KKR નો સૌથી મોંઘો જુગાર તેમને જ ભારે પડ્યો, શાહરુખની ટીમ માટે માથાનો દુખાવો બન્યો આ ‘બેટ્સમેન’
આઈપીએલ 2026 ની શરૂઆત કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માટે ધાર્યા જેવી રહી નથી. મેદાન પર ટીમ સંઘર્ષ કરી રહી છે અને ચાહકોમાં થોડી નિરાશા જોવા મળી રહી છે. આ બધા વચ્ચે સૌથી વધુ ચર્ચા અત્યારે ટીમના સ્ટાર ખેલાડીની થઈ રહી છે, જેને રેકોર્ડબ્રેક 25 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો.

IPL 2026 ની સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ટીમની શરૂઆતની ત્રણ મેચમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન જોવા મળ્યું નથી, જેના કારણે ફેન્સમાં નિરાશા જોવા મળી રહી છે. મુંબઈ ઇન્ડિયન્સ સામેની પ્રથમ મેચમાં KKR ને 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની બીજી મેચમાં ટીમ 65 રનના મોટા અંતરથી હારી ગઈ હતી.

પંજાબ કિંગ્સ સામેની ત્રીજી મેચ વરસાદને કારણે રદ થતા બંને ટીમને 1-1 પોઈન્ટ વહેંચવો પડ્યો હતો. આમ, 3 મેચ બાદ પણ KKR જીતનું ખાતું ખોલાવી શકી નથી. ટીમની આ નબળી શરૂઆત પાછળનું સૌથી મોટું કારણ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીનનું નિરાશાજનક ફોર્મ માનવામાં આવી રહ્યું છે. ઓક્શનમાં કોલકાતાએ ગ્રીનને 25.20 કરોડ રૂપિયાની મોટી રકમ ખર્ચીને પોતાની ટીમમાં એડ (Add) કર્યો હતો પરંતુ આ 'મોંઘો' ખેલાડી અત્યાર સુધી ફ્લોપ સાબિત થયો છે.

નવાઈની વાત એ છે કે, જે ખેલાડી પર કરોડોનો વરસાદ થયો છે, તે હજુ સુધી કુલ મળીને 25 રન પણ બનાવી શક્યો નથી. પ્રથમ મેચમાં 18 રન કર્યા બાદ, બીજી મેચમાં 2 અને ત્રીજી મેચમાં માત્ર 4 રન બનાવી તે આઉટ થયો હતો. ગ્રીનની આવી બેટિંગ જોઈને ક્રિકેટ જગતમાં સવાલ ઊઠી રહ્યા છે કે, શું KKR એ તેના પર આટલું મોટું રોકાણ કરીને ભૂલ કરી છે?

હવે KKR ની નજર આગામી મેચો પર છે, જ્યાં તેમણે વહેલી તકે વાપસી કરવી પડશે. KKR હવે 9 એપ્રિલે લખનૌ સુપર જાયન્ટ્સ સામે ઘરઆંગણે રમશે. ત્યારબાદ 14 એપ્રિલે ચેન્નાઈ સુપર કિંગ્સ, 17 એપ્રિલે ગુજરાત ટાઇટન્સ અને 19 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ સામે મુકાબલો થશે.

જો ટીમ પ્લેઓફની રેસમાં ટકી રહેવા માંગતી હોય, તો કેમરૂન ગ્રીન જેવા મોટા ખેલાડીએ ફોર્મમાં આવવું પડશે અને ટીમને જીત અપાવવી પડશે. એવામાં સવાલ એ છે કે, શું કેમરૂન ગ્રીન આગામી મેચોમાં પોતાની 25 કરોડની કિંમત સાર્થક કરી શકશે?
IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. અહી ક્લિક કરો
