ICCએ વધુ એક પાકિસ્તાની ખેલાડીને ફટકાર્યો દંડ, અમ્પાયર સામે ગુસ્સો બતાવવો ભારે પડ્યો
મહિલા T20 એશિયા કપ 2026માં પાકિસ્તાની ટીમનું ખરાબ પ્રદર્શન ચાલુ છે, ત્યારે હવે ખેલાડીઓની હરકતો પણ ટીમ માટે મુશ્કેલી બની રહી છે. બેટથી સતત નિષ્ફળ રહેલી એક પાકિસ્તાની ખેલાડીએ અમ્પાયરના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી, જે તેને ભારે પડી. ICCએ હવે તેના પર દંડ ફટકારીને વધુ એક સજા આપી છે.

પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ માટે મહિલા T20 એશિયા કપ 2026 મુશ્કેલીઓથી ભરેલો રહ્યો છે. ખરાબ પ્રદર્શન વચ્ચે હવે ટીમના ખેલાડીઓ ICCના નિયમોનું ઉલ્લંઘન કરીને પણ ચર્ચામાં આવી રહ્યા છે. અનુભવી બેટ્સમેન ગુલ ફિરોઝાને ICCએ સજા ફટકારી છે.

પાકિસ્તાને હોંગકોંગ સામે 72 રનથી જીત મેળવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. જોકે, આ મેચમાં ગુલ ફિરોઝાનું બેટ ફરી નિષ્ફળ રહ્યું અને તે માત્ર 3 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.

LBW આઉટ આપ્યા બાદ ગુલ ફિરોઝા અમ્પાયરના નિર્ણયથી નારાજ થઈ હતી. તેણે પોતાના બેટ તરફ ઈશારો કરીને નિર્ણય સામે અસંમતિ વ્યક્ત કરી હતી, પરંતુ તેની આ હરકત ICCના નિયમો વિરુદ્ધ માનવામાં આવી.

ICCએ ગુલ ફિરોઝાને આચારસંહિતાની કલમ 2.8 હેઠળ દોષિત ઠેરવી હતી. અમ્પાયરના નિર્ણય સામે અસંમતિ દર્શાવવાને નિયમોનું ઉલ્લંઘન ગણાવીને તેની મેચ ફીના 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ગુલ ફિરોઝાના ખાતામાં એક ડિમેરિટ પોઈન્ટ પણ ઉમેરાયો છે. મહિલા એશિયા કપમાં સજા મેળવનારી તે સતત બીજી પાકિસ્તાની ખેલાડી બની છે. અગાઉ ભારત સામેની મેચમાં કેપ્ટન ફાતિમા સનાને પણ ICCએ દંડ ફટકાર્યો હતો. (PC:PTI/X)
Tilak Varma: તિલક વર્માને આઉટ કરવું મુશ્કેલ, દુલીપ ટ્રોફીમાં નોંધાવી ખાસ ‘હેટ્રિક’
