Breaking News : એકની ભૂલ આખી ટીમ ભોગવશે.. Riyan Parag બાદ હવે રાજસ્થાન રોયલ્સ સામે પણ BCCI કરશે કાર્યવાહી
IPL 2026માં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગના વેપિંગ વિવાદ બાદ BCCI નારાજ છે. અગાઉ ટીમ મેનેજર પણ મોબાઈલ ફોન વાપરતા ઝડપાયા હતા. હવે માત્ર પરાગ જ નહીં, પરંતુ આખી ફ્રેન્ચાઇઝી સામે કડક શિસ્તભંગની કાર્યવાહી થવાની શક્યતા છે.

IPL 2026 દરમિયાન Rajasthan Royals પોતાના શાનદાર પ્રદર્શન માટે ચર્ચામાં છે, પરંતુ તાજેતરમાં ટીમ ખોટા કારણોસર હેડલાઇન્સમાં આવી છે. ટીમના કેપ્ટન Riyan Paragની એક મોટી ભૂલને કારણે હવે Board of Control for Cricket in India (BCCI) પણ નારાજ જોવા મળી રહી છે અને ટીમ સામે વધુ કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.

આ પહેલા રાજસ્થાન રોયલ્સના ટીમ મેનેજર રોમી ભિંડર ડગઆઉટમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. ત્યારબાદ, પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન રિયાન પરાગ ડ્રેસિંગ રૂમમાં વેપિંગ કરતા જોવા મળ્યા. આ ઘટના બાદ IPL દ્વારા રિયાન પરાગ પર મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો, જેને તેમણે સ્વીકારી લીધો છે.

BCCI સચિવ Devajit Saikiaએ સ્પષ્ટ કર્યું છે કે બોર્ડ હવે માત્ર ખેલાડી નહીં પરંતુ આખી ફ્રેન્ચાઇઝ સામે પણ શિસ્તભંગની કાર્યવાહી કરવા પર વિચાર કરી રહ્યું છે. તેમણે જણાવ્યું કે હાલમાં યોગ્ય પગલાં શું લેવાં તે અંગે ચર્ચા ચાલી રહી છે અને હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.

IPLના સત્તાવાર નિવેદનમાં પણ જણાવાયું છે કે લીગની પ્રામાણિકતા અને પ્રતિષ્ઠા જાળવવા માટે, નિયમોનું ઉલ્લંઘન કરનાર ટીમ, અધિકારીઓ અને ખેલાડીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અહીં નોંધવું જરૂરી છે કે ભારત સરકારે વર્ષ 2019માં ઈ-સિગારેટ પર દેશવ્યાપી પ્રતિબંધ મૂક્યો હતો. આ કાયદા મુજબ ઈ-સિગારેટનું ઉત્પાદન, વેચાણ અને વિતરણ ગેરકાયદેસર છે. પહેલીવાર ગુનો કરતા વ્યક્તિને એક વર્ષ સુધીની જેલ અથવા ₹1 લાખ સુધીનો દંડ અથવા બંને થઈ શકે છે.

જો કે, મેદાન પર રિયાન પરાગનું પ્રદર્શન પણ ખાસ રહ્યું નથી. IPL 2026માં અત્યાર સુધી રમેલી 9 મેચમાં તેણે ફક્ત 117 રન બનાવ્યા છે, જેમાં તેની સરેરાશ 14.6 રહી છે. તે હજુ સુધી એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી અને તેનો સર્વોચ્ચ સ્કોર 29 રન રહ્યો છે. તેમ છતાં, તેની કેપ્ટનશીપ હેઠળ રાજસ્થાન રોયલ્સનું પ્રદર્શન મજબૂત રહ્યું છે. ટીમે 9માંથી 6 મેચ જીતી છે અને હાલ પોઈન્ટ્સ ટેબલમાં ચોથા સ્થાન પર છે. હવે જોવાનું રહ્યું કે BCCI તરફથી ટીમ સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. (All Image - BCCI)
આઠમાંથી છ મેચમાં હાર, છતાં મુંબઈ ઈન્ડિયન્સ IPL 2026માં પ્લેઓફમાં કરી શકે છે ક્વોલિફાય, આ રહ્યું સમીકરણ
