ઓસ્ટ્રેલિયા સામે સિરીઝ રમનાર ટી20 પ્લેયર વોશિંગ્ટન સુંદરના નામ સાથે જોડાયેલી છે આ રસપ્રદ સ્ટોરી
તમિલનાડુનો આ ખેલાડી તેના નામ અને ટીમમાં તેના રોલને કારણે ઘણો ચર્ચામાં છે. સુંદર સૌ પ્રથમ તેના નામના કારણે લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. તેનું નામ વોશિંગ્ટન કેવી રીતે પડ્યું તેની પાછળ એક સ્ટોરી છે. સુંદરના પિતા પણ તમિલનાડુ માટે રણજી ક્રિકેટ રમી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે સુંદરનું નામ વોશિંગ્ટન કેવી રીતે પડ્યું અને તે ટીમમાં બેટ્સમેનને બદલે બોલર કેવી રીતે બન્યો.

તમને કદાચ એવું લાગતું હશે કે વોશિંગ્ટન સુંદર નામ અમેરિકન શહેર વોશિંગ્ટન અથવા જ્યોર્જ વોશિંગ્ટનથી પ્રેરિત છે. પરંતુ તે એવું નથી. વોશિંગ્ટન સુંદરના પિતા એમ. સુંદરના જણાવ્યા મુજબ તેમને તેમના પુત્રનું નામ તેમના ગોડફાધર પીડી વોશિંગ્ટનના નામ પર રાખ્યું છે.

તેમને કહ્યું, 'હું હિંદુ છું. ભૂતપૂર્વ આર્મી મેન પીડી વોશિંગ્ટન અમારા ઘરથી બે શેરીઓ દૂર રહેતા હતા. તેમને ક્રિકેટનો ખૂબ જ શોખ હતો. તે અમારી મેચ જોવા માટે ગ્રાઉન્ડ પર આવતા હતા. તેમને મારી રમતમાં રસ લેવાનું શરૂ કર્યું. અહીંથી અમારી વચ્ચે સારો સંબંધ બંધાયો.

સુંદરના પિતાના કહેવા મુજબ 'તેઓ ગરીબ હતા. વોશિંગ્ટન મારા માટે યુનિફોર્મ ખરીદી આપતા હતા, મારી શાળાની ફી ચૂકવતા હતા, પુસ્તકો લાવતા હતા, મને તેમની સાયકલ પર ગ્રાઉન્ડ પર લઈ જતા હતા. તેમને મને હંમેશા પ્રોત્સાહન આપ્યું. તે મારા માટે બધું જ હતા. જ્યારે મારી સંભવિત રણજી ટીમમાં પસંદગી થઈ ત્યારે તેઓ સૌથી વધુ ખુશ હતો.

પછી અચાનક 1999 માં, વોશિંગ્ટનનું અવસાન થયું અને તેના થોડા સમય પછી તેમના પુત્રનો જન્મ થયો. સુંદરના કહેવા મુજબ 'પત્નીની ડિલિવરી ખૂબ જ ક્રિટિકલ હતી, પરંતુ બધુ બરાબર રહ્યું. હિંદુ રીતિ-રિવાજ મુજબ મેં પુત્રના કાનમાં ભગવાન (શ્રીનિવાસન)નું નામ લીધું, પરંતુ પુત્રનું નામ એ વ્યક્તિના નામ પરથી જ રાખવામાં આવશે, જેને મારા માટે ઘણું કર્યું છે તે નક્કી હતું.

સુંદર શરૂઆતમાં માત્ર બેટ્સમેન બનવા માંગતો હતો, પરંતુ તે ઓફ સ્પિનર બન્યો. સુંદરના કહેવા મુજબ શરૂઆતના દિવસોમાં જ્યારે તે ક્રિકેટ રમતો હતો, ત્યારે તે જ્યારે બેટિંગ કે બોલિંગ કરતો હતો ત્યારે જ મેચની મજા લેતો હતો.
