20 માર્ચના મહત્વના સમાચાર : IPS રવિન્દ્ર પટેલના ઘરે સેબીના દરોડા, શેરબજાર કોમોડિટીમાં નાણાંની મોટી હેરફેરની આશંકા
આજે 20 માર્ચને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 20 માર્ચને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
પશ્ચિમ કચ્છમાં વાતાવરણ પલટાયું, નખત્રાણાના કેટલાક વિસ્તારમાં વરસ્યા વરસાદી ઝાપટા
પશ્ચિમ કચ્છમાં વાતાવરણ પલટાયું છે. નખત્રાણાના પાવરપટ્ટી વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસ્યા હોવાની વિગતો સામે આવી છે. કચ્છના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. ભુજમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. નખત્રાણાના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.
-
ગુજરાતી ફિલ્મના કલાકાર સની ઉર્ફે સુનિલ સોનારાને જાનથી મારી નાખવાની ધમકી
ગુજરાતી ફિલ્મના કલાકાર સની ઉર્ફે સુનિલ સોનારાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. નડિયાદના જલાશ્રય રિસોર્ટના માલિક મયંક શર્માએ ધમકી આપતા એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મયંક શર્મા એ રિસોર્ટ વેચાય તો કમિશન આપવાની બાહેધરી આપી હતી. આણંદના વ્યક્તિ પાસે રિસોર્ટનો સોદો થયા બાદ, કમિશનની રકમ માંગતા મયંક શર્માએ ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. રૂ. 1 કરોડથી વધુના કમિશન મામલે ડખો પડતા મયંક અને સની ઉર્ફે સુનિલની મિત્રતા શત્રુતામાં ફેરવાઈ જવા પામી હતી. નડિયાદ ટાઉન પોલીસ મથક પાસે જ બંને વચ્ચે અપશબ્દની બોલાચાલી થઈ હતી. સમગ્ર મામલે સની સોનારાએ નડિયાદ ટાઉન પોલીસ મથકે એટ્રોસિટીની ફરિયાદ આપતા SC /ST સેલના DYSP એ તપાસ આરંભી છે.
-
-
IPS રવિન્દ્ર પટેલના ઘરે સેબીના દરોડા, શેરબજાર કોમોડિટીમાં નાણાંની મોટી હેરફેરની આશંકા
IPS રવિન્દ્ર પટેલના ઘરે કેન્દ્રીય એજન્સી સેબીએ દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) ની એક ટીમ દ્વારા, ખેડબ્રહ્માના રોધરા ગામે વહેલી સવારથી કાર્યવાહી શરૂ કરાઈ હતી. ખેડબ્રહ્માના ગલોડીયા ગામે પણ તપાસ કાર્યવાહી હાથ ધરાઈ છે. ગલોડીયા ગામમા રહેતા IPS રવિન્દ્ર પટેલના સાળાની પૂછપરછ પણ કરવામાં આવી છે. નાણાકીય લેવડદેવડ અને મિલકત સહિતની બાબતે પૂછપરછ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. IPS રવિન્દ્ર પટેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં SP તરીકે ફરજ બજાવે છે. IPS રવિન્દ્ર પટેલના પિતા ડી. એન. પટેલ IG કક્ષાના નિવૃત IPS અધિકારી હતા. SEBI ટીમ દ્વારા ગાંધીનગરના ઘર પર કાર્યવાહી કરવામાં આવી છે. શેર બજાર કોમોડિટીમાં નાણાંની મોટી હેરફેર લઈ ને કાર્યવાહી કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે.
-
સુરતના ઉધના ચીકુવાડી રો હાઉસ SMC એ કર્યા સીલ, 70 પરિવાર આવી ગયા રોડ પર
સુરતના ઉધના ચીકુવાડી રો હાઉસમાં જર્જરીત એપાર્ટમેન્ટ મનપા દ્વારા સીલ કરાયા છે. મકાન સીલ કરી દેવામાં આવતા 70 જેટલા મકાનોના પરિવાર રોડ પર આવ્યા છે. બિલ્ડીંગ જર્જરીત હોવા છતાં લોકો પરિવાર સાથે તેમા રહેતા હતા. મહાનગરપાલિકાએ અગાઉ બિલ્ડીંગ ખાલી કરવા નોટિસ આપી હતી. નોટિસ આપવા છતાં બિલ્ડીંગ ખાલી કરવાના બદલે બિલ્ડીંગનું રિનોવેશન કરવામાં આવી રહ્યું હતું. લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને, મનપાએ 70 જેટલા મકાનોની સાથે 30 દુકાનો સીલ કરી દીધી છે.
-
ભરૂચના અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની સીમમાંથી નર કંકાલ મળ્યું
ભરૂચના અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની સીમમાંથી નર કંકાલ મળી આવ્યું છે. ઘટનાની જાણ થતા જ, ઉચ્ચ પોલીસ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા. શેરડી કાપતા પહેલા પાક સળગાવવાની પ્રક્રિયાના કારણે ખેતરમાં પડેલો મૃતદેહ સળગી ગયો હોવાનું અનુમાન ઉચ્ચ પોલીસ અધિકારીઓ સેવી રહ્યા છે. ફોરેન્સિક એક્સપર્ટની મદદથી મૃતકની ઓળખ અને મોતનું સાચુ કારણ જાણવા પ્રયાસ કરાશે.
