હવે ‘અમેરિકા’ રહેવા લાયક નથી રહ્યું… ધીરે ધીરે ભારતીયો ‘મોહ’ છોડી રહ્યા છે, લોકો વતન પાછા ફરવા આતુર
એક સમય હતો કે, ભારતીયોમાં અમેરિકાને લઈને ગજબનો ક્રેઝ જોવા મળતો હતો પરંતુ બદલાતા સંજોગોને કારણે હવે લોકો અમેરિકા જવાનું ટાળી રહ્યા છે.

એક સમયે 'અમેરિકન ડ્રીમ' માટે જાણીતું અમેરિકા હવે ઘણા ભારતીયો માટે ચિંતાનું કારણ બની રહ્યું છે. તાજેતરના એક સર્વેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, ત્યાં રહેતા લગભગ 40 ટકા ભારતીય-અમેરિકનો દેશ છોડવાનું વિચારી રહ્યા છે. બદલાતું રાજકીય વાતાવરણ, મોંઘવારી અને કડક ઇમિગ્રેશન નિયમોએ પ્રવાસીઓમાં અસંતોષ વધાર્યો છે.

આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આશરે 10 હજાર લોકો સાથે વાતચીત કરવામાં આવી હતી. આમાં જાણવા મળ્યું છે કે, 14 ટકા લોકો વારંવાર અમેરિકા છોડવાનું વિચારે છે, જ્યારે 26 ટકા લોકો ક્યારેક ક્યારેક આવું વિચારે છે. અમેરિકામાં હાલમાં 52 લાખથી વધુ ભારતીય મૂળના લોકો રહે છે, તેવામાં આ આંકડો ઘણો મહત્વનો માનવામાં આવે છે.

સર્વે મુજબ, 58 ટકા લોકોએ રાજકીય વાતાવરણને અસંતોષનું સૌથી મોટું કારણ ગણાવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં લાગુ કરાયેલી કડક નીતિઓ, ખાસ કરીને વિઝા અને ઇમિગ્રેશનના નિયમો લોકોને અસહજ કરી રહ્યા છે. 'અમેરિકા ફોર અમેરિકન્સ' જેવા નારાઓએ પણ પ્રવાસીઓમાં અસુરક્ષાની ભાવના વધારી છે.

અમેરિકામાં રહેવું દિવસેને દિવસે મોંઘું થઈ રહ્યું છે. ન્યૂયોર્ક અને સેન ફ્રાન્સિસ્કો જેવા શહેરોમાં ભાડું 3000 થી 5000 ડોલર સુધી પહોંચી ગયું છે. એક બાળકના ઉછેર પાછળ લાખો ડોલરનો ખર્ચ થઈ રહ્યો છે. લગભગ 54 ટકા લોકોએ મોંઘવારી અને જીવન-નિર્વાહના વધતા ખર્ચને પોતાની મોટી ચિંતા ગણાવી છે.

આશરે 41 ટકા લોકોએ વ્યક્તિગત સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. વધતા ભેદભાવ અને સામાજિક તણાવને કારણે ઘણા પ્રવાસીઓ પોતાને અસુરક્ષિત અનુભવી રહ્યા છે. આ જ કારણ છે કે, તેઓ બીજા વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે.

અમેરિકાની ઇમિગ્રેશન પ્રક્રિયા પણ મોટી સમસ્યા બની ગઈ છે. ગ્રીન કાર્ડમાં વિલંબ, વિઝા બેકલોગ અને નિયમોની અનિશ્ચિતતાએ લોકોની આશા તોડી છે. ઘણા સ્કિલ્ડ પ્રોફેશનલ્સ (Skilled Professionals) વર્ષોથી કાયમી નાગરિકતાની રાહ જોઈ રહ્યા છે પરંતુ તેમને હજુ સુધી કોઈ સ્પષ્ટતા મળી રહી નથી.
Breaking News: ટ્રમ્પનો 9 કરોડ ડોલરનો ગોલ્ડ કાર્ડ વિઝા ફ્લોપ? 4 મહિનામાં ફક્ત એક જ વ્યક્તિને મળી મંજૂરી
