Breaking News : અર્શદીપ સિંહે રચ્યો ઈતિહાસ, બાબરને હરાવી T20નો સૌથી મોટો એવોર્ડ જીત્યો
ટીમ ઈન્ડિયાના યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે પાકિસ્તાનના બાબર આઝમને હરાવી ICC મેન્સ T20I ક્રિકેટર ઓફ ધ યર 2024નો એવોર્ડ જીત્યો હતો. ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ અને ઝિમ્બાબ્વેના સિકંદર રઝા પણ આ એવોર્ડની રેસમાં હતા. જો કે આ બધાને પાછળ છોડી ભારતનો અર્શદીપ T20 ક્રિકેટર ઓફ ધ યર બન્યો છે.

ICC એ મેન્સ T20I ક્રિકેટર ઓફ ધ યર 2024 ના નામની જાહેરાત કરી છે. આ એવોર્ડ માટે 4 ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા હતી. જેમાં ભારતના અર્શદીપ સિંહ, પાકિસ્તાનના બાબર આઝમ, ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ અને ઝિમ્બાબ્વેના સિકંદર રઝા સામેલ હતા. અર્શદીપ સિંહે આ તમામ સ્ટાર ખેલાડીઓને હરાવીને આ મોટો એવોર્ડ જીત્યો છે.

અર્શદીપ સિંહે ભૂતકાળમાં T20 ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ભારતને T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે તેને આ યાદગાર પ્રદર્શનનો પુરસ્કાર ICC એવોર્ડ સાથે મળ્યો છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ T20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો સૌથી મહત્વપૂર્ણ બોલર બની ગયો છે. વર્ષ 2024માં પણ તેની તરફથી ખૂબ જ સારી રમત જોવા મળી હતી. તેણે ગયા વર્ષે ટીમ ઈન્ડિયા માટે 18 T20 મેચ રમી હતી અને કુલ 36 વિકેટ લીધી હતી. તે વર્ષ 2024માં T20Iમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. અર્શદીપ સિંહને વર્ષ 2024ની T20 ટીમ ઓફ ધ યરમાં પણ સ્થાન મળ્યું છે.

બીજી તરફ અર્શદીપ સિંહે પણ ભારતને 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે T20 વર્લ્ડ કપ 2024માં સૌથી વધુ વિકેટ ઝડપનાર ભારતીય બોલર હતો. તેણે આ ટૂર્નામેન્ટમાં કુલ 17 વિકેટ લીધી હતી.

ફાઈનલ મેચમાં પણ અર્શદીપ સિંહે 4 ઓવરમાં 20 રન આપીને 2 મહત્વની વિકેટ લીધી હતી, જેમાં 19મી ઓવરમાં માત્ર ચાર રન આપવાનો પણ સમાવેશ થાય છે. આ ઓવરના કારણે ભારતીય ટીમ ફાઈનલમાં સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવવામાં સફળ રહી હતી.

અર્શદીપ સિંહનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ નવેમ્બર 2022માં થયું હતું. તેણે માત્ર 2 વર્ષમાં T20 ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. તેણે ટીમ ઈન્ડિયા માટે T20માં અત્યાર સુધી 97 વિકેટ ઝડપી છે.

આ પહેલા આ રેકોર્ડ યુઝવેન્દ્ર ચહલના નામે હતો. યુઝવેન્દ્ર ચહલે T20માં ટીમ ઈન્ડિયા માટે 96 વિકેટ લીધી છે. પરંતુ અર્શદીપે તેને ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણીની પ્રથમ મેચમાં પાછળ છોડી દીધો હતો. (All Photo Credit : PTI / BCCI / ICC)
યુવા સ્ટાર બોલર અર્શદીપ સિંહ સહિત ભારતીય ક્રિકેટ ટીમના અન્ય તમામ ક્રિકેટરો સાથે જોડાયેલ સમાચાર વાંચવા કરો ક્લિક

































































