Year Ender 2025 : આ વર્ષે ગુજરાતના રાજકરણમાં થયા મોટા ફેરફાર, અનેક રાજકીય ઘટનાઓ ઘટી
ગુજરાતમાં વર્ષ 2025માં રાજકીય ક્ષેત્રમાં પણ વિવિધ બદલાવ થયા છે. કેટલા રાજનેતાઓએ રાજકીય પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. તો ગુજરાતને ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા છે. તો ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી મંડળનું પણ પુનર્ગઠન કરવામાં આવ્યું છે.

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે 23 જૂન 2025ના રોજ રાજીનામું આપ્યું હતું. પેટાચૂંટણીનું પરિણામનુ ચિત્ર સ્પષ્ટ થયા બાદ શક્તિસિંહ ગોહિલે બહુ ઝડપથી રાજીનામાનો નિર્ણય લીધો અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેને તેમનું રાજીનામુ મોકલી આપ્યુ હતુ. કડી અને વિસાવદર બેઠકની પેટા ચૂંટણીમાં કંગાળ પ્રદર્શન બાદ હારની જવાબદારી સ્વીકારતા શક્તિસિંહે પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યુ છે. બંને બેઠકો પર કારમી હાર બાદ શક્તિ સિંહે તેમના એક્સ હેન્ડલ પર પોસ્ટ કરી રાજીનામા અંગેની જાણકારી આપી હતી.

ગુજરાતના વિધાનસભા બેઠક કડી અને વિસાવદરની પેટાચૂંટણી યોજાવવામાં આવી હતી.આ બંન્ને બેઠકોની ચૂંટણી 19 જૂનના રોજ યોજાઈ હતી. જેની મતગણતરી 23 જૂનના દિવસે કરવામાં આવી હતી. વિસાવદર વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલીયાની ભવ્ય જીત થઈ હતી. જ્યારે ભાજપને 58,325 વોટ મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના માત્ર 5,491 જ મત મળ્યા હતા. ત્યારે આ બેઠક પર ગોપાલ ઈટાલીયાની 17,581 મતે જીત થઈ હતી.

સી.આર. પાટીલના ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થતા 4 ઓકટોબર 2025ના રોજ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માએ પદભાર સંભાળ્યો.ગાંધીનગર કમલમ ખાતે જગદીશ વિશ્વકર્માએ પદભાર સંભાળ્યો છે. સર્વાનુમતે જગદીશ વિશ્વકર્માને પાર્ટી પ્રમુખ જાહેર કરવામાં આવ્યા હતા. 45 વર્ષના ઇતિહાસમાં ગુજરાતને ત્રીજા OBC પ્રદેશ અધ્યક્ષ મળ્યા છે. શહેર ભાજપની ટીમ દ્વારા મધર ડેરીથી કમલમ સુધી શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યુ. જેમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો જોડાયા. અમદાવાદની નિકોલ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના તેમજ પ્રોટોકોલ પ્રધાન જગદીશ વિશ્વકર્મા હવે ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા છે.

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં મનરેગા યોજનામાં મોટા પાયે કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ કૌભાંડમાં 71 કરોડ રૂપિયાથી વધુની ગેરરીતિ થયેલી હોવાનો આરોપ છે. આ કૌભાંડમાં ગુજરાતના રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, કામો કર્યા વગર બિલ ઉપાડી લેવામાં આવ્યા હતા. આ કૌભાંડમાં 35 થી વધુ એજન્સીઓ સામેલ હોવાની આશંકા છે.

ગુજરાતમાં 17 ઓક્ટોબર 2025ના રોજ ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ કરવામાં આવી હતી. નવા મંત્રીમંડળના તમામ મંત્રીઓએ 17 ઓક્ટોબરના રોજ શપથ લીધા હતા. ભાજપની સરકારમાં આગામી 2 વર્ષ માટે નવું મંત્રીમંડળ રચવામાં આવ્યુ છે. હર્ષ સંઘવીને ગૃહપ્રધાનના પદ સાથે જ નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. ત્યારે નવા મંત્રી મંડળમાં પ્રફુલ પાનસેરિયા, કુંવરજી બાવળીયા, ઋષિકેશ પટેલ, પુરસોત્તમ સોલંકીએ રિપીટ થયા છે. તેમજ રીવાબાને શિક્ષણ વિભાગ સોંપવામાં આવ્યું છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
