સુરતની વારસાગાથા એટલે ખમ્માવતી વાવ, જાણો તેનો ગૌરવપૂર્ણ ઇતિહાસ
સુરત શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી 6૦૦ વર્ષથી વધુ જૂની ખમ્માવતી વાવ એ નંદા શૈલીનું શિલ્પકલા સમૃદ્ધ સ્મારક છે. વણઝારાઓ દ્વારા બાંધવામાં આવેલી આ વાવ માત્ર પાણીના સ્રોત રૂપે નહિ, પણ ઈતિહાસ, સંસ્કૃતિ અને લોકશ્રદ્ધાનું પ્રતિક છે. આજે પણ અહીંના પવિત્ર પાણીની ઔષધીય માન્યતાઓ અને ખમ્માવતી માતાનું મંદિર લોકોએ જીવંત રાખ્યું છે. ખમ્માવતી વાવ સુરતના પ્રાચીન ગૌરવ અને વારસાની અનમોલ સાક્ષી છે.


પ્રાચીન કાળમાં સૂર્યપુર તરીકે ઓળખાતા સુરતમાં વિવિધ રાજવીઓએ પોતાના શાસનકાળ દરમિયાન સ્મારક વાવ કુવા તળાવનું નિર્માણ કરાયુ હતું. નંદા શૈલીની સાત કોઠાની ખમ્માવતી વાવ જે આજે પણ પ્રાચીન સમયના ગૌરવપૂર્ણ ઇતિહાસ અને વારસાના સાક્ષી છે.

સૂર્યપુત્રી તાપી નદીના તટે વસેલું સુરત શહેર એક જમાનામાં ભારતનું પહેલા દરજ્જાનું સમૃદ્ધ શહેર તેમજ ભારતના પશ્ચિમકાંઠાનું અગત્યનું આંતરરાષ્ટ્રીય બંદર હતું. સુરતમાં ચોરાશી બંદરોના વાવટા ફરકતાં હતાં, તેની સમૃદ્ધિ રૂઆબ અને રોનક પરદેશી પ્રવાસીઓને આકર્ષતા સુરત સ્વપ્નશીલો સહેલાણીઓ સુધારકો અને સંસ્કૃતિપ્રેમીઓનું નગર છે. એક વાવ એટલે રેલવે સ્ટેશન વિસ્તારના લાલદરવાજાની કિલ્લા શેઠની વાડીમાં આવેલી નંદા શૈલીની સાત કોઠાની ખમ્માવતી વાવ જે આજે પણ પ્રાચીન સમયના ગૌરવપૂર્ણ ઈતિહાસ અને વારસાની સાક્ષી છે.

લાલદરવાજા પાસે છોવાળાની શેરીમાં પંદરમી સદીમાં ગુજરાતમાં મુઘલોના રાજમાં બંધાયેલી આશરે ૬૦૦ વર્ષ જૂની ૭ કોઠાની ખમ્માવતી વાવ મધ્યકાલીન મુઘલ સમયની નંદા શૈલીના બાંધકામનું પૂર્ણ પ્રતીક છે. આ વાવ વણઝારી વાવ ઉપરાંત બાનો બંગલો તરીકે પણ ઓળખાય છે

આ વાવમાં ઉતરવા માટે કુલ ૧૦૦ પગથિયા છે ૨૦ ફૂટ પહોળી છે અને ૩૦૦ ફૂટ લાંબી આ વાવમાં એક જ દરવાજો છે ભારતીય શિલ્પશાસ્ત્રના આધારે બનાવેલી ઉતરથી દક્ષિણ દિશા તરફની આ વાવમાં રેત પથ્થરો અને પ્રમાણમાં સહેજ મોટી ચપટી માટીની ઇંટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વણઝારાઓએ વાવનું નિર્માણ કર્યું હતું. દુષ્કાળના સમયમાં પાણી મળી રહે તે માટે જ આ પ્રકારના વિશેષ પગથિયાંવાળા કૂવાઓનું નિર્માણ કરવામાં આવતું હતું.

