Mehsana: ઊંઝા મંદિરે 168 કલાક અખંડ ધૂન મહોત્સવ યોજાયો, માતા ઉમિયાજીના મહામંત્રના 15 કરોડ જાપ કરાયા, જુઓ Photo
શ્રી ઉમિયા શરણમ મમ મહામંત્ર અખંડ ધુન 168 કલાક 07, ઓગસ્ટે સંતો, મહંતો અને હજારો શ્રધ્ધાળુઓની ઉપસ્થિતિમાં ઉમિયા માતાજીની વૈદિક મંત્રોચ્ચાર સાથે પુજા-આરતી કરીને 168 કલાક ના મહામંત્ર અખંડ ધુન મહોત્સવનો શુભારંભ કરાયો હતો.

મહામંત્ર અખંડ ધુન મહોત્સવની 14, ઓગસ્ટના રોજ વિધિવત રીતે પુર્ણાહુતિ કરવામાં આવી. ઉમિયા માતાજી ના ભવ્ય અને દિવ્ય મંદિરનું 168 વર્ષ પહેલાં વિક્રમ સંવત 1911 માં પુનઃનિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું. જે ઐતિહાસિક ઘટનાની ઉજવણી રૂપે 168 કલાક મહામંત્ર અખંડ ધુનનો કાર્યક્રમ યોજાયો હતો. અખંડ ધુન માટે હજારો મહિલા મંડળ દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા.

મા ઉમિયા ના ભક્તોના મુખે 15 કરોડ શ્રી ઉમિયા શરણમ મમ ના નામ જપ મંત્ર ગવાયા અને ધૂન સાથે તાલ મેળવવા માટે 40 કરોડ થી વધારે તાલીનો નાદ થયો હતો, અત્યંત મહત્વપુર્ણ વાત એ છે કે અમેરીકા અને કેનેડા તેમજ ઑસ્ટ્રેલીયા સહિતના દેશો અને ગુજરાત-મધ્યપ્રદેશ-રાજસ્થાનના વિવિધ ગામોમાં મા ઉમા ભક્તો દ્વારા પ્રતિક મંત્ર ધુનના કાર્યક્રમ યોજાયા. અખંડ ધુન મહોત્સવમાં 40 વર્ષથી નાના દિકરા-દિકરીઓ સહિતની મોટી સંખ્યામાં જોડાઈ હતી, મહોત્સવ દરમિયાન ગુજરાતભરમાંથી 30 થી પણ વધારે સંતો-મહંતો ના મુખે શ્રી ઉમિયા શરણમ મમ નો નાદ કરાવ્યો હતો.

મોટી સંખ્યામાં લોકગીત કલાકારો પધારી અખંડ ધૂન ના ઉત્સાહમાં અનેક ઘણો વધારો કર્યો હતો. દાનેશ્વરી દાતાઓ, વિશિષ્ટ મહાનુભાવો, ઉમા ભક્તો, સહિત રાજસ્થાન, મધ્યપ્રદેશ, મુંબઈ, ગુજરાત સહિતના વિસ્તારોમાંથી અખંડ ધુન મહોત્સવમાં પાંચ લાખ કરતાં પણ વધારે શ્રધ્ધાળુઓ અખંડ ધુન ના તેમજ મા ઉમિયાના દર્શન કરવા પધાર્યા હતા. 60 લાખ થી વધુ ભક્તો જીવંત પ્રસારણના માધ્યમ થી અપ્રત્યક્ષ રીતે જોડાઈ મા ઉમિયા પ્રત્યે ભક્તિભાવ પ્રદર્શિત કર્યો હતો.

અખંડ ધુનમાં ભાગ લેનાર મહિલા મંડળો અને દર્શનાર્થીઓ માટે સતત 24 કલાક સેવા આપવા માટે 21 થી વધારે વિવિધ કમિટીઓએ પ્રશંસનીય કામગીરી કરી હતી. આ અખંડ ધૂન મહોત્સવ ઐતિહાસિક બન્યો હતો.

ભવ્યાતિભવ્ય મહોત્સવની ફળશ્રુતિ રૂપે શ્રી ઉમિયા શરણમ મમ મહામંત્ર કરવા માટે દરેક કડવા પાટીદારો પ્રેરીત બન્યા છે. નિયમિત રીતે શ્રી ઉમિયા શરણમ મમ મહામંત્ર જાપ કરવાથી આધિ, વ્યાધિ, ઉપાધી, પીડા, દુઃખ, સંકટ, હતાશા અને નિરાશા દુર થાય છે. જીવન તેજસ્વિ અને ઓજસ્વિ બને છે.