પાસપોર્ટ ફોટામાં હસવાની મનાઈ કેમ હોય છે? આની પાછળનું સાચું કારણ તમને ખબર છે કે નહીં?
શું તમે ક્યારેય વિચાર્યું છે કે, પાસપોર્ટ સાઇઝ ફોટો પડાવતી વખતે કેમેરામેન આપણને હસવાની ના કેમ પાડે છે? પાસપોર્ટ ફોટામાં હસવાની મનાઈ પાછળ કોઈ વ્યક્તિગત કારણ નથી પરંતુ તેની પાછળ ઊંડું વિજ્ઞાન છુપાયેલું છે.

પાસપોર્ટ ફોટામાં હસવાની મનાઈ પાછળ કોઈ વ્યક્તિગત કારણ નથી પરંતુ તેની પાછળ ઊંડું વિજ્ઞાન છુપાયેલું છે. ફોરેન્સિક સાયન્સ ઇન્ટરનેશનલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, ચહેરાના હાવભાવ ઓળખની ચોકસાઈને અસર કરે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે, 'તટસ્થ ચહેરો' હસતા ચહેરા કરતાં ઓળખવો સરળ અને વધુ સચોટ છે.

પાસપોર્ટ ફોટામાં હસતા ન હોવાનું મુખ્ય કારણ બાયોમેટ્રિક ઓળખ છે. આ સિસ્ટમ તમારા ચહેરાને ફિક્સ્ડ પોઈન્ટ્સ એટલે કે નિશ્ચિત બિંદુઓના આધારે માપે છે. બીજું કે, જ્યારે તમે હસો છો, ત્યારે આ માપ બદલાઈ જાય છે. તમારા ગાલ ઉપર તરફ જાય છે, તમારી આંખો થોડી નાની થાય છે અને તમારું મોં પહોળું થાય છે. એક નાની સ્માઇલ પણ ચહેરાના પ્રમાણને એટલું બદલી શકે છે કે, મશીન એકવાર માટે મૂંઝવણમાં આવી જાય. બાયોમેટ્રિક સિસ્ટમને એક સ્થિર ચહેરાની જરૂર હોય છે, હાવભાવ વાળા ચહેરાની નહીં.

ફેશિયલ રેકગ્નિશન સોફ્ટવેરને તમારી ખુશી અથવા મિત્રતાથી કોઈ અર્થ નથી. આ સોફ્ટવેર માનવ ભાવનાઓને જોઈ શકતું નથી, તેને ફક્ત ‘નંબર’ અને ‘પેટર્ન’ દેખાય છે. તમારો ચહેરો મશીન માટે માત્ર એક ગાણિતિક પેટર્ન છે અને એવામાં જો તમે હસો છો, તો આ પેટર્ન બદલાઈ જાય છે. કમ્પ્યુટર વિઝન પર થયેલ રિસર્ચ દર્શાવે છે કે, ચહેરાના ભાવ બદલાતા મૅચિંગની ચોકસાઈ ઘટી શકે છે. એરપોર્ટ પર દરરોજ હજારો લોકોનું સ્કેનિંગ થાય છે, ત્યાં એક નાની ભૂલ પણ વિલંબનું કારણ બની શકે છે. શાંત ચહેરાથી ભૂલ અને ખોટા એલર્ટ થવાની શક્યતા ઓછા થાય છે.

બોર્ડર કન્ટ્રોલ ઓફિસર અને ઓટોમેટેડ સિસ્ટમ્સને સુચારૂ રીતે કામ કરવા માટે એકસરખા નિયમોની જરૂર હોય છે. જો હસવાની પરવાનગી આપવામાં આવે છે, તો દરેક વ્યક્તિની સ્માઇલ અલગ હશે, જેના કારણે વેરિફિકેશન ધીમું થઈ શકે છે. 'શાંત ચહેરા' સિસ્ટમને ઝડપી અને વિશ્વસનીય રાખે છે.

જો તમે પાસપોર્ટ માટે અરજી કરતી વખતે ફોટોમાં સ્માઇલ કરો છો, તો આનું પરિણામ એ છે કે તમારો ફોટો રિજેક્ટ થઈ જશે. જો તમારા દાંત દેખાતા હોય, તમારી આંખો નાની હોય અથવા તમારા ચહેરાના સ્નાયુઓ ખેંચાયેલા હોય, તો અધિકારી નવો ફોટો માંગી શકે છે. આના કારણે તમારા પાસપોર્ટને બનવામાં દિવસો અથવા અઠવાડિયાનો વિલંબ થઈ શકે છે. બીજું કે, ફોટા માટે ફરીથી પૈસા ખર્ચવા પડી શકે છે.

આ સમસ્યા ફક્ત એપ્લિકેશન પૂરતી મર્યાદિત નથી. જો તમારો ફોટો હસતો હોય, તો એરપોર્ટ પરના 'ઇ-ગેટ્સ' તમને ઓળખી શકશે નહીં. આનો અર્થ એ નથી કે, તમને એન્ટ્રી નહીં આપવામાં આવે પરંતુ તમારે મેન્યુઅલ ચેકિંગ અને પૂછપરછ માટે લાંબી લાઇનમાં રાહ જોવી પડી શકે છે.

પાસપોર્ટ ઘણા વર્ષો માટે બનાવવામાં આવે છે. સમયની સાથે સાથે ચહેરો પણ બદલાય છે. સરળ રીતે કહીએ તો, વજન ઓછું કે વધુ થાય છે, વાળ બદલાય છે અને ત્વચામાં ફેરફાર આવે છે. સ્માઇલ કરતો ચહેરો શાંત ચહેરાની તુલનામાં સમયની સાથે વધારે બદલાતો જોવા મળે છે. સ્માઇલ કરવાથી દાંત અને ચહેરાના સ્નાયુઓના ટોન પર અસર પડે છે. આથી, એક ન્યુટ્રલ ચહેરો લાંબા સમય સુધી તમારી સાચી ઓળખ જાળવવામાં મદદ કરે છે. વધુમાં એ સમજવું મહત્વપૂર્ણ છે કે, આ નિયમ ટેકનિકલ છે, વ્યક્તિગત નહીં.
Tips & Tricks: ખાતામાં પૈસા નથી ? ‘ઝીરો બેલેન્સ’ હોવા છતાં પણ સરળતાથી કરો ‘UPI’ પેમેન્ટ, આ સ્માર્ટ ટ્રિક વિશે તમને ખબર છે કે નહીં?
