Cloudburst : હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાથી 800 કરોડનું નુકસાન, જાણો વાદળ કેવી રીતે ફાટે છે?
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાના કારણે તબાહી મચી ગઈ છે. મંડી જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે, જ્યાં વાદળ ફાટવાના કારણે 4 લોકોના મોત થયા છે અને 16 લોકો ગુમ થયાના અહેવાલ છે. છેલ્લા બે અઠવાડિયામાં અહીં 800 કરોડ રૂપિયા સુધીનું નુકસાન થવાનો અંદાજ છે. તો આજે આપણે જાણીએ કે, વાદળો કેમ ફાટે છે

હાલમાં દેશના ઘણા રાજ્યોમાં ચોમાસુ ધમાલ મચાવી રહ્યું છે. તેની સૌથી વધુ અસર હિમાચલ પ્રદેશમાં જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં અહીં લગભગ 800 કરોડ રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે.

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલન થયું છે. ચારધામ યાત્રા સ્થગિત રાખવામાં આવી છે અને ઘણા રસ્તાઓ બંધ છે. અનેક વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.

દર વર્ષે, ચોમાસાની ઋતુ આવતાની સાથે જ અનેક પ્રકારની આફતો પણ આવે છે. જેમાં પૂર, ભૂસ્ખલન અને વાદળ ફાટવા જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે. આ બધી આફતોમાં ઘણું જાનહાનિ થાય છે.

પૂર લાખો ઘરોને ડૂબાડી દે છે. ખેતી અને પ્રાણીઓને પણ ઘણું નુકસાન થાય છે. ભારે વરસાદને કારણે, પહાડી રાજ્યોમાં ભૂસ્ખલનની ઘટનાઓ સામાન્ય બની જાય છે. આનાથી ટ્રાફિક પર અસર પડે છે. ઘણા લોકો ભૂસ્ખલનનો ભોગ પણ બને છે. આ બધી ઘટનાઓમાં, વાદળ ફાટવું પણ એક મોટી આફત છે.

ક્લાઉડબર્સ્ટ (વાદળ ફાટવું) શું છે? થોડા સમયમાં એક જગ્યાએ ખુબ ભારે વરસાદ પડે છે. તો આ ઘટનાને ક્લાઉડ બર્સ્ટ કહેવામાં આવે છે. વૈજ્ઞાનિક ભાષામાં તેને ‘ક્લાઉડબર્સ્ટ’ અથવા ‘ફ્લેશ ફ્લડ’ પણ કહેવામાં આવે છે જેને આપણે વાદળ ફાટવું કહીએ છીએ.

ક્લાઉડબર્સ્ટ ત્યારે થાય છે, જ્યારે મોટી માત્રામાં ભેજવાળા વાદળો એક જગ્યાએ ભેગા થાય છે. જેના કારણે ત્યાં હાજર પાણીના ટીપા એક સાથે ભળી જાય છે. ટીપાંનું વજન એટલું બને છે કે વાદળની ઘનતા વધી જાય છે. ગીચતામાં વધારો થવાને કારણે અચાનક ભારે વરસાદ શરૂ થાય છે.

મોટાભાગે, પહાડી રાજ્યોમાં ચોમાસાની ઋતુ દરમિયાન વાદળ ફાટવાની ઘટનાઓ બને છે.વાદળ ફાટવાની ઘટના એ એક અવી ઘટના છે જેમાં કોઈ વિસ્તારમાં અચાનક અને ખૂબ જ ટૂંકા ગાળામાં ભારે વરસાદ પડે છે. તે સામાન્ય રીતે થોડી મિનિટોથી લઈને થોડા કલાકો સુધીમાં વિનાશ જેવી પરિસ્થિતિ ઉભી કરી દે છે, તેની અસર અત્યંત વિનાશક હોઈ શકે છે.

જૂન 2013માં ઉત્તરાખંડના કેદારનાથમાં વાદળ ફાટવાની ઘટના બની હતી. વાદળ ફાટવા અને ભારે વરસાદને કારણે આવેલા પૂરે કેદારનાથ અને રામબાડામાં ભારે તબાહી મચાવી હતી. આ દુર્ઘટનામાં 5,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. હજારો લોકો ગુમ થયા હતા. તે ભારતની સૌથી વિનાશક કુદરતી આફતોમાંની એક હતી.
જનરલ નોલેજનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