-
-
ખેડૂતોને જમીન સંપાદનનું વળતર ના આપવા બદલ IAS અધિકારી અમિત અરોરાની ખુરશી, કોમ્પ્યુટર, CPU જપ્ત કરવા કોર્ટનો આદેશ
ગુજરાતના IAS અધિકારી અમિત અરોરા સામે વડોદરા કોર્ટે મોટી કાર્યવાહી હાથ ધરી છે. સરદાર સરોવર પુનર્વસવાટ એજન્સીના કમિશ્નર અમિત અરોરાની ઓફિસની ખુરશી જપ્ત કરાઇ છે. ખેડુતોને જમીન સંપાદનનું વળતર ના ચુકવતા IAS અધિકારી અમિત અરોરાની ખુરશી જપ્ત કરાઈ છે. અમિત અરોરાની ખુરશીની સાથે કોમ્પ્યુટર અને સીપીયુ પણ જપ્ત કરાયા છે. વડોદરામાં સરકારનાં નર્મદા નિગમની મિલ્કત જપ્તીનો આદેશ કરાયો છે. વડોદરા સિવિલ કોર્ટની ટીમે નિગમની કચેરીનું ફર્નિચર જપ્ત કર્યું છે. ખેડૂતોને 30 કરોડનું વળતર ના ચુકવતા ડભોઇ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. નિગમની મિલકત જપ્ત કરી વળતર વસુલવા કોર્ટે હુકમ કર્યો છે. નર્મદા નિગમ કચેરીનું ફર્નિચર જપ્ત કરી વળતર ચુકવાશે. 35 વર્ષથી લડત લડતાં ખેડુતોને ન્યાય મળ્યાનો અહેસાસ થયો છે. સરદાર સરોવર નર્મદા નિગમની મિલ્કત જપ્તીનો કોર્ટનો આદેશ. ડભોઇ તાલુકાનાં ખેડુતોને જમીન સંપાદનનું વળતર નથી ચુકવાયું.
-
જૂનાગઢ: યુવતીના આપઘાત કેસમાં પિતા વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ
જૂનાગઢ: મધુરમ વિસ્તારમાં યુવતીના આપઘાતના કેસમાં યુવતીના પિતા વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. યુવતીના પિતા માનસિક-શારીરિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ છે. આપઘાત પહેલા યુવતીએ વીડિયો બનાવી પિતા પર આક્ષેપ કર્યા હતા. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે. 10 માર્ચે યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
-
અમદાવાદના શાહીબાગમાં 3 ગુનેગારોના ગેરકાયદે બાંધકામ પર પડ્યો તંત્રનો હથોડો
અમદાવાદના શાહીબાગમાં 3 ગુનેગારોના ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે. બૂટલેગર કિશોર લંગડાના પુત્ર દિલીપ રાઠોડની ગેરકાયદે હોટલ અને કેફે તંત્રે તોડી પાડી છે. શાહીબાગ નીલકંઠ મહાદેવ વિસ્તાર દ્વારકેશ કેફે અને હોટલ આગળ બે રૂમ ગેરકાદેસર બાંધ્યા હતા. બુટલેગર કિશોર લંગડા વિરુદ્ધ 8 થી વધુ પ્રોહીબિશન ગુના નોંધાઈ ચૂક્યા છે. માથાભારે ગુનેગાર જયેશ રાણાનું કુબેરપુરા ભીલવાસ વિસ્તારમાં ગેરકાયદે ઉભા કરેલા 9 શેડ તોડી પાડવામાં આવ્યા છે. માથાભારે શખ્સ દીપાજી ઠાકોર સિવિલ રોડ પર આવેલ બાંધકામ તોડી પાડ્યું છે. શાહીબાગ પોલીસ અને AMC સાથે મળી ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી કરવામાં આવી છે.
