શાકમાં મરચું વધારે પડી જાય તો તેની તીખાશ કેવી રીતે દૂર કરશો ? જાણો અહીં સરળ ટીપ્સ
શાકમાં મરચું વધારે પડી જાય તો ટેન્શન લેવાની જરૂર નથી. અમે તમને કેટલીક એવી પદ્ધતિઓ જણાવવા જઈ રહ્યા છીએ જેને અપનાવીને તમે શાકની તીખાશ ઘટાડી શકો છો.

રસોઈ બનાવતી વખતે ગમે તેટલી કાળજી લેવામાં આવે પણ કેટલીકવાર કેટલીક નાની નાની ભૂલો થઈ જ જાય છે જેના કારણે મન કરીને બનાવેલી રસોઈ બગડી જાય છે. તેમાં પણ જો ખાવામાં મીઠું કે મરચુ વધારે પડી ગયુ હોય તો ખાવાની મજા જ બગડી જાય. તેમાં પણ જો ખાવામાં મરચું વધારે હોય તો ઘણા લોકો તેને ખાવાનું પસંદ કરતા નથી અને અંતે ફેંકી દેવાનો વારો આવી જાય છે.

આવી સ્થિતિમાં, જો તમારા ખાવામાં મરચુ વધારે પડી ગયુ હોય તો તેની તીખાસને ઓછી કરવા શું કરી શકો છો તે જણાવીશું જેનાથી ખૂબ સ્પાઈસી બની ગયેલા ખોરાકને ખાવા યોગ્ય બનાવી શકો છો.આ અસરકારક ટિપ્સ છે જે તીખુ અને મસાલેદાર શાક પરફેક્ટ બનાવી દેશે.

ટમેટાની પેસ્ટ: જો શાક મરચુ વધારે થઈ જાય અને ખાવામાં ખુબ મસાલેદાર લાગ તો તો તમે તેમાં ટામેટાની પેસ્ટ ઉમેરી શકો છો. આ માટે તમારે ટામેટાની છાલ કાઢી તેની પેસ્ટ બનાવીને એક અલગ પેનમાં થોડું તેલ નાખી શેકીને શાકમાં મિક્સ કરવાનું છે.

દેશી ઘી અથવા માખણ : જો તમે જમવા બેસી ગયા છો અને પીરસેલી થાળીમાં પહેલો કોળ્યો ખાતા જ તમારુ મોં તમતમી ઉઠ્યું છે અને ગુસ્સો આવી રહ્યો છે તો ગુસ્સો કરવાને બદલે તમે શાક દાળ જે પણ તીખી હોય તેમાં મરચુ અને વધારે મસાલાને સંતુલિત કરવા માટે થોડું દેશી ઘી અથવા માખણ ઉમેરી શકો છો. આનાથી જેતે ખોરાકની તીખાશ ઓછી થઈ જશે

મેંદાના લોટનો ઉપયોગ : જો ખોરાકમાં મરચાંની માત્રા વધુ હોય તો તેને સુધારવા માટે તમે મેંદાના લોટનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે સૌપ્રથમ લોટને હળવો શેકી લો. ત્યાર બાદ તેને શાકભાજી સાથે મિક્સ કરો. આમ કરવાથી વેજીટેબલ ગ્રેવી ઘટ્ટ થશે અને તેની તીખાસ પણ ઓછી થશે.

મધ અથવા ખાંડનો ઉપયોગ : દાળ-શાક તીખાસને ઓછી કરવા માટે તમે મધ અને ખાંડનો ઉપયોગ કરી શકો છો. આ માટે, શાકભાજીમાં થોડી ખાંડ અથવા મધ ઉમેરો. પરંતુ ધ્યાનમાં રાખો કે મધ અથવા ખાંડનો ઉપયોગ ઓછી માત્રામાં જ કરવો જોઈએ.

ક્રીમ વાપરો : વધુ પડતા મસાલેદાર શાકભાજીને ખાદ્ય બનાવવા માટે પણ ક્રીમનો ઉપયોગ ખૂબ જ અસરકારક છે. આનાથી માત્ર તીખાસ ઓછી નથી થતી પણ શાક ઘટ્ટ પણ બને છે. આ માટે તમારે થોડી ક્રીમ લેવી પડશે, તેને શાકભાજી સાથે મિક્સ કરી ધીમા ગેસ પર પકાવી લેવું.

લીંબુનો રસ : જો શાકભાજીમાં વધુ મરચું હોય તો તમે લીંબુના રસનો ઉપયોગ કરી શકો છો. આને શાકભાજીમાં ઉમેરવાથી સ્વાદમાં વધારો થશે અને તીખાસ પણ ઓછી થઈ જશે.
