સોનાનો ભાવ કોણ નક્કી કરે છે? દુકાન સુધી પહોંચતા પહેલાં સોનાની કિંમતમાં શું-શું ઉમેરાય છે?
ભારતમાં સોનાની કિંમત માત્ર આંતરરાષ્ટ્રીય બજારમાં ચાલતા ભાવ પર આધારિત નથી. સોનું ગ્રાહક સુધી પહોંચે ત્યાં સુધી તેમાં અનેક પ્રકારના ખર્ચ ઉમેરાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત, ડોલર સામે રૂપિયાની સ્થિતિ, આયાત જકાત, GST અને અન્ય ખર્ચ મળીને ભારતમાં સોનાનો ભાવ નક્કી કરે છે. ચાલો, આ સમગ્ર પ્રક્રિયાને સરળ ભાષામાં સમજીએ.

વિશ્વના મોટા ભાગના દેશોમાં સોનાની ખરીદી અને વેચાણ અમેરિકન ડોલરમાં થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ માટે લંડન બુલિયન માર્કેટ એસોસિએશન (LBMA) એક મહત્વપૂર્ણ માપદંડ છે. અહીં સોનાનો બેન્ચમાર્ક ભાવ દિવસમાં બે વખત નક્કી કરવામાં આવે છે. આ ઉપરાંત, અમેરિકાના COMEX એક્સચેન્જમાં સોનાના વાયદાના સોદા થાય છે. આ સોદાઓની માંગ અને બજારની સ્થિતિ પણ સોનાના આંતરરાષ્ટ્રીય ભાવમાં ફેરફાર લાવી શકે છે. ભારતમાં સોનાની કિંમત નક્કી કરતી વખતે આ વૈશ્વિક ભાવને મહત્વ આપવામાં આવે છે.

ભારત પોતાની સોનાની જરૂરિયાતનો મોટો હિસ્સો અન્ય દેશોમાંથી આયાત કરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ડોલરમાં ખરીદવામાં આવતું હોવાથી ડોલર અને રૂપિયાના વિનિમય દરની સીધી અસર ભારતીય બજાર પર પડે છે. ઉદાહરણ તરીકે, જો ડોલરની સરખામણીમાં રૂપિયો નબળો પડે, તો વિદેશમાંથી સોનું ખરીદવા માટે ભારતીય આયાતકારોને વધુ રૂપિયા ખર્ચવા પડે છે. પરિણામે ભારતમાં સોનાની કિંમત વધી શકે છે. બીજી તરફ, રૂપિયો મજબૂત બને તો આયાત ખર્ચમાં ઘટાડો થવાની શક્યતા રહે છે.

ભારતમાં મોટા પ્રમાણમાં સોનું વિદેશથી આવતું હોવાથી સરકાર તેની આયાત પર કસ્ટમ ડ્યુટી વસૂલે છે. આ ઉપરાંત, લાગુ પડતા અન્ય કર પણ સોનાની કિંમતમાં ઉમેરાય છે.સોનાના વેચાણ સમયે GST પણ લાગુ પડે છે. સરકાર જ્યારે આયાત જકાત અથવા ટેક્સના દરમાં ફેરફાર કરે છે, ત્યારે તેની અસર સ્થાનિક બજારમાં સોનાના ભાવ પર જોવા મળી શકે છે.

વિદેશમાંથી આયાત કરવામાં આવેલું સોનું ભારતમાં પહોંચ્યા પછી વિવિધ શહેરો અને બજારો સુધી મોકલવામાં આવે છે. આ દરમિયાન સોનાને સુરક્ષિત રાખવા માટે ખાસ વ્યવસ્થા કરવી પડે છે. સોનાને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવા માટે પરિવહન, વીમો, સુરક્ષા અને હેન્ડલિંગ જેવા ખર્ચ થાય છે. આ તમામ ખર્ચ પણ અંતે સોનાની કિંમતને અસર કરે છે.

ભારતમાં સોનાનો ભાવ નક્કી કરવા માટે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. IBJA દરરોજ સોનાની અલગ-અલગ શુદ્ધતા પ્રમાણે બેન્ચમાર્ક ભાવ જાહેર કરે છે. દેશના અનેક ઝવેરીઓ, વેપારીઓ અને બુલિયન માર્કેટ સાથે જોડાયેલા લોકો આ દરોને સોનાની ખરીદી અને વેચાણ માટે આધાર તરીકે ઉપયોગ કરે છે. જોકે, IBJA દ્વારા જાહેર કરવામાં આવેલો ભાવ દરેક દુકાનમાં ગ્રાહકને મળતો અંતિમ ભાવ હોય એવું જરૂરી નથી.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) ભારતમાં સોનાના વાયદાના વેપાર માટેનું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. અહીં સોનાની ભવિષ્યની ખરીદી અને વેચાણના સોદા થાય છે.MCX પર સોનાના ભાવમાં થતી વધઘટ બજારમાં રોકાણકારોની માંગ, પુરવઠા અને ભવિષ્યની અપેક્ષાઓ દર્શાવે છે. આ ભાવ સ્થાનિક બજારને પણ દિશા આપે છે. પરંતુ MCX પર દર્શાવવામાં આવતી સોનાની કિંમત અને જ્વેલરીની દુકાનમાં ગ્રાહક પાસેથી લેવામાં આવતી કિંમત અલગ હોઈ શકે છે.

ભારતનાં અલગ-અલગ શહેરોમાં સોનાના ભાવમાં થોડો તફાવત જોવા મળી શકે છે. તેનું કારણ સ્થાનિક બજારની સ્થિતિ છે. કોઈ શહેરમાં સોનાની ખરીદી વધુ હોય અને ઉપલબ્ધતા ઓછી હોય, તો ભાવ પર તેની અસર પડી શકે છે. આ ઉપરાંત, સ્થાનિક વેપારીઓનો ખર્ચ, પરિવહન ખર્ચ અને ઝવેરીઓની પોતાની કિંમત નક્કી કરવાની નીતિ પણ સોનાના ભાવમાં ફેરફાર લાવી શકે છે.

સોનાના દાગીના ખરીદતી વખતે માત્ર સોનાની કિંમત ચૂકવવાની હોતી નથી. દાગીનાની બનાવટ માટે અલગથી મેકિંગ ચાર્જ પણ લેવામાં આવે છે. મેકિંગ ચાર્જ એટલે સોનામાંથી સુંદર દાગીના તૈયાર કરવા માટે કારીગર દ્વારા કરવામાં આવતી મહેનત અને કારીગરીનો ખર્ચ. દાગીનાની ડિઝાઇન, બનાવટની રીત, નકશીકામ અને બ્રાન્ડ પ્રમાણે આ ચાર્જ અલગ-અલગ હોઈ શકે છે. કેટલાક ઝવેરીઓ દાગીના બનાવતી વખતે સોનાના બગાડના નામે વધારાનો ચાર્જ પણ વસૂલે છે. આ ઉપરાંત, લાગુ પડતો GST પણ ગ્રાહકના અંતિમ બિલમાં ઉમેરાય છે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.)
જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.
