BLOની કામગીરીના ભારણથી કંટાળી શિક્ષકની આત્મહત્યા, પિતાની વેદના-“મારો તારલો તો ખરી ગયોને..” મામલતદાર કલેક્ટર દબાણ કરતા હોવાનો સસરાનો આરોપ
ગીરસોમનાથના કોડીનારના દેવળી ગામે BLOની કામગીરીના ભારણથી કંટાળી જઈ શિક્ષકે આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પિતાએ પુત્રની આત્મહત્યા મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યુ "મારે શું કહેવુ આમાં, મારો જે તારલો હતો એ તો ખરી ગયોને..." તો મૃતક શિક્ષકના સસરાએ મામલતદાર અને કલેક્ટર BLOની કામગીરીને લઈને દબાણ કરતા હોવાનો આરોપ લગાવ્યો છે.
ગીર સોમનાથના કોડીનારના દેવળી ગામના શિક્ષકે BLOની કામગીરીનુ ભારણ સહન થતા આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ આત્મહત્યા રાજ્યભરના શિક્ષક આલમમાં ઘેરા પડઘા પડ્યા છે અને રાજ્યભરના શિક્ષકોમાં રોષ વ્યાપ્યો છે. હાલ મૃત શિક્ષકના પરિવારે મૃતદેહ સ્વીકારવાની ના પાડી છે. મૃતક શિક્ષકના સસરાએ મામલતદાર અને કલેક્ટર દ્વારા દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે. મૃતકની પત્ની માટે નોકરી અને યોગ્ય વળતરની માગ કરવામાં આવી છે. SIRની કામગીરીના ભારણથી યુવાન શિક્ષકે જીવન ટૂંકાવ્યુ છે. હાલ મૃતક શિક્ષકોના પરિજનો સરકારી હોસ્પિટલના PM રૂમ બહાર ધરણા પર બેઠા છે અને મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. જ્યાં સુધી જવાદારો સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે.
આ તરફ પૂર્વ સાંસદ દિનુ સોલંકીએ સરકારી હોસ્પિટલ પહોંચી પરિવારજનોને સાંત્વના આપી હતી અને ધીરજ રાખવા અપીલ કરી હતી. તેમણે પરિવારની માગને સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપી છે. મૂળ દેવળીના અરવિંદ વાઢેર નામના યુવાન શિક્ષકે SIRની કામગીરીના ભારણને લીધે જીવન ટૂંકાવી દીધું છે. પરિવારજનોનો આક્ષેપ છે કે BLOની કામગીરી પહેલાં તો બધું બરાબર જ ચાલતું હતું. પરંતુ, જ્યારથી આ કામગીરી આવી છે ત્યારથી અરવિંદ વાઢેર તણાવમાં હતા. રાત્રે ઉજાગરા કરવા પડતાં હતા અને સમયસર તે ભોજન પણ ન હતા લેતા. કામના ભારણને જોઈ પિતાએ પણ પૂછ્યું હતું કે તે કંઈ મદદ કરે. પરંતુ, મૃતકે ના પાડી હતી. અને તે બાદ આજે સવારે એકાએક જ મોતને વ્હાલું કરી લીધુ હતુ.
પત્નીને ઉદ્દેશી લખેલી સુસાઈડ નોટમાં અરવિંદ વાઢેરે સ્પષ્ટ લખ્યું છે કે તે હવે કોઈ કાળે SIRની કામગીરી કરી શકવાના સ્થિતિમાં નથી અને તે ઘણાં દિવસથી સતત થાક અને માનસિક તણાવ અનુભવે છે અને હવે તેમની પાસે આ અંતિમ પગલું ભરવા સિવાય કોઈ રસ્તો નથી.

ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘે મૃતકના પરિવારને એક કરોડ આપવાની માગ કરી છે. શૈક્ષણિક મહાસંઘનો આક્ષેપ છે કે અનેક શિક્ષકો આ જ રીતે માનસિક તણાવનો સામનો કરી રહ્યા છે. ત્યારે જરૂરી છે કે શિક્ષકોને આ પ્રકારની કામગીરીથી મુક્ત કરવામાં આવે. BLOની અલગ કેડર બનાવવામાં આવે
એકતરફ BLOની કામગીરી શિક્ષકોને સોંપવા બાબતે પહેલેથી જ શિક્ષકો વિરોધ નોંધાવી રહ્યા છે. આ કામગીરીને કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યુ છે. મહિલા શિક્ષકોએ પણ રાત્રે 12-12 વાગ્યા સુધી આ કામગીરી કરવી પડે છે. આ કામગીરીમાં રોજેરોજ ટાર્ગેટ આપવામાં આવે છે. ઓનલાઈન કામગીરી કરવાનો આદેશ કરાયો છે પરંતુ વેબસાઈટ ધાંધિયાને કારણે શિક્ષકો ટાર્ગેટ પુરા કરી શક્તા નથી અને ટાર્ગેટ પુરા ન થાય તો શિક્ષકો સામે વોરંટ બજાવવાની ધમકી આપવામાં આવે છે. રોજેરોજ નિતનવા ટાર્ગેટ આપવામાં આવે છે, જેના કારણે શિક્ષકો સતત તણાવમાં રહે છે અને તેમની માનસિક સ્થિતિ બગડી રહી છે. આ સમગ્ર મામલે ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘે પણ BLOની કામગીરી કરતા તમામ શિક્ષકોને આજે કામનો બહિષ્કાર કરવા આહ્વાન કર્યુ છે. તેમણે જણાવ્યુ કે રાજ્ય ચૂંટણી પંચને મળીને જો યોગ્ય નિરાકરણ કરવામાં નહીં આવે તો આગળનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. ખાસ કરીને કોઈ શિક્ષકોએ નોટિસ કે અન્ય કાર્યવાહીથી ડરવાની જરૂર નથી કોઈ શિક્ષક આત્મઘાતી વિચારો ન કરે, 2 લાખ શિક્ષકોનો સંઘ તમારી સાથે છે.