History of city name : ‘ભવનાથ મહાદેવ’ ના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
ભવનાથ મહાદેવ મંદિર ગુજરાતના જુનાગઢ જિલ્લામાં, ગિરનાર પર્વતની નજીક આવેલું છે. આ સ્થળ માત્ર ધાર્મિક મહત્વ ધરાવે છે, ગિરનાર પર્વત પ્રાકૃતિક સૌંદર્ય અને જંગલ વિસ્તારથી પણ ઘેરાયેલું છે. ગિરનાર હંમેશાથી સાધુ-સંતોની તપશ્ચર્યા માટેનું કેન્દ્ર રહ્યું છે.

"ભવનાથ" શબ્દ બે સંસ્કૃત શબ્દોથી બનેલો છે ભવ એટલે ભગવાન શિવનું એક ઉપનામ ( જન્મ, સૃષ્ટિનો આરંભ કરનાર) નાથ એટલે સ્વામી, રક્ષક, અધિપતિ આથી ભવનાથ નો અર્થ થાય છે "સૃષ્ટિના સ્વામી" અથવા "ભવના નાથ" જે ભગવાન શિવ એક પવિત્ર નામ છે.અહીંના મંદિરને "ભવનાથ મહાદેવ" કહેવાનું કારણ એ છે કે આ સ્થળે શિવજીની પ્રાચીન અને અત્યંત પૂજનીય સ્થાપના છે, જ્યાં તેઓ સ્વયંભૂ (સ્વયં પ્રગટ થયેલા) રૂપે પૂજાય છે.

ભવનાથ ગામમાં, ગિરનાર પર્વતના નીચે આવેલું ભવનાથ મહાદેવ મંદિર પ્રાચીન કાળથી પૌરાણિક કથાઓ અને લોકદંતકથાઓમાં વર્ણવાયું છે. અહીં સ્થાપિત શિવલિંગને સ્વયંભૂ, એટલે કે દૈવી પ્રેરણાથી પ્રગટ થયેલું માનવામાં આવે છે. લોકમાન્યતા મુજબ, એક વખત ભગવાન શિવ અને માતા પાર્વતી ગિરનાર પર્વત પર વિહરતા હતા, ત્યારે તેમનું એક પવિત્ર વસ્ત્ર મૃગી કુંડ ખાતે પડ્યું હતું. ત્યારથી આ સ્થાન ભગવાન શિવના ભક્તો માટે વિશેષ પુણ્યસ્થળ બન્યું. આજ સુધી,મહાશિવરાત્રીની ભવ્ય શોભાયાત્રા શરૂ થતા પહેલાં નાગા સાધુઓ આ પવિત્ર મૃગી કુંડમાં વિધિપૂર્વક સ્નાન કરે છે. આ મેળાની શરૂઆત ક્યારે થઈ તે અંગે ચોક્કસ જાણકારી ઉપલબ્ધ નથી, પરંતુ માનવામાં આવે છે કે તેનો ઇતિહાસ અતિ પ્રાચીન છે.

હિંદુ પંચાંગ મુજબ માઘ મહિનામાં, સામાન્ય રીતે ફેબ્રુઆરી-માર્ચ દરમ્યાન, ભવનાથ મહાદેવ ખાતે પાંચ દિવસ સુધી ચાલતો મેળો યોજાય છે. મહાશિવરાત્રીની પવિત્ર રાત્રે, ભગવાન શિવની વિશેષ અર્ધરાત્રિ પૂજા સાથે થાય છે. આ પ્રસંગે દશનામી સંપ્રદાયના મોટી સંખ્યામાં નાગા સાધુઓ અહીં એકત્ર થાય છે. તેઓ પરંપરા મુજબ પવિત્ર મૃગીકુંડમાં સ્નાન કરી, મંદિર ખાતે પ્રાર્થના અર્પે છે. માન્યતા એવી છે કે મહાશિવરાત્રીના દિવસે સ્વયં ભગવાન શિવ અહીં આગમન કરે છે અને ભક્તોને આશીર્વાદ આપે છે. મેળાની શરૂઆત પહેલાં અનેક ભક્તો ગિરનાર પર્વતની પવિત્ર પરિક્રમા કરે છે.

એક લોકપ્રચલિત દંતકથા મુજબ, એક વખત માતા પાર્વતીએ મહાદેવને ભવનાથ સ્થળનો ઇતિહાસ પૂછ્યો. ત્યારે મહાદેવએ કહ્યું કે સૌરાષ્ટ્ર પ્રદેશમાં એક સ્થાન છે જેને “વસ્ત્રાપથ” કહેવામાં આવે છે. અહીં બિલિપત્રના વૃક્ષોની વચ્ચે મારું પવિત્ર લિંગ સ્વયંભૂરૂપે સ્થાપિત છે.એક વખત મહાશિવરાત્રીના પાવન દિવસે એક પારધી અહીં આવ્યો. તેને ખબર નહોતી કે તે પવિત્ર સ્થળ છે, પરંતુ અજાણતા જ તેણે શિવલિંગની પૂજા કરી. આખી રાત તે બીલીના વૃક્ષ નીચે બેસીને બિલિપત્ર તોડતો રહ્યો અને શિવલિંગ પર અર્પણ કરતો રહ્યો. તેની આ નિષ્ઠા અને અર્પણ ભાવના કારણે તેનું કલ્યાણ થયું અને તે ભવબંધનથી મુક્ત થયો.

આજ સુધી આ કથા મહાશિવરાત્રીના પાવન પ્રસંગ સાથે જોડાયેલી છે. લોકવાયકા અનુસાર મહા વદ ચૌદશના દિવસે પારધી સાથે ઈન્દ્રદેવએ પણ આ લિંગની આરાધના કરી હતી. ત્યારબાદ આ લિંગને “ભવેશ્વર” નામે સ્થાપિત કરવામાં આવ્યું, જે આજે “ભવનાથ” તરીકે પ્રખ્યાત છે.“ભવનાથ” શબ્દનો અર્થ છે. ભવબંધનનો નાશ કરનાર. માન્યતા એવી છે કે ભવનાથ મહાદેવના પરિસરમાં પગ મૂકતાની સાથે જ ભક્તના પાપો ક્ષીણ થઈ જાય છે અને તેને મુક્તિનો આશીર્વાદ મળે છે.

( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)
Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
