Stock Market : મુકેશ અંબાણી રેકોર્ડ તોડશે ! અત્યાર સુધીનો સૌથી મોટી IPO લાવશે, જાણો ક્યારે માર્કેટમાં લોન્ચ થશે
મુકેશ અંબાણી તેના ટેલિકોમ બિઝનેસને શેરબજારમાં લિસ્ટ કરવાની તૈયારીમાં છે. એવામાં તે ટેલિકોમ બિઝનેસને લઈને IPO લાવશે તેવા સમાચાર બહાર આવ્યા છે. તો ચાલો જાણીએ કે, આ IPO ક્યારે આવશે અને તેની રકમ કેટલી હશે...

દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) અત્યાર સુધીનો સૌથી મોટો IPO લાવવાની યોજના બનાવી રહી છે. RIL તેના ટેલિકોમ બિઝનેસ Jio Infocomm ને શેરબજારમાં લિસ્ટ કરવાની તૈયારી કરી રહી છે.

મીડિયા રિપોર્ટસ અનુસાર, આ IPO રૂ. 52,200 કરોડ (લગભગ $6 બિલિયન) નો હોઈ શકે છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, રિલાયન્સે Jio માં માત્ર 5% હિસ્સો વેચવાની મંજૂરી મેળવવા માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) સાથે વાતચીત શરૂ કરી છે. જો આ મંજૂરી મળી જાય, તો આ IPO હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાના રૂ. 28,000 કરોડના IPOનો રેકોર્ડ તોડી નાખશે.

સેબીના વર્તમાન નિયમો હેઠળ, કંપનીઓએ જાહેર ફ્લોટ માટે ઓછામાં ઓછો 25% હિસ્સો વેચવો પડે છે. એવામાં રિલાયન્સે સેબીને કહ્યું છે કે, ભારતીય બજાર આટલી મોટી ઓફર સહન કરવાની ક્ષમતા ધરાવતું નથી. આથી કંપની 5% હિસ્સો વેચવા માટે છૂટ માંગી રહી છે.

બ્લૂમબર્ગના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ IPO આવતા વર્ષના શરૂઆતના મહિનામાં લોન્ચ થઈ શકે છે. જો કે, આ IPO ની સાઇઝ અને ક્યારે આવશે તેનો સમય બજારની પરિસ્થિતિ પર આધારિત રહેશે. જો આ યોજના સફળ થાય છે, તો તે દેશનો સૌથી મોટો IPO બની શકે છે.

તમને જણાવી દઈએ કે, Jioનો IPO 'મેટા પ્લેટફોર્મ્સ અને આલ્ફાબેટ ઇન્ક' (ગુગલ) જેવા મોટા વિદેશી રોકાણકારોને તેમનો હિસ્સો વેચવાની તક આપશે. વર્ષ 2020 માં, આ બંને કંપનીઓએ Jio પ્લેટફોર્મ્સમાં $20 બિલિયનથી વધુનું રોકાણ કર્યું હતું.

આ સમય દરમિયાન Jio ની વેલ્યુએશન $58 બિલિયન હતી. આ ઉપરાંત KKR, જનરલ એટલાન્ટિક અને અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી જેવા રોકાણકારોએ પણ Jioમાં ભારે રોકાણ કર્યું છે.

બજાર નિષ્ણાતો કહે છે કે, Jio ની વેલ્યુએશન $100 બિલિયનથી વધુ થઈ શકે છે. જો કે, રિલાયન્સ IPO પહેલા તેની આવક અને સબ્સ્ક્રાઇબર્સ વધુ વધારવા માંગે છે, જેથી તેનું વેલ્યુએશન વધુ વધારી શકાય.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