વાવનો કૂવા તરફનો ભાગ કોટ કિલ્લાની દીવાલની નજીક હતો અગાઉ જ્યારે યાતાયાતના સાધનો પૂરતાં પ્રમાણમાં ન હતા ત્યારે વણઝારાઓના બળદો એક સ્થળેથી બીજા સ્થળે ચીજ-વસ્તુઓ લઈ જવા માટે ઉપયોગી થતાં હતાં. વણઝારો એટલે એક સ્થળેથી બીજા સ્થળે ચીજવસ્તુઓ પહોચાડનાર, એક લાખ બળદોનો માલિક, લાખો વણઝારો ફકત માલ પહોચાડનાર નહી પણ વેપારી પણ હતો. વણઝારાઓ છતવાળા વિસ્તારોમાંથી જીવનજરૂરી ચીજવસ્તુઓ ભરીને અછતવાળા વિસ્તારોમાં પહોંચાડતાં હતા વણઝારાઓના બળદો દેશના ખૂણેખૂણે ફરતા.

એક માન્યતા પ્રમાણે ભારતમાં વર્ષો પહેલા રાજા ભર્તૃહરિ વીર વિક્રમ અને લાખો વણઝારો નામક ત્રણ ભાઈઓ હતા. રાજા ભૃતહરિએ પોતાના જીવનકાળ દરમિયાન સંન્યાસ લીધો હતો વીર વિક્રમ કુશળ રાજયકર્તા તરીકે પ્રખ્યાત હતા અને લાખા પાસે એક લાખ બળદોની વણઝાર હતી. આ કારણોસર લાખો લાખા વણઝારા તરીકે પ્રખ્યાત થયો હતો. લાખો વણઝારો વેપાર અર્થે ગુજરાત મારવાડ અને કાઠિયાવાડ વિસ્તારમાં આવતો હતો, ત્યારે તેને ઘણા દિવસો સુધી એક જ સ્થળે મુકામ કરવો પડતો હતો મુકામ દરમિયાન પાણીની દૈનિક જરૂરિયાત માટે તેઓ જે તે જગ્યાએ લોકો સાથે મળીને વાવનું નિર્માણ કરતા હતા.

જે તે વિસ્તારમાં પાણીની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે વણઝારાઓ દ્વારા વાવનું નિર્માણ કરવામાં આવતું હતું એવું પણ કહેવાય છે કે સુરતના રેલવે સ્ટેશન નજીક લાલ દરવાજા વિસ્તારમાં આવેલી વાવનું નિર્માણ પણ લાખા વણઝારાએ કર્યુ હોવાનું મનાય છે મૂળ સૌરાષ્ટ્રના અને વર્ષોથી સુરતમાં સ્થાયી થયેલ શેઠના પૌત્ર જણાવ્યું હતું કે લાલ દરવાજા પાસે કિલ્લા શેઠની વાડી અને છગન શેઠ વાડી તરીકે ઓળખાતો વિસ્તાર છે.

કિલ્લા શેઠના વારસદાર રાકેશભાઈ પટેલના છોવાળાની શેરીમાં આવેલા ઘર અને ફળિયામાં વણઝારાએ બનાવેલી પૌરાણિક વાવ હજુ પણ હયાત છે. આ વિસ્તારમાં બહારથી વેપાર કરવા આવતા શેઠીયા રહેતા હતા આ જગ્યા બાનો બંગલોના નામથી પણ ઓળખાય છે.

સુરતનો એન્ટ્રી ગેટ અને પહેલો દરવાજો લાલ દરવાજો હતો. સુરતમાં પ્રવેશ કરવા લાલ દરવાજા જ આવવું પડતું હતુ લાલ દરવાજા વિસ્તારમાં ખોડિયાર માતાજી સતી માતાજી અને ખમ્માવતી માતાજીની શહેરીજનો ઉપાસના કરે છે. વાવ પાસે ગરબો રમવા લોકો દૂર દૂરથી આવતા હતાં. વર્ષોથી વાવમાં ખમ્માવતી માતાના મંદિર સ્થાપના કરવામાં આવી છે. અહીં ચર્મરોગ ખાંસી ઉધરસ હાડકા સહિતના અનેક રોગોથી પીડાતા દર્દીઓ વાવના પાણીથી સાજા થતા એવી શ્રદ્ધા છે. આજ દિન સુધી વાવમાં ક્યારેય પાણી ખૂટ્યું નથી અને વાવમાં પડવાથી એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. વર્ષ ૨૦૦૬માં આવેલા પૂરમાં માતાજીની કૃપાથી અમે સુરક્ષિત રહ્યા હતા અહીં પૂરનું પાણી વાવમાં સમાતા અમે જોયું છે.

































































