Surat: નવી સિવિલમાં અંગદાનની સેન્ચુરી પૂર્ણ, 31 અંગદાનની ઘટનામાં કુલ 100 અંગોનું દાન, જુઓ PHOTOS
તાપી મૈયાના જન્મદિને સુરતની નવી સિવિલ હોસ્પિટલથી એક સાથે બે અંગદાનની ઘટના બની છે. જેમાં મૂળ બિહારના અરવિંદ મહંતો અને જામનગરના મનોજભાઈ ચાવડા એમ બે બ્રેઈનડેડ વ્યક્તિઓના ચાર કિડની અને બે લીવરના દાનથી છ જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન મળશે.

આજે નવી સિવિલમાં અંગદાનની સેન્ચુરી પૂર્ણ થઈ છે. નવી સિવિલ દ્વારા છેલ્લા છ મહિનામાં 31 અંગદાનની ઘટનામાં કુલ 100 અંગોનું દાન થયું છે. હીરા નગરી, ટેક્સટાઈલ હબ, બ્રીજ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે ઓર્ગન ડોનર સીટી તરીકે ખ્યાતી પામી રહ્યું છે. આજે સૂર્ય પુત્રી માં તાપી નદીના જન્મદિને સુરતમાં એક સાથે બે અંગદાનની વિરલ ઘટના બની છે.

અંગદાનની બે ઘટનામાં મૂળ બિહારના નવાડાના જિલ્લાના બિસનપુર ગામના વતની 45 વર્ષીય અરવિંદ રામચંદ્ર મહંતો, અને અન્ય એક જામનગર જિલ્લાના દિગ્વિજય ગામના વતની અને હાલ તાપી જિલ્લાના વાઘજરી ગામ ખાતે રહેતા 37 વર્ષીય મનોજભાઈ ઈશ્વરભાઈ ચાવડાનો પરિવાર દુઃખની ઘડીમાં અંગદાન માટે આગળ આવ્યો હતો.

બ્રેઈનડેડ વ્યક્તિઓના પ્રત્યેકની બે કિડની અને એક લીવર એમ કુલ ચાર કિડની અને બે લીવરનું દાન લેવામાં આવ્યું હતું. મૃતક મનોજના કિડની અને લીવર અમદાવાદની આઈ.કે.ડી. હોસ્પિટલમાં જ્યારે મૃતક અરવિંદના લીવર ઝાયડ્સ હોસ્પિટલ અમદાવાદ અને કિડની આઈ.કે.ડી. હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

છ અંગોના દાન થકી અન્ય છ દર્દીઓના જીવનમાં નવા રંગો પૂરવાનું સેવાકાર્ય થયું હતું. નવી સિવિલ હોસ્પિટલના સફળ પ્રયાસોના પરિણામે આજે એક સાથે 30મું અને 31મુ અંગદાન થયું છે.

ડો. ગોવેકરે જણાવ્યું કે આજે તા.25 મી જૂન- સુરતની જીવાદોરી તાપી મૈયાનો અવતરણ દિવસ છ જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં નવો ઉજાસ ફેલાવવામાં નિમિત્ત બન્યો છે.