રાજીનામાંની આખરી રાત.. કોઈને જાણ કર્યા વિના જ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા જગદીપ ધનખડ, જાણો એ રાત્રે શું થયું ?
ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સોમવાર રાત્રે અચાનક પોતાનું રાજીનામું આપી દીધું છે, જેને મંગળવારે સત્તાવાર રીતે સ્વીકારવામાં આવ્યું. ધનખડે પોતાના સ્વાસ્થ્યને કારણે તરીકે રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે, પરંતુ રાજીનામાની રીત અને સમયને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે.

સોમવાર રાત્રે 9 વાગ્યે, કોઈપણ પૂર્વ સૂચના વિના જગદીપ ધનખડ રાષ્ટ્રપતિ ભવન પહોંચી ગયા હતા. આથી રાષ્ટ્રપતિ ભવનના અધિકારીઓ અચંબિત થઈ ગયા હતા. તરતજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું. થોડી જ ક્ષણોમાં ધનખડે તેમનું રાજીનામું રાષ્ટ્રપતિને સોપી દીધું હતું. રાત્રે 9:25 વાગ્યે આ માહિતી જાહેર કરવામાં આવી હતી.

માહિતી મુજબ, સોમવારના દિવસે ધનખડ સામાન્ય રીતે પોતાના શેડ્યૂલ અનુસાર મુલાકાતો અને બેઠકોમાં હાજર રહ્યા હતા. તે દરમિયાન તેમના રાજીનામાની કોઈ સૂચના નહોતી. તેથી રાત્રે ઉચિત સમય વિના તેમનું રાષ્ટ્રપતિ ભવન જવું અને રાજીનામું આપવું ઘણા સવાલો ઊભા કરે છે.

કેટલાક રાજકીય નિષ્ણાતો માને છે કે કોઈ આંતરિક મતભેદ કે દબાણ પાછળ આ પગલું લીધું હોઈ શકે છે, જોકે ધનખડ તરફથી આ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

ધનખડના રાજીનામા બાદ ચૂંટણી પંચ હવે નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી માટે પ્રક્રિયા શરૂ કરવા જઈ રહ્યો છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજીનામાની સત્તાવાર જાણકારી આપ્યા બાદ ચૂંટણીઓ અંગેની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ વિદેશ પ્રવાસે છે અને બ્રિટન તથા માલદીવની મુલાકાતે ગયા છે. એવું મનાય છે કે વડાપ્રધાનની વાપસી પછી જ નવા ઉપરાષ્ટ્રપતિ માટે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે. શાસક પક્ષમાં ઉમેદવારના નામોને લઈને આંતરિક ચર્ચા શરૂ થઈ ગઈ છે.
નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી કેવી રીતે થશે, તેમની પાસે કેટલી સત્તા છે? જાણો હવે કોણ જવાબદારી સંભાળશે.. જાણવા માટે અહીં ક્લિક કરો..
