સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ, ગોપાળાનંદ સ્વામીના પુસ્તકમાં દ્વારકામાં ભગવાન નથી તેવો ઉલ્લેખ
સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક જૂના સાહિત્યએ સનાતનના ધર્મના ઈષ્ટદેવ ભગવાન શ્રીકૃષ્ણના ભગવાન હોવા પર સવાલ ઉઠાવ્યા છે. ગોપાળાનંદ સ્વામીએ લખેલા પુસ્તકમાં દ્વારકામાં ભગવાન નથી તેવો ઉલ્લેખ કરાયો છે. જેનાથી હિંદુ સંગઠનોમાં ભારે રોષ ફેલાયો છે અને માફીની માગ કરી છે.
સ્વામિનારાયણ સંપ્રદાયનું વધુ એક સાહિત્ય વિવાદનું કારણ બન્યું છે. આ વખતે ગોપાળાનંદ સ્વામીની વાર્તાના પુસ્તકમાં કરાયેલા ઉલ્લેખે સનાતનીઓને છંછેડ્યા છે.. પુસ્તકમાં ભક્તને ટાંકતા ગોપાળાનંદ સ્વામીએ લખ્યું છે કે, દ્વારકામાં હવે ભગવાન છે જ નહીં, ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જવું જોઇએ. પુસ્તકમાં દાવો છે કે વડતાલમાં જ ભક્તોના તમામ મનોરથ પૂર્ણ થશે..પુસ્તકમાં વિવાદીત લખાણ સામે આવતા દ્વારકાના ગુગળી બ્રાહ્મણોમાં રોષ ફાટ્યો છે.
તો બીજી તરફ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ પણ આ વિવાદમાં ઝંપલાવ્યું છે.. શંકરાચાર્યનો દાવો છે કે પાછલા ચાર પાંચ વર્ષથી સ્વામિનારાયણ સંપ્રદાયનું સાહિત્ય સનાતન પર હુમલા કરી રહ્યું છે અને આ સિલસિલો યથાવત છે, તેઓએ સલાહ આપી કે, હિંદુ સંપ્રદાયો અંદરો અંદર જ લડશે તો વિધર્મીઓનો સામનો કેવી રીતે કરીશું.
તો વિવાદ વકરતા હવે હિંદુ સંગઠનો પણ સામે આવી રહ્યા છે. ભગવા સેનાના રાષ્ટ્રિય અધ્યક્ષ કમાલ રાવલે વિવાદીત ટિપ્પણીને કૃષ્ણના અપમાન સાથે સરખાવી અને સ્વામિનારાયણ સંપ્રદાયને માફી માગવા ચીમકી આપી. સાથે જ સ્વામિનારાયણ સંપ્રદાયને વિધર્મીઓ સાથે સરખાવ્યા.