ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ચાર ટેસ્ટ મેચોની શ્રેણી ની ત્રીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રમાઇ રહેલી ટેસ્ટ મેચમાં ઇંગ્લેંડ એ પ્રથમ દિવસે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરી હતી. જોકે ઇંગ્લેંડના કેપ્ટન જો રુટ (Joe Root) ને તેમનો આ નિર્ણય ભારે પડ્યો હતો. ઇંગ્લેંડની ટીમ પુરી 50 ઓવર પણ મેદાન પર ટકી શકી નહોતી. 48.4 ઓવરમા જ ઇંગ્લેંડ 112 રન કરીને ઓલ આઉટ થયુ હતુ. જેક ક્રોલ એ ઇંગ્લેંડ તરફ થી સૌથી વધુ 53 રનની રમત રમી હતી. ભારત તરફ થી અક્ષર પટેલે (Akshar Patel) 6 વિકેટ ઝડપી હતી. ઇંગ્લીશ બેટ્સમેનોએ શર્મજનક પ્રદર્શન પર વિરેન્દ્ર સહેવાગ (Virender Sehwag) એ રાહુલ ગાંધી (Rahul Gandhi) નો એક વિડીયો ટ્રોલ કરીને ઇંગ્લેંડની ટીમને સોશિયલ મિડીયામાં ટ્રોલ કરી દીધી હતી.
સહવાગે એક વિડીયો શેર કર્યો હતો, જેમાં રાહુલ ગાંધી બોલી રહ્યા છે કે, ખતમ, બાય-બાય, ટાટા, ગુડબાય, ગયા.. આ વિડીયોને શેર કરતા સહેવાગે લખ્યુ હતુ કે, ઇંગ્લેંડના બેટ્સમેન વિકેટ પર આવ્યા પછી. મેચની વાત કરવામાં આવે તો અમદાવાદ માં રમાઇ રહેલા આ ડે નાઇટ ટેસ્ટના પહેલા દિવસની રમતમાં ટીમ ઇન્ડીયાનો દબદબો રહ્યો હતો. ઇંગ્લેંડની ટીમને 112 રન પર ઓલઆઉટ કરી દઇને, ભારતે પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં 99 રન 3 વિકેટ ગુમાવીને બનાવ્યા હતા. રોહિત શર્મા 57 રન બનાવીને રમતમાં હતા.
ઇંગ્લેંડની વાત કરવામાં આવે તો 6 બેટ્સમેન બેકી સંખ્યા સુધી પણ પહોંચી શક્યા નહોતા. જેમાંથી બે તો ખાતુ ખોલાવ્યા વિના જ પરત ફરી ગયા હતા. ઓપનર ક્રોલ ના સિવાય એક પણ બેટ્સમેન પિચ પર ટકી શક્યો નહોતો. જ્યારે બીજા બેસ્ટ સ્કોરર ટીમના કેપ્ટન જો રુટ રહ્યા હતા, તેણ 17 રન ની રમત રમી હતી. ભારત તરફ થી આર અશ્વિને 3 વિકેટ અને ઇશાંત શર્માએ એક વિકેટ ઝડપી હતી.