ઓમર અબ્દુલ્લા નેશનલ કોન્ફરન્સ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા, સરકાર રચવાનો દાવો રજૂ કરશે
નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યોની આજે ગુરુવારે મળેલ બેઠકમાં પાર્ટીના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાને વિધાનસભા પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. શુક્રવારે, તેના સહયોગી કોંગ્રેસ અને સીપીઆઈ (એમ) સાથે નેશનલ કોન્ફરન્સની બેઠક થશે. ત્યાર બાદ તેઓ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.
જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી મેળવ્યા બાદ, નેશનલ કોન્ફરન્સે, આજે ગુરુવારે સર્વસંમતિથી ઓમર અબ્દુલ્લાને વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટ્યા હતા. ઓમર અબ્દુલ્લા ટૂંક સમયમાં રાજભવન જશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. 95 સભ્ય સંખ્યા ધરાવતી જમ્મુ કાશ્મીર વિધાનસભામાં નેશનલ કોન્ફરન્સે 42 બેઠકો જીતી છે અને 4 અપક્ષ સભ્યોએ ટેકો જાહેર કર્યો છે. જ્યારે નેશનલ કોન્ફરન્સના સહયોગી પક્ષ એવા કોંગ્રેસે આ ચૂંટણીમાં છ બેઠકો જીતી છે, જ્યારે તેના અન્ય સહયોગી CPI(M)એ એક બેઠક જીતી છે. આમ નેશનલ કોન્ફરન્સને કુલ 53 ધારાસભ્યોનો ટેકો પ્રાપ્ત છે.
જો કે નેશનલ કોન્ફરન્સ પાસે વિધાનસભામાં બહુમતી છે, પરંતુ ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, તેઓ કોંગ્રેસના સમર્થન પત્રની રાહ જોઈ રહ્યા છે અને તે પછી તેઓ રાજભવન જઈને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.
ગુરુવારે નેશનલ કોન્ફરન્સ વિધાનસભા પક્ષની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ફારૂક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લા હાજર હતા. બેઠક બાદ ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે ગુરુવારે પાર્ટી ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ ધારાસભ્યોએ સર્વસંમતિથી ઓમર અબ્દુલ્લાને પોતાના નેતા તરીકે પસંદ કર્યા હતા.
શુક્રવારે સાથી પક્ષો સાથે બેઠક કરશે
ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે સરકારની રચનાની પ્રક્રિયાને આગળ વધારવા માટે શુક્રવારે પૂર્વ ચૂંટણી ગઠબંધન ભાગીદારોની બેઠક થશે. તે બેઠક બાદ સરકાર રચવાનો દાવો રજૂ કરવામાં આવશે. અગાઉ, નેશનલ કોન્ફરન્સ (NC) ના તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ સવારે નવા-એ-સુબામાં પાર્ટીના મુખ્યાલયમાં તેમના નેતાની પસંદગી કરવા માટે બેઠક યોજી હતી.
કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડ્યા
બેઠક બાદ જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, તેમને પાર્ટી વિધાયક દળની બેઠકમાં વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ ધારાસભ્યોનો આભાર વ્યક્ત કરે છે. કોંગ્રેસ તરફથી સમર્થનનો પત્ર મેળવવા માટે વાતચીત ચાલી રહી છે. 4 અપક્ષ ધારાસભ્યોએ પણ તેમની પાર્ટીને સમર્થન જાહેર કર્યું છે. કોંગ્રેસ તરફથી પત્ર મળ્યા બાદ તેઓ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન નેશનલ કોન્ફરન્સે કલમ 370 હટાવવા અને જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવાનો વિરોધ કર્યો હતો. આ અંગે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.