સાબરકાંઠાઃ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ડ્રોન વડે નેનો યુરિયા છંટકાવ કરવા ખેડૂતોને લાઈવ ડેમો
સાબરકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હિંમતનગરમાં રથનુ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે સાંસદ, ધારાસભ્ય અને જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોને ડ્રોન દ્વારા નેનો યુરિયાના છંટકાવને લઈ નિદર્શન કરાયુ હતુ. આગામી 6 ડિસેમ્બરે હેરિટેજ દરજ્જો ગરબાને મળવાને લઈ ગરબાનુ આયોજન કરવામાં આવ્યુ છે.

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાથી જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હિંમતનગર તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ થતા હિંમતનગરના દેધરોટા ગામે ઉત્સાહ ભેર રથને આવકારવામાં આવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેકોર્ડ કરેલ વિકસિત ભારત સંકલ્પ અન્વયે પ્રજાજોગ વીડિયો સંદેશો યાત્રા દરમિયાન ગ્રામજનોએ સાંભળ્યો હતો. ત્યારબાદ પ્રદર્શન નિહાળ્યુ હતુ.

સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડ અને હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા, કલેકટર નૈમેષ દવેની ઉપસ્થિતિમાં રથનુ સ્વાગત દેધરોટા ગામે કરવામાં આવ્યુ હતુ. જ્યાં 100 ટકા નળ જોડાણની સિદ્ધી માટે પ્રશસ્તિ પત્ર તેમજ ભૂમિ સન્માન પત્ર પ્રસંગે એનાયત કરવામાં આવ્યા હતા. વિસ્તારના ખેલાડીઓનુ પણ પ્રસંગે સન્માન સાંસદ અને ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યુ હતુ.

યાત્રા અન્વયે ડ્રોન ટેકનોલોજીની ખેતીમાં ઉપયોગને લઈ નિદર્શન યોજવામાં આવ્યુ હતુ. ખેતીવાડી વિભાગ દ્વારા ડ્રોનના ઉપયોગથી નેનો યુરિયા ખાતરના છંટકાવને લઈ નિદર્શન દર્શાવાવામાં આવ્યુ હતુ. જે 26 કિલોના ડ્રોન દ્વારા 10 લીટર નેનો યુરિયાને એક હેક્ટર વિસ્તારમાં 8 જ મિનિટમાં છંટકાવ કરી શકાય છે.

જિલ્લા કલેકટર નૈમેષ દવેની અધ્યક્ષતામાં એક બેઠક વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત યોજવામાં આવી હતી. જે મુજબ આગામી 1, જાન્યુઆરી 2024ના રોજ એક સાથે જિલ્લામાં સૂર્ય નમસ્કાર નુ આયોજન કરવામાં આવ્યુ છે. ગરબાને હેરિટેજ દરજ્જો મળવા જઈ રહ્યો હોઈ આગામી 6 ડીસેમ્બરે જિલ્લા સ્તરે ગરબા આયોજન કરવામાં આવશે. આમ તમામ આયોજનને લઈ બેઠક યોજીને જિલ્લા અને તાલુકાના અધિકારીઓને માર્ગદર્શન આપ્યુ હતુ.
