દિવાળી પહેલા જ સોના-ચાંદીમાં ખેલ ! રેકોર્ડ તોડીને ધડામથી નીચે પટકાયા ભાવ, હવે આગળ શું થશે?
દિવાળી પહેલા સોનું અને ચાંદી ખરીદવાની તૈયારી કરી રહેલા લોકો માટે કિંમતોમાં આવેલો ઘટાડો ચર્ચાનો વિષય બની ગયો છે. બંને કિંમતી ધાતુઓના ભાવ રેકોર્ડ ઊંચાઈથી ઘણે નીચે આવી ગયા છે. એવામાં સવાલ એ છે કે, શું આ ખરીદીની સાચી તક છે કે કિંમતો હજુ પણ ઘટી શકે છે? આખરે ઘટાડાનું કારણ શું છે, બજારમાં આગળ શું થઈ શકે છે અને ખરીદી કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

30 ઓક્ટોબરે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ડિસેમ્બર ગોલ્ડ ફ્યુચર્સ 804 રૂપિયા એટલે કે 0.56% ઘટીને 1,41,792 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો. ડિસેમ્બર સિલ્વર ફ્યુચર્સ 2,708 રૂપિયા એટલે કે 1.43% ઘટીને 1,86,745 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગયો.

આ પહેલા સોનું 1,80,779 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 4,20,048 રૂપિયા પ્રતિ કિલોના રેકોર્ડ સ્તરે પહોંચી હતી. આ સ્તરોથી સોનું લગભગ 22% અને ચાંદી 55% કરતા વધુ ઘટી ચૂકી છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનું 4,002 ડોલર પ્રતિ ઓંસ અને ચાંદી 51.32 ડોલર પ્રતિ ઓંસ પર હતી. બંનેના રેકોર્ડ હાઈ અનુક્રમે 5,586.20 ડોલર અને 121.79 ડોલર રહ્યા છે.

Giottus.com ના CEO વિક્રમ સુબ્બુરાજ મુજબ, અમેરિકામાં મોંઘવારીને લઈને ચિંતા વધવાથી સોનું અને ચાંદી દબાણ હેઠળ છે. અમેરિકામાં કોર PCE મોંઘવારી મહિનાના આધારે 0.3% વધી અને વાર્ષિક દર 3% થી વધીને 3.1% પહોંચી ગઈ. સપ્ટેમ્બરમાં હેડલાઈન PCE મોંઘવારી 0.5% વધી, જ્યારે ત્રીજા ત્રિમાસિક ગાળામાં GDP ગ્રોથ 3.4% રહ્યો.

આનાથી આશા વધી છે કે, અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં જલ્દી ઘટાડો નહીં કરે. અમેરિકાની 10 વર્ષની બોન્ડ યીલ્ડ પણ 5% ની નજીક છે. ઊંચા વ્યાજ દરોને કારણે રોકાણકારોની નજર સોના-ચાંદીથી હટી શકે છે. કેડિયા એડવાઇઝરીના અજય કેડિયાએ પણ ઘટાડા માટે નવા વેચાણ દબાણને જવાબદાર ગણાવ્યું.

Enrich Money ના CEO પોનમુડી આર મુજબ, સોનાનો પહેલો સપોર્ટ 1,40,000 થી 1,41,000 રૂપિયા અને આગામી સપોર્ટ 1,37,500 થી 1,38,300 રૂપિયા છે. રેઝિસ્ટન્સ 1,43,000 થી 1,43,700 રૂપિયા પર છે.

ચાંદીનો પહેલો સપોર્ટ 1,83,000 થી 1,85,000 રૂપિયા અને આગામી સપોર્ટ 1,76,000 થી 1,78,000 રૂપિયા છે. તેનું રેઝિસ્ટન્સ 1,92,000 થી 1,94,000 રૂપિયા પર છે. હાલમાં ચાંદીમાં વેચવાલીનું દબાણ સોના કરતા વધારે બનેલું છે. એક્સપર્ટ્સના મતે, કિંમતોમાં ઘટાડાનો મતલબ એ નથી કે; સોનું અને ચાંદી સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા છે. એવામાં જે લોકોને દિવાળી કે લગ્ન માટે જ્વેલરી ખરીદવાની છે, તેઓ એક સાથે પૂરી ખરીદી કરવાના બદલે અલગ-અલગ સમયે ખરીદી કરી શકે છે.

રોકાણ માટે ખરીદી કરનારાઓએ મેકિંગ ચાર્જ, GST અને ફરીથી વેચવા પર થતી કપાતનું ધ્યાન રાખવું જોઈએ. મોટી ખરીદી પહેલા સ્થાનિક જ્વેલરી રેટ જરૂર ચેક કરો.
‘સોનું’ નથી સુરક્ષિત ! આ 7 મોટા કડાકાથી હલી ગયું હતું ‘આખું બજાર’, રોકાણકારોના ‘કરોડો’ ધોવાયા હતા
