સમાજમાં તડાં ? જયેશ રાદડિયાના પ્રહારો બાદ નરેશ પટેલનું સમર્થન કરતી પોસ્ટ મુક્તા પરશોત્તમ પીપળિયાને ફોન પર મળી ધમકી- જુઓ Video
રાજકોટના જેતપુર નજીક આવેલા જામકંડોરણા તાલુકામાં આયોજિત 511 દીકરીઓના સમૂહ લગ્નોત્સવ દરમિયાન જયેશ રાદડિયાએ નામ લીધા વિના નરેશ પટેલ પર આકરા પ્રહારો કર્યા હતા. જયેશ રાદડિયાના આ નિવેદનને વખોડી નરેશ પટેલનું સમર્થન કરતી પોસ્ટ પરશોત્તમ પીપળીએ સોશિયલ મીડિયામાં મુકી હતી. હવે પીપળિયાનો આરોપ છે કે તેમને સોશિયલ મીડિયા મારફતે ધમકીઓ મળી રહી છે અને માફી માગવા માટે દબાણ થઈ રહ્યુ છે.
રાજકોટમાં પાટીદાર અગ્રણી જયેશ રાદડિયા અને કડપા પાટીદાર સમાજના શ્રેષ્ઠી તેમજ ખોડલ ધામના પ્રમુખ નરેશ પટેલ વચ્ચેનું કોલ્ડ વોર દિવસે દિવસે વધુ વકરી રહ્યુ છે. 26 જાન્યુઆરીના રોજ રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે લેઉવા પાટીદાર સમાજની 511 દિકરીઓના સમૂહલગ્ન યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આ સમૂહલગ્નોત્સવના આયોજક જયેશ રાદડિયા વિરોધીઓ પર તૂટી પડ્યા હતા. જયેશ રાદડિયાએ કોઇ પણ વ્યક્તિનું નામ લીધા વિના એવી સટાસટી બોલાવી હતી કે સ્ટેજ પર બેઠેલા પણ સૌ કોઇ સ્તબ્ધ થઇ ગયા હતા. જયેશ રાદડિયાના આ નિવેદનને વખોડી નરેશ પટેલનું સમર્થન કરતી પોસ્ટ પરશોત્તમ પીપળિયાએ કરી હતી. હવે નરેશ પટેલનું સમર્થન કરવા બદલ તેમને ધમકીઓ મળી રહી છે. પીપિળિયાને ફોન પર માફી માગવા માટે દબાણ થઈ રહ્યુ છે. ધમકી મુદ્દે પીપળિયાએ નિવેદન આપ્યુ છે કે હું આવા લોકોની ધમકીથી નાસીપાસ થવાનો નથી. મારા નિવેદન બદલ હું માફી માગુ એવુ દબાણ પણ કરવામાં આવ્યુ.જ્યારે તમે કોઈ અવાજ ઉઠાવો ત્યારે આવા તત્વોની ગેંગ તમારો અવાજ દબાવવાની કોશિક કરે તે સ્વાભાવિક છે
પીપળિયાએ શું કરી હતી પોસ્ટ?
પરસોત્તમ પીપળીયાએ પોસ્ટ મુકી સવાલ ઉઠાવ્યો હતો કે રાદડિયા અમરેલી મામલે એકપણ શબ્દ કેમ ન બોલ્યા ? પીપળિયાએ પોસ્ટમાં લખ્યું હતુ કે સત્તાનો મદ રાજા રાવણને પણ નથી રહ્યો તે ધ્યાને રાખીને હાકલા પડકારા કરવા જોઇએ. પીપળિયાની રાદડિયા સામેની આ પોસ્ટનો વિરોધ થઈ રહ્યો છે.
સમૂહ લગ્નોત્સવમાં શું બોલ્યા હતા જયેશ રાદડિયા?
“ટપોરી ગેંગ હવનમાં હાડકા નાખે છે.” લાખોની સંખ્યામાં લેઉવા પાટીદાર સમાજની જનમેદની વચ્ચે જયેશ રાદડિયાએ કહ્યું હતું કે આપણા સમાજની બે પાંચ ટકા ટપોરીઓની ગેંગ જે સારા કામમાં હવનમાં હાડકા નાખે છે, મને અને રાદડિયા પરિવાર વિશે સોશિયલ મિડીયામાં ખરાબ કોમેન્ટો લખે છે સમાજે આવા લોકોને ઓળખવાની જરૂર છે.
“મારે લેઉવા પટેલનું નેતા નથી થવું !” જયેશ રાદડિયાએ આક્રમક શૈલીમાં કહ્યું હતું કે મારે લેઉવા પટેલનું નેતા આજે પણ નથી થવું અને કાલે પણ નથી થવું પરંતુ મારી પાસે સમાજ આવે તો તમને વાંધો શું છે? આજે આ સારૂ કામ કર્યું જેથી કેટલાકના પેટમાં તેલ રેડાશે અને કાલથી મને રાજકીય રીતે બદનામ કરવાની શરુઆત કરી દેશે.
રાજકીય વિશ્લેષક જગદિશ મહેતાએ સમગ્ર વિવાદ પર શું કહ્યુ?
આ તમામ ઘટનાક્રમ અંગે રાજકીય વિશ્લેષક જગદિશ મહેતાએ જણાવ્યુ કે હવે આ સમગ્ર વિવાદ રાજકારણના બદલે સમાજકારણ પર જતો રહ્યો છે અને વિવાદનું મૂળ પણ એ જ છે. સમાજનો નેતા કોણ તે માટેની અંદરોઅંદરની લડાઈ જોવા મળી રહી છે. અત્યાર સુધી આપણે જોયુ કે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સર્વમાન્ય નેતા હતા. પરંતુ સમાજમાં પણ હવે ઘણા તડા પડી ગયા છે. જેમા બે જૂથ જોવા મળી રહ્યા છે એક રાદડિયા જૂથ અને અને બીજુ નરેશ પટેલ જૂથ. નરેશ પટેલ સમાજના નેતા બની રહેવા માગે છે અને જયેશ રાદડિયા વિવિધ સામાજિક પ્રવૃતિઓ દ્વારા નરેશ પટેલની હરીફાઈમાં ઉભરી રહ્યા છે. ભાજપના ધારાસભ્ય હોવા ઉપરાંત જિલ્લા સહકારી સંસ્થાથી માંડી સૌરાષ્ટ્રભરના સહકારી ક્ષેત્રમાં તેમનો દબદબો છે. હાલ પરિસ્થિતિ એવી બની છે કે સમાજના જ બે જૂથ પડી ગયા છે જેમા મોટાભાગના લોકો નવા ઉભરી રહેલા તેજ તર્રાર રાદડિયાનું સમર્થન કરી રહ્યા છે. અમરેલીમાં પાટીદાર યુવતી પાયલ ગોટીનું ખોટી રીતે સરઘસ કાઢવા મામલે રાદડિયાને જ્યારે પૂછવામાં આવ્યુ ત્યારે તેમણે જણાવ્યુ હતુ કે હું માત્ર એક સમાજનો નેતા નથી પરંતુ સમગ્ર પંથકના અઢારેય વરણનો નેતા છું અને રાજનેતા પહેલા છુ, એ પછી સમાજનો નેતા છુ.
Input Credit- Ronak Majithiya- Rajkot