એજ્યુકેશન
શિક્ષણ એટલે જ્ઞાન, સંસ્કાર, આચરણ, વિદ્યા વગેરેને મેળવવાની પ્રક્રિયાને શિક્ષણથી ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયામાં ઘણી વસ્તુઓ શીખવવામાં આવે છે. આમાં સ્કીલ ડેવલોપમેન્ટ, વેપાર અથવા વ્યવસાયોના વિકાસ અને નૈતિક વિકાસ અને ઘણા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો જે વસ્તુઓ નથી આવડતી અને તેના વિશે ડિટેલમાં વધારે માહિતી મેળવવામાં આવે અને શીખવામાં આવે તેને શિક્ષણ કહેવામાં આવે છે.
શિક્ષણ એ સમાજ દ્વારા એક પેઢીથી નીચેની પેઢીમાં તેના જ્ઞાનને સ્થાનાંતરિત કરવાનો પ્રયાસ છે. આ દૃષ્ટિકોણથી શિક્ષણ એક સંસ્થા તરીકે કાર્ય કરે છે. જે વ્યક્તિને સમાજ સાથે જોડવામાં અને સમાજની સંસ્કૃતિની સાતત્ય જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બાળક શિક્ષણથી સમાજના મૂળભૂત નિયમો, પ્રણાલીઓ, ધોરણો અને મૂલ્યોને શીખે છે અને ભણે છે. બાળક ત્યારે જ સમાજ સાથે જોડાઈ શકે છે જ્યારે તે ચોક્કસ સમાજના ઈતિહાસથી વાકેફ હોય. આ બધું તેને શાળામાં શીખવવામાં આવે છે. ઘણું શિક્ષણ પરિવાર પાસેથી પણ સંસ્કારના ભાગરુપે મળતું હોય છે.
માણસ દરેક ક્ષણે નવા-નવા અનુભવો મેળવે છે. આ અનુભવો તે બીજાને કહે છે અને નવી વસ્તુઓ શીખવે છે. જે તેના રોજિંદા વર્તનને અસર કરે છે. સાદી ભાષામાં કહીએ તો અંધકાર તરફથી અંજવાળામાં લઈ જતા જ્ઞાનને શિક્ષણ કહેવામાં આવે છે. જેનાથી વ્યક્તિનું જીવન બદલાય છે અને જીવન જીવવાની દિશા મળે છે.