન્ટ અને તમારી હથેળીની નસોની રચનાનું વિશ્લેષણ કરીને તમારી ઓળખની પુષ્ટિ કરે છે. ઓળખની પુષ્ટિ થયા પછી, તમારી હથેળી સાથે જોડાયેલા બેંક ખાતામાંથી તરત જ ચુકવણી કરવામાં આવે છે.

































































