ફરી અમદાવાદમાંથી ઝડપાયુ દાણચોરીનું સોનુ, અબુધાબીથી આવેલા બે પ્રવાસીઓ પાસેથી મળ્યુ ₹2 કરોડ 76 લાખનું ગોલ્ડ
અમદાવાદ એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ યુનિટે મોટી કાર્યવાહી કરી છે. અબુધાબીથી આવેલા બે પ્રવાસીઓ પાસેથી ₹2.76 કરોડનું દાણચોરીનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે.
અમદાવાદ એરપોર્ટ પર એર ઈન્ટેલિજન્સ યુનિટે મોટી કાર્યવાહી કરતાં ₹2.76 કરોડનું સોનું પકડી પાડ્યું છે. આ સોનું અબુધાબીથી આવેલા બે મુસાફરો પાસેથી ઝડપાયું હતું. આ બંને વિમાનમાંથી બહાર આવતાની સાથે જ તેમને અટકાવી તપાસ કરવામાં આવી હતી, જેમાં મોટી માત્રામાં દાણચોરીનું સોનુ મળી આવ્યુ છે.
જીન્સના કમરના ભાગમાં છુપાવ્યું સોનું
તપાસ દરમિયાન મળ્યું હતું કે બંને મુસાફરોએ સોનું તેમની જીન્સના કમરના ભાગમાં પ્લાસ્ટિકની સ્ટ્રીપમાં છુપાવ્યું હતું. આ ઉપરાંત, સોનું સેમી લિક્વિડ ફોર્મમાં કેમિકલ સાથે મિક્સ કરીને પણ લાવવામાં આવ્યું હતું.
ગળામાં સોનાની ચેઇન અને સિક્કો પણ મળ્યો
યાત્રી પાસેથી 3 ગોલ્ડ બાર ઉપરાંત 2 સોનાની ચેઇન અને એક સોનાનો સિક્કો પણ મળ્યો હતો. એક મુસાફર પાસેથી 1543 ગ્રામ અને બીજાની પાસે 1507 ગ્રામ સોનું પકડાયું હતું.
બંનેની ધરપકડ, તપાસ ચાલુ
બંને મુસાફરોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ મામલે કયા રેકેટ સાથે સંડોવણી છે અને સોનુ કઈ રીતે લાવવામાં આવતું હતું તે અંગે તપાસ ચાલી રહી છે.
With Input- Sachin Patil- Ahmedabad