‘બિલ્ડર્સ નેવી’ બન્યું ભારત, ભારતીય નૌસેનામાં સામેલ થયું INS માહે, જાણો તેની વિશેષતા
ભારતીય નૌકાદળમાં INS માહેનું ભવ્ય સમારોહમાં સામેલ થવું એ સ્વદેશી શક્તિનું પ્રતીક છે. આ એન્ટિ-સબમરીન યુદ્ધ જહાજ કોચીન શિપયાર્ડ દ્વારા નિર્મિત છે અને દરિયાકાંઠાની સુરક્ષા, જાસૂસી અને પેટ્રોલિંગને મજબૂત કરશે.

ભારતીય નૌકાદળનું નવું યુદ્ધ જહાજ INS માહે સોમવારે મુંબઈમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં કાફલામાં સામેલ થયું. આ અવસરે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું કે ભારત હવે પોતાના બળ પર જટિલ અને આધુનિક યુદ્ધ જહાજો ડિઝાઇન અને બનાવવાની ક્ષમતા ધરાવે છે. તેમણે કહ્યુ કે આ દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ છે.

જનરલ દ્વિવેદીએ કહ્યું કે INS માહે ભારતીય નૌકાદળની વધતી તાકાત અને દેશની તેજીથી વિકસતી સ્વદેશી રક્ષણ ક્ષમતાનું પ્રતીક છે. આ જહાજ કોચીન શિપયાર્ડ દ્વારા બનેલા આઠ એન્ટિ-સબમરીન યુદ્ધ છીછરા જળયાનોમાંથી સૌપ્રથમ છે.

તેમણે વધુમાં જણાવ્યું કે આજે નૌકાદળના 75% થી વધુ જહાજો અને હથિયાર સિસ્ટમો સ્વદેશી છે, જે આત્મનિર્ભર ભારતની દિશામાં એક મોટું પગલું છે. INS માહેને સમયમર્યાદામાં અને ઉત્તમ ગુણવત્તા સાથે પૂર્ણ કરવા બદલ તેમણે કોચીન શિપયાર્ડની પ્રશંસા પણ કરી.

આર્મી ચીફે INS માહેના કમાન્ડિંગ ઓફિસર અને ક્રૂને સંબોધતાં કહ્યું કે હવે આ જહાજની શક્તિ, પ્રતિષ્ઠા અને શિસ્ત તેમની જવાબદારી છે. તેમણે ઉમેર્યું કે રાષ્ટ્રની સુરક્ષા માટે સેના, નૌકાદળ અને વાયુસેનાની સંયુક્ત ક્ષમતા ખૂબ જરૂરી છે, અને આધુનિક યુદ્ધ બહુસ્તરીય બનેલું છે. તેમણે તાજેતરના ઓપરેશન સિંધુરનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આવા ઓપરેશનો વિશ્વ સમક્ષ ભારતની ઑપરેશનલ ક્ષમતા અને સંકલિત શક્તિ રજૂ કરે છે.

INS માહે નૌકાદળની કૉસ્ટલ સિક્યુરિટી, એન્ટિ-સબમરીન ઓપરેશન્સ અને મિશન-ક્રિટીકલ પ્રતિભાવ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે. તેની તૈનાતી બાદ ભારતીય પાણીમાં દેખરેખ, પેટ્રોલિંગ, ઝડપી પ્રતિભાવ અને સુરક્ષા મિશન વધુ અસરકારક બનશે.

કમિશનિંગ સમારોહમાં આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, વેસ્ટર્ન નેવલ કમાન્ડના વરિષ્ઠ અધિકારીઓ, કોચીન શિપયાર્ડના પ્રતિનિધિઓ અને INS માહેનો સંપૂર્ણ ક્રૂ હાજર રહ્યો. સમારોહના અંતે આર્મી ચીફે INS માહેના ક્રૂને સલામત સફર અને સફળ મિશનની શુભેચ્છાઓ પાઠવી.
દુબઈમાં ક્રેશ થયેલું ભારતનું તેજસ ફાઇટર જેટ કેટલું મોંઘું હતું ? શું વીમો લીધો હતો.. જાણો
