શું 1 કે 2 હપ્તા બાઉન્સ થતાં જ ‘બેંક’ તમારી ગાડી જપ્ત કરી શકે ? ‘કાર લોન’ લેનારાઓ ખાસ જાણી લે ‘પોતાના અધિકારો’
આજના સમયમાં કાર ખરીદવા માટે લોન લેવી એ ખૂબ જ સામાન્ય વાત છે, પરંતુ ક્યારેક નોકરી છૂટી જવા કે કોઈ આર્થિક મુશ્કેલીના કારણે લોનનો હપ્તો (EMI) ચૂકવવામાં મોડું થઈ જાય છે. આવી સ્થિતિમાં ઘણા લોકોના મનમાં ડર હોય છે કે, બેંક વાળા તરત જ આવીને તેમની ગાડી જપ્ત કરી લેશે પરંતુ વાસ્તવમાં એવું નથી હોતું.

આજના સમયમાં પોતાની મનપસંદ કાર ખરીદવી ખૂબ જ સરળ બની ગઈ છે. મોટાભાગના લોકો કાર ખરીદવા માટે બેંકો અથવા નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (NBFCs) પાસેથી કાર લોનનો વિકલ્પ પસંદ કરે છે. જો કે, ઘણી વખત નોકરી છૂટી જવા પર, બિઝનેસમાં ખોટ જવા પર અથવા કોઈ ગંભીર મેડિકલ ઈમરજન્સીના કારણે સમયસર લોનનો માસિક હપ્તો (EMI) ચૂકવવો મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં કાર માલિકોના મનમાં સૌથી મોટો ડર એ પેસી જાય છે કે, શું એક કે બે હપ્તા મિસ થતાં જ બેંકના રિકવરી એજન્ટો તેમના ઘરે કે ઓફિસે આવીને તેમની ચમકતી ગાડી જબરદસ્તી ઉપાડી જશે?

જો તમારા મનમાં પણ આ ડર હોય, તો તમારે ગભરાવાની બિલકુલ જરૂર નથી. ભારતીય રિઝર્વ બેંક (RBI) ના નિયમો અનુસાર, બેંક એટલી સરળતાથી અને તરત જ તમારી ગાડી જપ્ત કરી શકતી નથી. આના માટે એક આખી કાનૂની પ્રક્રિયા અને સમય મર્યાદા નક્કી હોય છે. જણાવી દઈએ કે, જ્યારે તમારો પહેલો કે બીજો હપ્તો મિસ થાય છે, ત્યારે બેંક તમને 'ડિફોલ્ટર' નથી માનતી પરંતુ તેને માત્ર એક અસ્થાયી ચૂક (Delay) તરીકે જોવામાં આવે છે.

આ દરમિયાન બેંક તમને એસએમએસ (SMS) અથવા ઇમેઇલ-ફોન કોલ દ્વારા યાદ અપાવે છે કે, તમારો હપ્તો બાકી છે અને તમારે તેને લેટ પેમેન્ટ પેનલ્ટી (Late Payment Penalty) સાથે ચૂકવવો પડશે. કાનૂની રીતે, બેંક તમારી ગાડીને ત્યાં સુધી હાથ પણ લગાવી શકતી નથી, જ્યાં સુધી તમારું લોન એકાઉન્ટ સત્તાવાર રીતે NPA (Non-Performing Asset) એટલે કે બિન-અસરકારક સંપત્તિ જાહેર ન થઈ જાય.

RBIની માર્ગદર્શિકા મુજબ, જ્યારે કોઈ ગ્રાહક સતત 90 દિવસ સુધી એટલે કે પૂરા 3 મહિના સુધી એક પણ હપ્તો નથી ચૂકવતો, ત્યારે જ તેના લોન એકાઉન્ટને એનપીએની શ્રેણીમાં મૂકવામાં આવે છે. લોન એકાઉન્ટ NPA થયા પછી પણ બેંક સીધી તમારી ગાડી જપ્ત ન કરી શકે. NPA જાહેર થયા પછી બેંકે ગ્રાહકને એક ઔપચારિક લેખિત નોટિસ મોકલવી પડે છે, જેને 'ડિમાન્ડ નોટિસ' કહેવામાં આવે છે. આ નોટિસ દ્વારા બેંક ગ્રાહકને બાકી રકમ ચૂકવવા માટે સામાન્ય રીતે 60 દિવસની એક છેલ્લી તક આપે છે.

જો ગ્રાહક આ 60 દિવસના નોટિસ પિરિયડની અંદર પણ પોતાના હપ્તાની ચૂકવણી નથી કરી શકતો અથવા બેંક સાથે કોઈ સમજૂતી (Settlement) પર નથી પહોંચી શકતો, ત્યારે જ બેંકને ગાડીનો કબજો (Repossession) લેવાનો કાનૂની અધિકાર મળે છે. કુલ મળીને જોઈએ તો, પહેલો હપ્તો બાઉન્સ થવાથી લઈને ગાડી જપ્ત થવા વચ્ચે ગ્રાહકોને ઓછામાં ઓછો 5 થી 6 મહિનાનો લાંબો સમય મળે છે.

ગાડી જપ્ત કરવાની આ આખી પ્રક્રિયા દરમિયાન બેંકના રિકવરી એજન્ટોએ પણ કડક નિયમોનું પાલન કરવું પડે છે. RBI એ સ્પષ્ટ કર્યું છે કે, રિકવરી એજન્ટ કોઈપણ ગ્રાહક સાથે ગાળાગાળી, ડરાવવા-ધમકાવવાનું કે શારીરિક રીતે જબરદસ્તી કરી શકતા નથી. એજન્ટો માત્ર સવારે 8 વાગ્યાથી સાંજના 7 વાગ્યાની વચ્ચે જ તમારા ઘરે જઈ શકે છે અથવા તમને ફોન કરી શકે છે.

આ ઉપરાંત, જ્યારે તેઓ તમારી ગાડી જપ્ત કરવા આવે, ત્યારે તેમની પાસે બેંકનો સત્તાવાર ઓથોરિટી લેટર અને માન્ય ઓળખપત્ર હોવું અનિવાર્ય છે. ગાડી લઈ જતા પહેલા તેઓ ગાડીની અંદર રાખેલા તમારા અંગત સામાનની યાદી બનાવે છે અને ઇન્વેન્ટરી શીટ પર તમારી સહી લે છે. ગાડી જપ્ત કર્યા પછી પણ બેંક તેને તરત જ વેચતી નથી પરંતુ હરાજી (Auction) પહેલાં તમને 15 થી 30 દિવસની વધુ એક નોટિસ આપવામાં આવે છે, જેથી તમે ઈચ્છો તો પૂરી બાકી રકમ ચૂકવીને તમારી કાર પાછી મેળવી શકો. આથી, EMI મિસ થવા પર ડરવાને બદલે તરત જ તમારી બેંકનો સંપર્ક કરો અને લોન રીસ્ટ્રક્ચરિંગ અથવા વધારાના સમય માટે વાત કરો.
ભાડે રહેતા લોકો આજે જ જાણી લો આ ‘7 નિયમ’, મકાન માલિકની મનમાનીનો આવશે કાયમ માટે ‘અંત’
