Ahmedabad : ખેડૂત ખેતર છોડી દે અને વિદ્યાર્થી પુસ્તક છોડી દે તો વિદ્યા લુપ્ત થઈ જાય છે : આચાર્ય દેવવ્રત
ગુજરાત યુનિવર્સિટીના 71 મા દીક્ષાંત સમારોહમાં કુલાધિપતિ-રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે 51,279 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે તેમણે ગુજરાત યુનિવર્સિટીના સ્લોગન-'યોગઃ કર્મશુ કૌશલમ'ની વ્યાખ્યા કરતાં વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, જીવનમાં મળેલા કર્મને અત્યંત કુશળતા, નીપુણતા, નિષ્ઠા અને પૂરા સમર્પણ ભાવથી કરો.
ગુજરાત યુનિવર્સિટીના 71 મા દીક્ષાંત સમારોહમાં કુલાધિપતિ-રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે 51,279 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે તેમણે ગુજરાત યુનિવર્સિટીના સ્લોગન-‘યોગઃ કર્મશુ કૌશલમ’ની વ્યાખ્યા કરતાં વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, જીવનમાં મળેલા કર્મને અત્યંત કુશળતા, નીપુણતા, નિષ્ઠા અને પૂરા સમર્પણ ભાવથી કરો. જો કોઈ વ્યક્તિ આ પ્રકારે કામ કરે તો પછી પરિણામ આપવાની જવાબદારી ઈશ્વરની થઈ જાય છે. કામ કરનાર વ્યક્તિ નિશ્ચિંત થઈ જાય છે. વ્યક્તિએ આજીવન વિદ્યાર્થી બની રહેવું જોઈએ; એમ કહીને તેમણે કહ્યું કે, જો ખેડૂત ખેતર છોડી દે અને વિદ્યાર્થી પુસ્તક છોડી દે તો વિદ્યા લુપ્ત થઈ જાય છે. જે વ્યક્તિ જીવનભર શીખતો રહે તે સમાજ અને રાષ્ટ્ર માટે ‘મૂડી’ બની જાય છે.
જ્ઞાન રાષ્ટ્રની ઉન્નતિ અને પ્રગતિ માટે ઉપયોગી થાય તેવા સમર્પણ ભાવથી કામ કરજો
વિદ્યાર્થીઓને સંબોધતાં આચાર્ય દેવવ્રતે કહ્યું કે, તમે મેળવેલી વિદ્યા માત્ર પોતાના ઉપયોગમાં ન રાખતાં તેમાં મધુરતા મેળવીને લોક કલ્યાણમાં વાપરજો. વાદળો જેમ વેરાન-તપ્ત ધરતી પર વરસીને તેને તૃપ્ત, શાંત અને હરિયાળી કરે છે, તેમ તમે મેળવેલું જ્ઞાન રાષ્ટ્રની ઉન્નતિ અને પ્રગતિ માટે ઉપયોગી થાય તેવા સમર્પણ ભાવથી કામ કરજો.
રાષ્ટ્રના ઉત્કર્ષ માટે નિર્વ્યસની અને ઉત્તમ જીવન જીવવા અનુરોધ કર્યો હતો
જે માતા-પિતા અને ગુરુજનોએ ઉન્નત કર્યા, શિક્ષિત કર્યા અને વિકસિત કર્યા એ માતા-પિતા અને ગુરુનું ભૂલથી પણ અપમાન નહીં કરવાની શીખ આપતાં કહ્યું હતું કે આપણે વિકસિત થઈ રહ્યા છીએ અને સાથોસાથ વૃદ્ધાશ્રમો પણ વધી રહ્યા છે. આ યોગ્ય નથી. માતા-પિતા અને ગુરુ પ્રત્યે હંમેશા સન્માન અને સમર્પણ ભાવ રાખો. તેમણે વિદ્યાર્થીઓને હંમેશા સત્યના માર્ગે, ધર્મના માર્ગે, લોકસેવાના માર્ગે ચાલીને પોતાના પરિવાર, સમાજ અને રાષ્ટ્રના ઉત્કર્ષ માટે નિર્વ્યસની અને ઉત્તમ જીવન જીવવા અનુરોધ કર્યો હતો.
ભારત દેશ વિજ્ઞાન, ટેકનોલોજી અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વૈશ્વિક મૂલ્યોને પ્રસ્થાપિત કરી રહ્યો છે.
આ પદવીદાન પ્રસંગે ઉચ્ચ અને તબીબી શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વિદ્યાશ્રમ પછી સામાજિક જીવનમાં પદાર્પણ વખતે વિદ્યાર્થીકાળમાં મેળવેલું જ્ઞાન અને વ્યવહાર કુશળતા સામાજિક જીવનમાં, અર્થઉપાર્જનમાં, ઘરસંસાર તથા જીવન નિર્વાહમાં મદદરૂપ બને છે. તેમણે દેશ અને રાજ્યની શિક્ષણ વ્યવસ્થા વિશે વધુમાં વાત કરતા જણાવ્યું હતું કે, દેશના પ્રાચીન શૈક્ષણિક વારસાનું આક્રાંતાઓના રાજમાં પતન થયું હતું પરંતુ આજે પીએમ મોદીજી દૂરંદેશી નેતૃત્વમાં આપણે નવા યુગમાં આપણો શૈક્ષણિક વારસો પુનઃસ્થાપિત કરી રહ્યા છીએ. આજે ભારત દેશ વિજ્ઞાન, ટેકનોલોજી અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વૈશ્વિક મૂલ્યોને પ્રસ્થાપિત કરી રહ્યો છે.
રાજ્યમાં શરૂ કરવામાં આવેલી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલીસી આ ક્ષેત્રે જ એક પહેલ છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં સેમિકન્ડક્ટર મેકિંગ ક્ષેત્રે 1,60,000 કરોડનું રોકાણ આવી રહ્યું છે. આવનારા 100 દિવસોમાં વધુ એક લાખ કરોડનું નવું રોકાણ આવનાર છે. આ ઉપરાંત, ડીજીટલ પેમેન્ટ ક્ષેત્રે પણ આજે ભારત ચીન કરતા આગળ નીકળી ગયું છે, જે દર્શાવે છે કે દેશમાં અને ગુજરાતમાં રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ છે. દેશનું યુવા ધન આજે વિકાસની નવી રાહ પર પ્રગતિ કરી રહ્યું છે અને આ પ્રગતિમાં ગુજરાત પહેલેથી જ સહભાગી બની રહ્યું છે. રાજ્યમાં શરૂ કરવામાં આવેલી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલીસી આ ક્ષેત્રે જ એક પહેલ છે એમ તેમણે ઉમેર્યું હતું.