ભૂલથી પણ આ 7 વૃક્ષને ન કાપતા! શિવપુરાણથી લઈને પદ્મપુરાણ સુધી આને માનવામાં આવ્યું છે ‘મહાપાપ’, ઘર પર આવી શકે છે ‘મોટું સંકટ’
શું તમે જાણો છો, હિંદુ ધર્મમાં કયા 7 વૃક્ષને કાપવાની સખત મનાઈ છે? શાસ્ત્રો અનુસાર, આ પવિત્ર વૃક્ષોને ભૂલથી પણ નુકસાન પહોંચાડવાથી દેવી-દેવતાઓ નારાજ થઈ શકે છે અને જીવનમાં મોટી મુશ્કેલીઓ આવી શકે છે.

હિંદુ ધર્મમાં કેટલાક વૃક્ષોને ખૂબ જ પવિત્ર અને દેવ સમાન માનવામાં આવ્યા છે. આ વૃક્ષોની પૂજા પણ થાય છે અને ધાર્મિક રીતે પણ તેમનું મહત્વ ઘણું વધારે છે. આ એવા વૃક્ષો છે કે, જેમનો ઉલ્લેખ શિવપુરાણ, મત્સ્યપુરાણ અને પદ્મપુરાણમાં પણ જોવા મળે છે. તેમની પૂજા કરવાથી અને તેમને જળ અર્પણ કરવાથી જ્યાં પુણ્ય ફળ મળે છે, ત્યાં જ તેમને કાપવા એ મહાપાપ માનવામાં આવે છે.

'વડ' જેને 'વટવૃક્ષ' પણ કહેવામાં આવે છે, તે હિંદુ ધર્મના પવિત્ર વૃક્ષોમાંનું એક છે. વટવૃક્ષને અમરત્વનું પ્રતીક પણ માનવામાં આવ્યું છે. આ વૃક્ષને શિવ સમાન માનવામાં આવે છે. આથી ભૂલથી પણ ક્યારેય તમારે વટવૃક્ષને કાપવું ન જોઈએ.

મત્સ્યપુરાણ અનુસાર આમળાના વૃક્ષમાં વિષ્ણુ-લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. આ વૃક્ષ જેટલું ધાર્મિક દૃષ્ટિએ મહત્વપૂર્ણ છે, તેટલું જ આયુર્વેદમાં પણ છે. આમળાના વૃક્ષને કાપવાથી તમારે પાપના ભાગીદાર બનવું પડી શકે છે અને તમારા દ્વારા કરાયેલા પુણ્યનો પણ નાશ થઈ શકે છે.

લીમડાના વૃક્ષને માતા દુર્ગા સાથે સંબંધિત માનવામાં આવ્યું છે. ઔષધીય ગુણોથી ભરપૂર લીમડાના વૃક્ષને કાપવું પણ અશુભ માનવામાં આવે છે. લીમડાના વૃક્ષને કાપવાથી જીવનમાં દુઃખ ભોગવવા પડી શકે છે અને સાથે જ માતા દુર્ગાના ક્રોધનો સામનો પણ કરવો પડી શકે છે.

'બીલી'નો સંબંધ ભગવાન શિવ સાથે છે એ આપણે સૌ જાણીએ છીએ. એટલા માટે જ શિવલિંગ પર 'બીલીપત્ર' અર્પણ કરવું અત્યંત શુભ હોય છે. શિવપુરાણ અનુસાર બીલીનું વૃક્ષ કાપનાર વ્યક્તિથી 'ભગવાન શિવ' નારાજ થઈ શકે છે અને જીવનમાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.

અશોક (આસોપાલવ) એટલે કે શોક દૂર કરનાર. આસોપાલવના વૃક્ષને પદ્મપુરાણમાં અકાળ મૃત્યુથી બચાવનાર માનવામાં આવ્યું છે. આ વૃક્ષમાં માતા લક્ષ્મીનો વાસ પણ માનવામાં આવે છે, તેથી ધાર્મિક માન્યતાઓ અનુસાર આસોપાલવના વૃક્ષને ક્યારેય કાપવું ન જોઈએ.

શમીને પણ ધાર્મિક દૃષ્ટિએ અત્યંત શુભ વૃક્ષ માનવામાં આવે છે. આ વૃક્ષનો સંબંધ શનિ મહારાજ સાથે પણ છે. શમીની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે, જ્યારે આ વૃક્ષને કાપવાથી શનિદેવ નારાજ થઈ શકે છે અને ઘર-પરિવારમાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.

પદ્મપુરાણમાં વર્ણિત છે કે, પીપળાના વૃક્ષમાં 'ત્રિદેવ' બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ છે. તેથી પીપળાના વૃક્ષને કાપવાની ભૂલ તમારે ક્યારેય ન કરવી જોઈએ. આ વૃક્ષને કાપવાથી તમને પિતૃદોષ લાગી શકે છે અને જીવનમાં અવરોધો આવી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. TV9 Gujarati એક પણ વાતની સત્યતાનું પ્રમાણ આપતું નથી.)
Shani Dev Worship : શનિદેવને ક્રોધિત કરે છે આ 5 આચરણ, જાણો શું છે માન્યતાઓ !
