Adani Group ના આ સ્ટોક પર બ્રોકરેજ થયા ‘બુલિશ’, ‘BUY’ રેટિંગ સાથે આપ્યો ₹2,160 નો ‘મોટો ટાર્ગેટ’
અદાણી ગ્રુપના શેર હોલ્ડર્સ માટે બુધવાર 1 July ની સવાર શાનદાર તેજી લઈને આવી છે. અદાણીના આ એક શેરમાં સવારથી જ રોકાણકારો ભારે રસ દાખવી રહ્યા છે, જેના કારણે સ્ટોકમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. આખરે એવું તે શું થયું કે, ગ્લોબલ એક્સપર્ટ્સ અને મોટી બ્રોકરેજ ફર્મ્સ પણ આ સ્ટોક પર અચાનક બુલિશ થઈ?

અદાણી ગ્રુપનો શેર બુધવારે 01 july ના રોજ બજારમાં શાનદાર તેજી સાથે કારોબાર કરી રહ્યો હતો. શરૂઆતી કારોબારમાં કંપનીનો શેર આશરે 4% વધીને ₹1,870 ની આસપાસ પહોંચી ગયો હતો. આ તેજીનું સૌથી મોટું કારણ વૈશ્વિક બ્રોકરેજ હાઉસ અને સ્થાનિક રિસર્ચ ફર્મ્સનો પોઝિટિવ અભિપ્રાય હતો. તાજેતરમાં વિઝિંજમ પોર્ટ (Vizhinjam Port) માં થયેલી વ્યૂહાત્મક ડીલ પછી બ્રોકરેજનું માનવું છે કે, કંપનીની લાંબાગાળાની કમાણી, કન્ટેનર વોલ્યુમ અને કેશ ફ્લોનું ચિત્ર પહેલા કરતાં વધુ મજબૂત બન્યું છે.

જેફરીઝ (Jefferies) અને મોતીલાલ ઓસ્વાલ (Motilal Oswal) બંનેએ અદાણી પોર્ટ્સ પર પોતાનું 'Buy' રેટિંગ જાળવી રાખતાં જણાવ્યું છે કે, વિઝિંજમ પોર્ટને લઈને લેવાયેલું આ પગલું માત્ર એક રોકાણ સોદો નથી પરંતુ આવનારા વર્ષોમાં ગ્રોથનો મોટો આધાર બની શકે છે.

ગ્લોબલ બ્રોકરેજ જેફરીઝે અદાણી પોર્ટ્સ માટે ₹2,160 નો ટાર્ગેટ પ્રાઇસ જાળવી રાખ્યો છે, જે વર્તમાન સ્તરથી આશરે 22% ની સંભવિત તેજીનો સંકેત આપે છે. બ્રોકરેજનું માનવું છે કે, વિઝિંજમ પોર્ટમાં હિસ્સાના વેચાણથી કંપનીને મોટી મૂડી મળશે, જ્યારે ઓપરેશનલ કંટ્રોલ તેની પાસે જ રહેશે. જેફરીઝના જણાવ્યા અનુસાર, ડિસેમ્બર 2028 સુધીમાં પોર્ટનો બીજો તબક્કો પૂર્ણ થયા પછી કાર્ગો વોલ્યુમમાં ભારે વધારો જોવા મળશે. બ્રોકરેજનો અંદાજ છે કે, નાણાકીય વર્ષ 2030-31 સુધીમાં માત્ર વિઝિંજમ પોર્ટ જ આશરે ₹1,400 કરોડનું EBITDA જનરેટ કરી શકે છે. આ સિવાય કંપની નેટ કેશ પોઝિશનમાં આવવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

મોતીલાલ ઓસ્વાલે પણ અદાણી પોર્ટ્સ પર 'Buy' રેટિંગ આપતા ₹2,050 નો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે. બ્રોકરેજનું કહેવું છે કે, MSC Group સાથેની વ્યૂહાત્મક ભાગીદારીથી વિઝિંજમ પોર્ટને કાયમી કન્ટેનર ટ્રાફિક મળવાની સંભાવના વધશે. આનાથી ટ્રાન્સશિપમેન્ટ બિઝનેસને મજબૂતી મળશે અને બાંગ્લાદેશ તથા પૂર્વ આફ્રિકા જેવા મહત્વના ટ્રેડ રૂટ્સ સુધી કંપનીની પહોંચ વધુ મજબૂત બનશે.

બ્રોકરેજે એમ પણ જણાવ્યું કે, 'અદાણી પોર્ટ્સ' સતત પોર્ટ ક્ષમતા વધારવા, લોજિસ્ટિક્સ નેટવર્ક મજબૂત કરવા અને AI આધારિત ઓટોમેશનમાં રોકાણ કરી રહી છે. આ જ કારણ છે કે, કંપની આવનારા વર્ષોમાં ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ યુટિલિટી બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે.

મંગળવારે 30 જૂનના રોજ અદાણી પોર્ટ્સે જાહેરાત કરી હતી કે, MSC ગ્રુપની ટર્મિનલ શાખા ટર્મિનલ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ (TiL), વિઝિંજમ પોર્ટમાં 49% હિસ્સો ખરીદશે. આ માટે TiL આશરે 1.397 અબજ ડોલર (આશરે ₹12,000 કરોડ) નું રોકાણ કરશે. જો કે, અદાણી પોર્ટ્સ પાસે 51% હિસ્સો અને પોર્ટનો ઓપરેશનલ કંટ્રોલ યથાવત રહેશે.

આ રોકાણ બે તબક્કામાં થશે. પ્રથમ રોકાણ નિયમનકારી મંજૂરીઓ મળ્યા બાદ કરવામાં આવશે, જ્યારે બીજો તબક્કો ડિસેમ્બર 2028 સુધીમાં પોર્ટના બીજા ફેઝનું વિસ્તરણ પૂર્ણ થવા પર થશે. આ મૂડીનો ઉપયોગ વિઝિંજમ પોર્ટની ક્ષમતા 16 લાખ TEU થી વધારીને 57 લાખ TEU કરવા માટે કરવામાં આવશે. વિઝિંજમ ભારતનું પ્રથમ ડીપ-ડ્રાફ્ટ મેગા ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ છે, જે વિશ્વના સૌથી વ્યસ્ત પૂર્વ-પશ્ચિમ દરિયાઈ વેપાર માર્ગથી માત્ર 10 નોટિકલ માઈલના અંતરે આવેલું છે. MSC જેવી વૈશ્વિક શિપિંગ કંપની સાથેની ભાગીદારીથી અહીં કન્ટેનર ટ્રાફિક વધવાની સંભાવના મજબૂત થઈ છે. શેરની વાત કરીએ તો, 'અદાણી પોર્ટ્સ'નો શેર બુધવારને 01 જુલાઈના રોજ કારોબારના અંતે ₹1,848.20 પર બંધ થયો હતો.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોનામાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
તમારા પોર્ટફોલિયોમાં છે આ ’10 સ્ટોક’? માર્કેટના દિગ્ગજ બ્રોકરેજ હાઉસે આપ્યું ‘Buy’ રેટિંગ, કિંમતોમાં આવી શકે છે ‘મોટો ઉછાળો’
