રાજકોટ મનપાની બેદરકારીએ લીધો મહિલાનો જીવ, ઘંટેશ્વરમાં સ્ટ્રીટ લાઇટના અભાવે અકસ્માતમાં મહિલાનું મોત, લાજવાને બદલે ગાજ્યું તંત્ર
રાજકોટના ઘંટેશ્વર વિસ્તારમાં ગટરની કુંડી સાથે સર્જાયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત મહિલાના મોત બાદ રાજકારણ અને તંત્ર વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ શરૂ થયા છે. મનપાના ડેપ્યુટી કમિશનરે બચાવ રજૂ કર્યો છે, જ્યારે પરિવારજનોએ તંત્રની બેદરકારીનો આક્ષેપ કરીને ન્યાયની માગ કરી છે.

રાજકોટના ઘંટેશ્વર વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના અભાવે અને ગટરની કુંડી સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત મહિલાના મોતનો મુદ્દો હવે ગરમાયો છે. ગત 6 સપ્ટેમ્બરના રોજ રસ્તા પર 4 ફૂટ ઊંચી કુંડી સાથે 2-વ્હીલર અથડાતા પરિણીતાને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમનું સારવાર બાદ આજ રોજ એટલે કે 23 નવેમ્બરના દિવસે મોત નિપજ્યું છે. આ સમગ્ર ઘટનાને કોંગ્રેસના નેતાઓએ સખત શબ્દોમાં વખોડી કાઢી છે, જ્યારે બીજી તરફ તંત્ર દ્વારા પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ મામલે રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સી. કે. નંદાણીએ TV9 સાથેની વાતચીતમાં મનપાની કોઈ બેદરકારી ન હોવાનો બચાવ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, ગટરની કુંડી રોડની સાઇડમાં આવેલી છે. સાથે જ તેમણે સ્વીકાર્યું હતું કે, જો રસ્તાની વચ્ચે આ પ્રકારની કુંડી હોય તો તે બેદરકારી ગણાય. મહિલાનો જીવ ગયો હોવાથી આ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરાવવાની ખાતરી પણ તેમણે આપી હતી.
Rajkot Accident Claims Life of Mitali Kesariya, Family Raises Concerns Over Civic Negligence | Gujarat | TV9Gujarati #Rajkot #RajkotNews #RoadAccident #StreetlightIssue #Gujarat #TV9Gujarati https://t.co/YS7fUGtHLO
— Tv9 Gujarati (@tv9gujarati) November 23, 2026
આ ઉપરાંત સ્ટ્રીટ લાઇટના અભાવ અંગે મનપાનો બચાવ કરતા ડેપ્યુટી કમિશનરે એવું નિવેદન આપ્યું હતું કે, વિસ્તારમાં રહેવાસીઓની સંખ્યા વધશે ત્યારબાદ ત્યાં સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવશે.
બીજી તરફ, મૃતક મહિલાના પરિવારજનોએ તંત્રની ઘોર બેદરકારીના કારણે જ આ અકસ્માત સર્જાયો હોવાનો આક્ષેપ કર્યો છે. પરિવારજનોનો દાવો છે કે, અકસ્માત બાદ હાલ તંત્ર દ્વારા પોતાની ભૂલ છુપાવવા માટે રસ્તા પર રહેલી આ કુંડીને ઢાંકવાનું કે છુપાવવાનું કામ કરવામાં આવ્યું છે. શોકમગ્ન પરિવારે સમગ્ર મામલે નિષ્પક્ષ અને યોગ્ય તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવા તેમજ તેમને ન્યાય અપાવવાની ઉગ્ર માગ કરી છે.