-
ભરૂચઃ અંકલેશ્વરના બાકરોલમાં મળ્યો માનવ કંકાલ
ભરૂચઃ અંકલેશ્વરના બાકરોલમાં માનવ કંકાલ મળ્યો છે. ગામની સીમમાં ખેતરમાંથી માનવ કંકાલ મળી આવ્યો છે. શેરડી કાપતી વખતે મજૂરોને કંકાલ મળતા ખળભળાટ મચ્યો છે. ખેડૂતોએ પોલીસને જાણ કરી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
-
સુરતઃ દુષ્કર્મ આચરનાર વિધર્મી યુવકને 20 વર્ષની સજા
સુરતઃ દુષ્કર્મ આચરનાર વિધર્મી યુવકને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. સગીર વિદ્યાર્થિનીને પ્રમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. કોર્ટે 20 વર્ષની સખત કેદ અને 1 લાખ રુપિયાનો દંડ ફટકાર્યો છે. વિધર્મી યુવક સામે વેસુ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
-
પંજાબઃ શંભુ બોર્ડર પર ફરી બબાલ
પંજાબઃ શંભુ બોર્ડર પર ફરી બબાલ થઇ રહી છે. પંજાબ પોલીસે ખેડૂતોના શેડ પર બુલડોઝર ચલાવ્યું છે. ડલ્લેવાલ-પંઢેર સહિતના ખેડૂત નેતા પોલીસ કસ્ટડીમાં છે. 200 જેટલા ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે. પંજાબના કેટલાક વિસ્તારોમાં ઈન્ટરનેટ બંધ થયુ છે. આંદોલનકર્તા ખેડૂતોને પોલીસ હટાવી રહી છે. પોલીસે હરિયાણા-પંજાબની શંભુ બોર્ડર ખોલવાનું શરૂ કર્યું છે. અગાઉ ખેડૂતો-કેન્દ્ર સરકાર વચ્ચેની વાતચીત અનિર્ણિત રહી હતી.
-
કુલ 7 હજાર 612 ગુનેગારોની યાદી કરી તૈયાર
CMના આદેશ બાદ પોલીસ એક્શનમાં છે. પોલીસે રાજ્યભરના કુલ 7 હજાર 612 ગુનેગારોની યાદી તૈયાર કરી છે. અમદાવાદ, રાજકોટ, સુરતમાં બુટલેગરોની સંપત્તિ પર બુલડોઝર ફેરવવામાં આવશે.
-
વડોદરાઃ OP રોડ પર અકસ્માતમાં વૃદ્ધનું મોત
વડોદરાઃ OP રોડ પર અકસ્માતમાં વૃદ્ધનું મોત થયુ છે. બેફામ કારચાલકે મોપેડ ચાલક વૃદ્ધને અડફેટે લીધા હતા. સારવાર દરમ્યાન 70 વર્ષના વૃદ્ધનું મોત થયું છે. વૃદ્ધને અડફેટે લીધા બાદ આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. લોકોએ પીછો કરી કારચાલકને ઝડપ્યો હતો. પોલીસે કારચાલકને ઝડપી વધુ કાર્યવાહી શરૂ કરી છે.
-
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની આજે મહત્વપૂર્ણ બેઠક
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની આજે મહત્વપૂર્ણ બેઠક મળશે. અસામાજિક તત્વો સામે કાર્યવાહી અંગે ચર્ચા થશે. 100 કલાક બાદ પોલીસના એક્શન પ્લાનની બેઠકમાં ચર્ચા થશે. રાજ્યના વિવિધ જિલ્લાની લૉ એન્ડ ઓર્ડરની પરિસ્થિતિને લઈને ચર્ચા થશે. ગોધરામાં આયોજિત ક્રાઈમ કોન્ફરન્સમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા થશે. રાજ્યના તમામ IG, CP, SP બેઠકમાં હાજર રહેશે.
-
ચહલ-ધનશ્રીના છૂટાછેડા કેસ પર બોમ્બે હાઈકોર્ટ આજે પોતાનો ચુકાદો આપશે
બોમ્બે હાઈકોર્ટે ફેમિલી કોર્ટને યુઝવેન્દ્ર ચહલ અને તેમની પત્ની ધનશ્રી વર્માની છૂટાછેડા અરજી પર આજે નિર્ણય લેવાનો આદેશ આપ્યો હતો. બાર એન્ડ બેન્ચ વેબસાઇટ અનુસાર, બોમ્બે હાઈકોર્ટે આ કેસમાં 6 મહિનાનો કૂલિંગ ઓફ પીરિયડ પણ માફ કરી દીધો છે. તમને જણાવી દઈએ કે બંને કપલ ઘણા સમયથી અલગ રહે છે. ચહલ અને ધનશ્રી વર્માએ આ વર્ષે 5 ફેબ્રુઆરીએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. છૂટાછેડા પરસ્પર સંમતિથી થયા હોવાથી તેમણે કૂલિંગ ઓફ પિરિયડ માફ કરવાની માંગ કરતી અરજી દાખલ કરી હતી.
-
વલસાડ: નશીલા પદાર્થોની હેરાફેરીનો પર્દાફાશ
વલસાડ: નશીલા પદાર્થોની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. 10 કિલોથી વધુ ગાંજા સાથે 8 આરોપીની ધરપકડ થઇ છે. વાપીના ચણોદમાંથી પોલીસે ગાંજાનો જથ્થો ઝડપ્યો છે. મૂળ UPની મંગલા શ્રીવાસ્તવ નામની મહિલા રેકેટ ચલાવતી હતી. મહિલાના ઘરમાંથી જ ગાંજાનો જથ્થો ઝડપાયો. મહિલાના 7 સાગરીતોની પણ પોલીસે ધરપકડ કરી છે. કુલ 1.87 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરાઈ છે.
Published On - Mar 20,2025 7:20 AM





