ટ્રમ્પ ક્યારે સુધરશે? ‘ટેરિફ’ અસરથી 1.5 લાખ નોકરીઓ સંકટમાં અને એમાંય 12,000 કરોડ ડૂબવાના આરે!
અમેરિકા અને ભારત વચ્ચેના ટેરિફ યુદ્ધનો સીધો અસર હવે ભારતીય અર્થવ્યવસ્થાએ અનુભવવાનું શરૂ કર્યું છે. વધતા ટેરિફના ભારથી લાખો નોકરીઓ સંકટમાં આવી ગઈ છે અને હજારો કરોડનું નુકસાન થવાની સ્થિતિ ઊભી થઈ છે.

ભારતમાં 'નીટવેર રાજધાની' તરીકે ઓળખાતું 'તિરુપુર' હાલ સંકટમાં છે અને તેનું ભવિષ્ય અંધકારમય લાગી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકા દ્વારા લાદવામાં આવેલા નવા 25% ટેરિફને કારણે ગાર્મેન્ટ એક્સપોર્ટ ઇંડસ્ટ્રીને ભારે નુકસાન થશે તેવું લાગી રહ્યું છે. તિરુપુરથી લગભગ 40% ગાર્મેન્ટ એક્સપોર્ટ અમેરિકામાં થાય છે. આવી સ્થિતિમાં, ટેરિફ વધવાથી એક્સપોર્ટને મોટો ફટકો પડી શકે છે અને હજારો કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત, ઘણી ફેક્ટરીઓ બંધ થવાની અને મોટા પાયે લોકો નોકરી ગુમાવશે તેવી શક્યતાઓ વધી ગઈ છે.

તમિલનાડુમાં સ્થિત તિરુપુર ભારતના નીટવેર એક્સપોર્ટમાં 68% ફાળો આપે છે. નાણાકીય વર્ષ 2025 માં તેણે 44,747 કરોડ રૂપિયાનો એક્સપોર્ટ વ્યવસાય કર્યો અને લગભગ 10 લાખ લોકોને રોજગાર આપ્યો. આ શહેર GAP અને Walmart જેવી વૈશ્વિક બ્રાન્ડ્સ માટે કપડાં બનાવે છે. જો કે, અમેરિકાના સતત ટેરિફ વધારાએ આ બિઝનેસ મોડેલને જોખમમાં મૂકી દીધું છે.

"દરેક ઓર્ડર સાઇકલ 120 દિવસની હોય છે. 4,000 કરોડ રૂપિયાના ઓર્ડર પહેલાથી જ પ્રભાવિત થયા છે," આ વાત તિરુપુર એક્સપોર્ટર્સ એસોસિએશન (TEA) ના પ્રમુખ કે એમ સુબ્રમણ્યમે જણાવી હતી. તિરુપુરની નિકાસમાં યુએસ બજાર વાર્ષિક 12,000 કરોડ રૂપિયાનું યોગદાન આપે છે અને તેની અસર તરત જ દેખાય છે.

TEA ના સંયુક્ત સચિવ કુમાર દુરાઈસામીએ કહ્યું, "પહેલા 25% ટેરિફ લાગુ હોવાથી આપણે વિયેતનામ અને બાંગ્લાદેશ જેવા દેશોની સરખામણીએ 5-6% મોંઘા પડી રહ્યા હતા પરંતુ હવે 50% ટેરિફ સાથે આ વ્યવસાય શક્ય નથી. નિકાસકારો કે આયાતકારો બંને આ આંચકો સહન કરી શકતા નથી."

તિરુપુરમાં 2,500 નિકાસકારો અને 20,000 સ્વતંત્ર ફેક્ટરીઓ છે, જે વણાટ, રંગાઈ, પેકેજિંગ, લેબલિંગ અને સિલાઈનું કામ કરે છે. નિકાસકારો કહે છે કે, જો ઓર્ડર બંધ થઈ જાય તો 1-1.5 લાખ નોકરીઓ ગુમાવી શકાય છે. દુરૈસામીએ જણાવ્યું કે, "કેટલાક યુનિટ્સ નવા ખરીદદારો શોધીને ટકી શકે છે પરંતુ જે યુનિટ્સ સંપૂર્ણપણે અમેરિકા પર નિર્ભર છે, તેઓને નુકસાન થઈ શકે છે." તેમણે એ પણ નિર્દેશ કર્યો કે, તિરુપુરમાં પહેલેથી જ મજૂરોની અછત છે.
દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
