ગુજરાતના ગામડે ગામડે જઈને 3.5 લાખ ખેડૂતોને તજજ્ઞોની ટીમ વિકસિત કૃષિ અંગે માર્ગદર્શન આપશે
સમગ્ર દેશમાં આજે 29મી મેથી આગામી 12 જૂન સુધી યોજાનાર વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો પ્રારંભ થયો છે. ગુજરાતમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, કૃષિ સંકલ્પ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યના 2951 ગામોના ક્લસ્ટરથી સાડા ત્રણ લાખથી વધુ ખેડૂતોને 55 જેટલી તજજ્ઞોની ટિમ વિકસિત કૃષિ દ્વારા અદ્યતન ખેતીથી ખેડૂત સમૃદ્ધિ માટે માર્ગદર્શન આપશે.

ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ICAR અને રાજ્યના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના વૈજ્ઞાનિકો, કૃષિ યુનિવર્સિટીઓના તજજ્ઞોના સહયોગથી આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન તા. 29મી મે થી 12 જૂન સુધી દેશભરમાં યોજાવાનું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં આ અભિયાનનો પ્રારંભ આણંદ કૃષિ યિનિવર્સિટીથી કરાવ્યો હતો. ગુજરાતમાં આ અભિયાન અંતર્ગત 235 તાલુકાઓના 2951 ક્લસ્ટર થકી 3.50 લાખથી વધુ ખેડૂતો સુધી સીધા પહોંચવાનું વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે.

આ અભિયાન દરમિયાન રાજ્યના 30 કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને 4 કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો, કૃષિ તજજ્ઞો, કૃષિ વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતો ગામડે-ગામડે ફરીને ખેડૂતોની મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ, આધુનિક અને જલવાયુ પરિવર્તન અનુરૂપ ખેત પદ્ધતિ, નવા સંશોધિત બિયારણો, નેનો ફર્ટિલાઇઝર, સોઇલ હેલ્થ કાર્ડના ઉપયોગ ઉપરાંત જરૂરિયાત પૂરતો જ ખાતરનો ઉપયોગ કરવા જેવી કૃષિલક્ષી જાણકારી આપવામાં આવશે. આ ઉપરાંત ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂતો હિતલક્ષી સહાય યોજનાઓ અંગે પણ માહિતગાર કરવામાં આવશે.

આણંદ કૃષિ યુનિવર્સિટી ઝોનમાં સમાવિષ્ટ 9 જિલ્લાઓના 793 ગામોના અંદાજે 1 લાખ 2 હજારથી વધુ ખેડૂતો, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના 7 જિલ્લાના 465 ગામોના 80 હજાર ખેડૂતો, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અંતર્ગતના 10 જિલ્લાના 933 ગામોના 1.20 લાખ ખેડૂતો અને નવસારી કૃષિ યુનિવર્સિટી ઝોનના 7 જિલ્લામાં 760 ગામોના 71 હજારથી વધુ ખેડૂતો એમ સાડા ત્રણ લાખથી વધુ ખેડૂતોને આ અભિયાન હેઠળ આવરી લેવાનું સઘન આયોજન રાજ્ય સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે કર્યું છે.

ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચના ડૉ. મનીષ દાસે તેમના પ્રાસંગિક ઉદ્દબોધનમાં કૃષિ ક્ષેત્રે ખેડૂતોના પડકારોને કેવી રીતે દૂર કરી શકાય તે માટે આઈ.સી.એ.આર ના પ્રયત્નોની વિસ્તૃત જાણકારી આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ વિભાગ દ્વારા રાજ્યના 1.5 કરોડ જેટલા ખેડૂતોને પ્રધાનમંત્રીના લેબ ટુ લેન્ડના વિઝનને સાકાર કરવા માટે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન નવો આયામ પૂરું પાડશે. તેમણે આ અભિયાન થકી ખેડૂતોને તેમની ખેતીમાં આવતા પડકારોના આઈ.સી.એ.આર.ના વૈજ્ઞાનિકો દ્વારા સમાધાન લાવવા માટે પ્રયાસ કરાશે, તેમ વિશ્વાસ પૂર્વક જણાવ્યું હતું.
ખેડૂતને જે વ્યવસાય માટે જગતનો તાત કહેવામાં આવે છે એ કૃષિ જગતના નાના મોટા સમાચાર જાણવા માટે આપ અમારા ટોપિક પર ક્લિક કરો.