Crime Conference : અમદાવાદમાં ગુનાખોરી અને ડ્રગ્સ સામે કડક પગલાં, સુરક્ષા વધારવાના પ્રયાસો
અમદાવાદ શહેર પોલીસની આજે બુધવારે ક્રાઈમ કોન્ફરન્સ યોજાઇ. ક્રાઈમ કોન્ફરન્સમાં શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને તમામ પોલીસ ઇન્સ્પેક્ટરો, એસીપી, ડીસીપી અને જેસીપી સહિતના અધિકારીઓ સાથે કમિશનર જીએસ મલિક દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ના ચાલે અને નાર્કોટિક્સની પ્રવૃત્તિઓને ડામવાને લઈને સૂચના આપવામાં આવી છે. લોકોના સહયોગથી વિવિધ જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવા માટેની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિકએ અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ જ સારી હોવાનું જણાવ્યું હતું. પોલીસના સહયોગથી શહેરમાં વિવિધ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી ચાલી રહી છે. ખાનગી સોસાયટીઓ, દુકાનો અને કોમર્શિયલ જગ્યા ઉપર 14,000થી વધારે સીસીટીવી કેમેરા અત્યાર સુધી લાગી ચૂક્યા છે.
અમદાવાદ શહેર મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર
સોસાયટીઓ, ફ્લેટો અને કોમર્શિયલ જગ્યા પર લાગેલા સીસીટીવી કેમેરાને પોલીસ કંટ્રોલરૂમ સાથે જોડાણ કરવા માટે નું આયોજન કરવામાં આવશે. 2025 નો એક સર્વે આવ્યો છે જેમાં અમદાવાદ શહેર મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર છે જેમાં પ્રથમ નંબરે સ્થાન મળ્યું છે જ્યારે બીજા નંબરે ઇંદોર અને ત્રીજા નંબરે મુંબઈ છે.
એટલું જ નહીં પોલીસ એકદમ ઇફેક્ટિવ રીતે કામગીરી કરે અને પીસીઆર નો રિસ્પોન્સ ટાઈમ સૌથી ઝડપી થાય તે અંગેની પણ સૂચના આપવામાં આવી છે અરજદારો અને પોલીસ અધિકારીઓ સાંભળે અને તેમની ન્યાયિક કાર્યવાહી કરે તેના માટે પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને ગુનેગારોમાં ડર ઉભો થાય અને ગુનેગારો પોલીસનો ડર રહે તેવી રીતે કામગીરીની સૂચના આપી હતી.
મેડિકલ ચેકઅપ કરાવવા અંગેનો નિયમ
મહત્વનું છે કે તાજેતરમાં જ કેટલાક પોલીસ અધિકારીઓના હાર્ટ એટેક થી મૃત્યુ થયા છે. જેને લઈને પોલીસ કમિશનરે 40 વર્ષથી ઉપરના જે પોલીસ અધિકારીઓ છે તેમનું મેડિકલ ચેકઅપ કરાવવા અંગેનો નિયમ હોવાનું કહ્યું હતું..અને જે મુજબ મેડિકલ તપાસ કરાવવામાં આવે છે પરંતુ પોલીસ અધિકારીઓની ફિઝિકલ પ્રવૃત્તિ ઓછી થઈ ગઈ છે.
50 ટકાથી ઓછા લોકો પરેડમાં ભૂખ્યા પેટે આવ્યા
મોબાઇલમાં અને સોશિયલ મીડિયામાં વધારે કાર્યરત હોય છે. જેથી અધિકારીઓને ફિઝિકલ કસરત કરવા માટે અને પરેડમાં હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે..ખાસ કરીને તાજેતરમાં જ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જે પરેડ યોજવામાં આવી હતી તેમાં મારા ધ્યાને આવ્યું હતું કે 50 ટકાથી ઓછા લોકો પરેડમાં ભૂખ્યા પેટે આવ્યા હતા. જ્યારે પરેડમાં જવાનું હોય ત્યારે ભૂખ્યા પેટે જવું જોઈએ નહીં ચા નાસ્તો જેમાં બિસ્કીટ અને હળવો નાસ્તો કરે તેવી સૂચના આપવામાં આવી છે.
એટલું જ નહીં મોટાભાગના પોલીસ કર્મીઓ પોતાનું વજન ઉતારવાના નામે ભૂખ્યા પેટે આવતા હોય છે જેથી જ્યારે પણ કોઈ પરેડમાં જાય તો ભૂખ્યા પેટે જવુ નહિ તે કડક સૂચના આપવામાં આવી છે. નોંધનીય છે કે જી. એસ.મલિકે પોલીસ કમિશનર તરીકે આવ્યા બાદ ચોથી ક્રાઈમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.