બ્રેકિંગ ન્યૂઝ : કોપી અને પેપર લીકના બનાવો પર બ્રેક લાગશે ! કેન્દ્ર સરકાર લોકસભામાં રજૂ થયું બિલ
કોપી અને પેપર લીક અટકાવવા માટે બિલમાં કડક કાયદાકીય જોગવાઈઓ કરવામાં આવી છે. બિલની જોગવાઈઓ અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત ભરતી પરીક્ષાઓના પેપર લીકમાં સામેલ લોકોને 10 વર્ષ સુધીની જેલ અને ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયાનો દંડ થઈ શકે છે.

પ્રવેશ પરીક્ષાઓમાં કોપી અને પેપર લીક જેવી ઘટનાઓને રોકવા માટે કેન્દ્ર સરકાર કડક બની છે. આવી ઘટનાઓને રોકવા માટે કેન્દ્ર સરકાર સોમવારે લોકસભામાં બિલ રજૂ કરવા જઈ રહી છે. આ બિલનું નામ છે ધ પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) બિલ, 2024. કેન્દ્રીય મંત્રી ડૉ.જિતેન્દ્ર સિંહ આ બિલ લોકસભામાં રજૂ કરશે. આ બિલ દ્વારા આકરી સજાની જોગવાઈ કરવામાં આવી છે.
વધુ પારદર્શિતા, નિષ્પક્ષતા અને વિશ્વસનીયતા લાવવાની જરૂર
આ બિલનો હેતુ કોપી અને પેપર લીક જેવી ઘટનાઓને રોકવાનો છે. જેથી કરીને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં ન આવે. આ ઉપરાંત જાહેર પરીક્ષા પ્રણાલીમાં વધુ પારદર્શિતા, નિષ્પક્ષતા અને વિશ્વસનીયતા લાવવાની જરૂર છે. જેથી કરીને દેશના યુવાનોને વિશ્વાસ થાય કે તેમની પ્રામાણિક મહેનત વ્યર્થ નહીં જાય અને તેમનું ભવિષ્ય સુરક્ષિત છે. બિલનો હેતુ UPSC, SSC, રેલવે, NEET, JEE અને CUET સહિતની ઘણી જાહેર પરીક્ષાઓમાં કોપી થાય છે તેને રોકવાનો છે.
10 વર્ષની જેલ, 1 કરોડનો દંડ
આ બિલ દ્વારા કેન્દ્ર સરકાર તેની પ્રવેશ પરીક્ષાઓમાં ગેરરીતિ રોકવા માંગે છે અને પરીક્ષાઓમાં છેતરપિંડીનો પ્રચાર કરતી વ્યક્તિઓ, જૂથો અથવા સંસ્થાઓ પર પણ કડક કાર્યવાહી કરવા માગે છે. વાસ્તવમાં, છેલ્લા કેટલાક મહિનામાં રાજસ્થાન, તેલંગાણા, મધ્યપ્રદેશ, ગુજરાત અને ઝારખંડ સહિત વિવિધ રાજ્યોમાં પેપર લીક જેવા ઘણા મામલા પ્રકાશમાં આવ્યા છે. જેના કારણે પરીક્ષાઓ પણ રદ્દ કરવી પડી હતી અને વહીવટીતંત્રને પણ યુવાનોના રોષનો સામનો કરવો પડ્યો હતો.
ઘણા ગુનાઓનો સમાવેશ કરવામાં આવ્યો
પરીક્ષામાં કોપી પર અને પેપર લીક અટકાવવા માટે બિલમાં કડક કાયદાકીય જોગવાઈઓ કરવામાં આવી છે. બિલની જોગવાઈઓ અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત ભરતી પરીક્ષાઓના પેપર લીકમાં સામેલ લોકોને 10 વર્ષ સુધીની જેલ અને ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આ સાથે ઉત્તરવહી સાથે ચેડાં કરવા, મેરિટ લિસ્ટના ડોક્યુમેન્ટ્સ સાથે ચેડાં કરવા કે અન્ય કોઈની જગ્યાએ પરીક્ષા આપવા જેવા ગુનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જો સંડોવાયેલા જણાય તો પરીક્ષાનો ખર્ચ પણ વસૂલ કરવામાં આવશે
જો તપાસમાં કોઈ વ્યક્તિ પેપર લીક, પરીક્ષામાં કોપી અથવા પરીક્ષામાં અન્ય કોઈની જગ્યાએ સંડોવાયેલો જોવા મળે તો આ બિલમાં 3 થી 5 વર્ષની જેલ અને 10 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. બિલ અનુસાર જો તપાસમાં જાણવા મળે છે કે લોકોએ સંગઠિત અપરાધ કર્યો છે, તો બિલમાં આવા ગુના માટે ઓછામાં ઓછી 5 વર્ષ અને વધુમાં વધુ 10 વર્ષની સજાની જોગવાઈ છે અને ઓછામાં ઓછા રૂપિયા 1 કરોડ સુધીના દંડનો ઉલ્લેખ રજૂ થયો છે.
રાજ્યો માટે મોડેલ ડ્રાફ્ટ
બિલ અનુસાર તપાસ દરમિયાન જો કોઈ સંસ્થા આવા ગુનામાં સંડોવાયેલી જણાય તો તે સંસ્થા દ્વારા પ્રવેશ પરીક્ષા લેવા માટે કરાયેલા ખર્ચની વસૂલાત અને તેની મિલકત જપ્ત કરવાની જોગવાઈ કરવામાં આવી છે. બિલમાં એવી પણ જોગવાઈ છે કે જે અધિકારી નાયબ પોલીસ અધિક્ષક અથવા મદદનીશ પોલીસ કમિશ્નરના લેવલથી નીચે ન હોય તેવા અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવે. કેન્દ્ર સરકારને કોઈપણ કેન્દ્રીય એજન્સીને તપાસ સોંપવાનો અધિકાર પણ હશે. ભવિષ્યમાં આ બિલ રાજ્યો માટે મોડેલ ડ્રાફ્ટ તરીકે પણ કામ કરશે.