Gold Silver Rate : સોનું નીચે સરક્યું અને ચાંદી પણ લપસી, જાણો આજનો ભાવ શું છે
સોના અને ચાંદીના ભાવમાં અચાનક ઘટાડો થવાથી રોકાણકારો આશ્ચર્યચકિત થયા છે. વાત એમ છે કે, સોનાનો ભાવ જો એક દિવસ વધે છે તો બીજે દિવસે ઘટી પણ જાય છે.

હાલમાં સોનાના બજારમાં ઉથલપાથલ ચાલી રહી છે. એવામાં સોનાના ભાવ જો એક દિવસ વધે છે તો બીજે દિવસે ઘટી પણ જાય છે. આમ જોવા જઈએ તો, ઘરેણાં પ્રેમીઓ અને રોકાણકારો માટે આ એક ચિંતાનું કારણ પણ છે અને રોકાણ કરવાની તક પણ છે.

શુક્રવારે દિલ્હીમાં સોનાની ચમક ઓછી થઈ ગઈ. 10 ગ્રામ સોનાના ભાવમાં 600 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો, જેના કારણે સોનાની કિંમત 99,020 રૂપિયા થઈ ગઈ.

ગુરુવારે, ભાવમાં વધારા પછી સોનું 99,620 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. હવે એમાંય ચાંદીની વાત કરીએ તો, તેમાં પણ 1,000 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ યુએસ આર્થિક ડેટાની અસર હોઈ શકે છે. સૂત્રો થકી જાણવા મળ્યું છે કે, યુએસ આર્થિક ડેટાની અસરને કારણે વૈશ્વિક સ્તરે સોનાના ભાવ પર દબાણ આવ્યું છે.

ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, ખરીદદારોના વેચાણના કારણે સ્થાનિક બજારમાં ભાવમાં ઘટાડો થયો છે. આ સિવાય આંતરરાષ્ટ્રીય બજારમાં યુએસ ડોલર અને ટ્રેઝરી યીલ્ડ મજબૂત થયા છે, જેના કારણે રોકાણકારોનું ધ્યાન સોનાથી ડોલર તરફ ગયું છે.

એચડીએફસી સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ સૌમિલ ગાંધીએ જણાવ્યું કે, અમેરિકાના મજબૂત મૈક્રોઇકોનોમિક ડેટા બાદ રોકાણકારોને હવે ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજદરમાં કપાતની આશા ઓછી લાગી રહી છે, જેના કારણે સોના પર દબાણ વધ્યું છે.

જણાવી દઈએ કે, હાલમાં સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. 99.9% શુદ્ધતા ધરાવતું સોનું હાલમાં 99,020 રૂપિયા પ્રતિ 10 ગ્રામના દરે વેચાઈ રહ્યું છે, જે ગઈકાલના દરની સરખામણીએ 600 રૂપિયા ઘટ્યું છે.

બીજીબાજુ, 99.5% શુદ્ધતા ધરાવતું સોનું હવે પ્રતિ 10 ગ્રામના દરે 98,500 રૂપિયા પર જોવા મળ્યું છે, જેમાં 500 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. વધુમાં જોઈએ તો, ચાંદીના દરમાં પણ ઘટાડો નોંધાયો છે. ચાંદી હાલમાં 1,04,800 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે, જેમાં 1,000 રૂપિયાનો ઘટાડો થયો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાનો ભાવ $3,334.45 પ્રતિ ઔંસ પર જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં, રોકાણકારો યુએસ પર્સનલ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર (PCE) ઇન્ફ્લેશન ડેટા પર નજર રાખશે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો

































































